SURAT

વરાછાની આ જાણીતી રેસ્ટોરન્ટની બહાર જાહેરમાં હીરા દલાલની હત્યા, પોલીસ પણ જોતી રહી

સુરત: સુરત શહેર ક્રાઈમ સિટી બનવા તરફ આગળ ધપી રહ્યું હોય તેમ લાગે છે. શનિવારે પાસોદરામાં ગ્રીષ્મા વેકરિયાની હત્યા બાદ રવિવારે જિલાની બ્રિજ પર જાહેરમાં પ્રેસના તંત્રી જુનેદ પઠાણને દોડાવી દોડાવી હત્યારાઓએ રહેસીં નાંખ્યો હતો. હત્યાનો આ સિલસિલો સોમવારે પણ અટક્યો નહોતો. સોમવારે વરાછાના મિનીબજારમાં ચાલતા હીરા બજારમાં બે દલાલો વચ્ચે સામાન્ય વાતમાં ઝઘડો થયો હતો, જે ઉગ્ર બનતા એક હીરા દલાલે બીજાને માથામાં ફટકો માર્યો હતો. લોહીલુહાણ હાલતમાં હીરા દલાલ ફરિયાદ કરવા પોલીસ સ્ટેશન પહોંચ્યો ત્યારે પોલીસની ભૂલના લીધે તેણે જીવ ગુમાવવાની નોબત આવી પડી હતી.

  • બાપાસીતારામ ચોક પાસે રહેતા આપા ધાંધલ અને સરથાણાના અનુપ જાડેજા વચ્ચે જેડી રેસ્ટોરન્ટ સામે ટેબલ મુકવા બાબતે ઝઘડો થયો હતો
  • ઘણા સમયથી બંને વચ્ચે માથાકૂટ ચાલતી હોય સોમવારે રાત્રે ઝઘડો ઉઘડો બન્યો હતો, જાડેજાએ આપાભાઈને માથાના ભાગે ફટકો માર્યો હતો
  • આપાભાઈ ઈજાગ્રસ્ત હાલતમાં પોલીસ સ્ટેશન ગયા ત્યારે પોલીસે તેમને હોસ્પિટલ લઈ જવાના બદલે સ્ટેશન ડાયરીમાં એન્ટ્રી કરવામાં સમય બગાડ્યો

વરાછા પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ બાપાસીતારામ ચોક પાસે રહેતા આપાભાઈ ધાંધલ (ઉ.વ.65) અને સરથાણાની જલારામ સોસાયટીમાં રહેતા અનુપ ભરતભાઈ જાડેજા (ઉ.વ.60) વચ્ચે વરાછા મીની બજારમાં જેડી રેસ્ટોરન્ટની સામે ટેબલ મૂકવાને લઈને ઝઘડો થયો હતો. છેલ્લા ઘણા સમયથી બંને વચ્ચે આ ઝઘડો ચાલતો હતો. ત્યારે સોમવારે રાત્રે 9 વાગ્યે પણ ઝઘડો થયો હતો, ત્યાં જ અનુપ જાડેજાએ આપાભાઈને માથાના ભાગે તેમજ શરીરના અન્ય ભાગે લાકડાના ફટકા મારીને ગંભીર ઇજા પહોંચાડી હતી. આપાભાઈને વધુ સારવાર મળે તે પહેલાં જ તેમનું મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે વરાછા પોલીસે હત્યાનો ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી હોવાની વિગતો મળી છે.

જાણકારોના કહેવા પ્રમાને આપાભાઈ જ્યારે ઇજાગ્રસ્ત હાલતમાં હતા તેઓને પોલીસ મથકે લાવીને સ્ટેશન ડાયરીમાં એન્ટ્રી પાડયા બાદ હોસ્પિટલ લઈ જવાની તજવીજ કરવામાં આવી હતી, તે દરમિયાન જ તેમનું મોત નીપજયું હતું, પોલીસ સમયસર આપાભાઈને હોસ્પિટલ લઈ ગઈ હોત તો કદાચ તેમનો જીવ બચી ગયો હોવાની વાતે પણ ભારે જોર પકડ્યું હતું. પણ આ વાતને પોલીસે સમર્થન આપ્યું નહોતું. ઉલ્લેખનીય છે કે શહેરમાં આજે વધુ એક હત્યાને પગલે પોલીસનો કાફલો દોડતો થઈ ગયો હતો.

પરિવાર સોમનાથ ફરવા ગયો અને તસ્કરો ઘરમાં હાથફેરો કરી ગયા
સુરત : લિંબાયતમાં રહેતો સોની પરિવાર સોમનાથ ફરવા માટે ગયો ત્યારે અજાણ્યાએ તેમના ઘરને નિશાન બનાવીને રૂા.19.45 લાખના દાગીનાની ચોરી કરી ફરાર થઇ ગયા હતા. આ ચોરી કોઇ જાણભેદુ દ્વારા જ કરવામાં આવી હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી છે. લિંબાયત વિસ્તારમાં બૈજનાથ મંદિર પાસે નીલમનગર સોસાયટીમાં રહેતા સંતોષભાઇ રામપ્રસાદ સોની સોસાયટીની બહાર જ માં અંબે જ્વેલર્સ નામની દુકાન ધરાવે છે. તેમનો ભાઇ સુનિલકુમાર રામપ્રસાદ સોની પણ સાથે જ રહે છે. આ પરિવાર તા. 11મી ફેબ્રુઆરીના રોજ ફરવા માટે જવાના હતા, જેના કારણે તા. 10મી ફેબ્રુઆરીએ જ સંતોષભાઇ જ્વેલર્સમાંથી તમામ દાગીના ઘરે મુકી દીધા હતા.

આ દરમિયાન રાત્રીના સમયે કોઇ અજાણ્યાએ ઘરના મુખ્ય દરવાજાનું લોક તોડી નાંખ્યું હતું અને ઘરમાં પ્રવેશીને બે લાખ રોકડા તેમજ બીજા 17 લાખની કિંમતના દાગીના મળી કુલ્લે રૂા.19.45 લાખની ચોરી કરી ફરાર થઇ ગયા હતા. બનાવ અંગે પોલીસે ચોરીનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. પોલીસના જણાવ્યા પ્રમાણે સંતોષભાઇ સોમનાથ ગયા ત્યારે દાગીના ઘરે મુકીને ગયા હતા તે અંગે કોઇ વ્યક્તિ માહિતગાર હોવાથી જાણભેદુએ જ ચોરી કરી હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી હતી.

Most Popular

To Top