બધી ઇચ્છાઓ પૂરી થાય ફ઼રાઝ એવું નથી, જેવી રીતે ઘણા શેર પૂરા થતા નથી. ગઝલ લખો ત્યારે તે એકએક શેર દ્વારા પૂરી થતી હોય છે. એક શેર(અશઆર)માં પણ બે પંક્તિ હોય છે. ઉલા મિસરા અને સાની મિસરા. પહેલી પંક્તિ લખો ત્યાર બાદ બીજી પંકિત લખો ત્યારે એક શેર પૂરો થાય છે. પરંતુ કેટલાક શેર સંપૂર્ણ(મુકમ્મલ) થતા નથી. જે રીતે કેટલાક શેર અધૂરા રહી જતા હોય છે એવી રીતે જ જીવનમાં બધી ઇચ્છાઓ(ખ઼્વાહિશેં) પણ પૂરી થતી નથી. ઘણી ઇચ્છાઓ અધૂરી રહી જતી હોય છે. ઘણી ઇચ્છાઓ પૂરી થતી નથી. શાયરથી પણ બધા શેર સંપૂર્ણ થતા નથી. ક્યાંક કશુંક બાકી રહી જાય છે. કેટલીક વખત શેર સંપૂર્ણ થઈ જાય તો ગઝલ પૂરી થતી નથી.
આ રીતે જીવનમાં ઘણી બધી બાબતો એવી હોય છે કે જેના માટે તમારા બધા પ્રયત્નો હોવા છતાં એ બાબતોમાં તમને પૂરી સફળતા મળતી નથી. કશુંક એવું હોય છે કે તમારી ઇચ્છાઓ પૂરી થઈ શકતી નથી. ગઝલના શેરની જેમ તમારી ઇચ્છાઓ પણ ઘણી અધૂરી રહી જતી હોય છે. શાયર માટે તેનો શેર જયારે પૂરો થતો નથી ત્યારે તેની જે દશા હોય છે તે ખૂબ વિકટ હોય છે. તેની મથામણ બાદ પણ જયારે શેર પૂરો થતો નથી ત્યારે શાયર ખૂબ વ્યથિત થઈ જતો હોય છે. તેના શેરને કે તેની ગઝલને સંપૂર્ણ કરવા માટે તેના પ્રયાસ ઓછા હોતા નથી પરંતુ જે શેર કે ગઝલ પૂરી થતી નથી ત્યારે તેને છોડીને શાયરે પણ આગળ વધવું પડતું હોય છે. જે રીતે બધી ઇચ્છાઓ કંઈ પૂરી થતી નથી તેવું માની લેવું પડે છે. જીવનમાં બધું જ તમારી મરજીનું થતું નથી. કેટલીક વખત તમારી મરજીથી વિરુદ્ધ પણ તમારે સમાધાન કરવું પડે છે. ગઝલનો શેર હોય કે જિંદગી જે જગ્યાએ બે છેડા નહીં મળે ત્યાંથી આગળ વધવું પડતું હોય છે. એક ગઝલનો શેર પૂરો નહીં પણ થાય. તેના કારણે બીજી ગઝલનું સર્જન રોકી નહીં દેવાય.