Dakshin Gujarat

સાપુતારાનાં હેલિપેડ વિસ્તારમાં બાઇક પર સ્ટંટબાજી, બાઈક એક વ્હીલ પર ફેરવી લોકોના જીવ જોખમમાં મૂક્યા

સાપુતારા: 15મી ઓગષ્ટ સ્વાતંત્ર્ય પર્વનાં દિને ગિરિમથક સાપુતારા ખાતે પ્રવાસીઓનું ઘોડાપુર ઉમટી પડ્યુ હતુ. ગુરુવારે સાપુતારા હેલિપેડ વિસ્તારમાં રાઇડર્સનાં એક ગ્રુપ દ્વારા મોટરસાયકલ પર સ્ટંટબાજી કરવામાં આવી રહી હતી. જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા આ રાઇડર્સ ગ્રુપના યુવકો સામે પોલીસ ફરિયાદ નોંધવામાં આવે તેવી લોકમાંગ ઉઠવા પામી છે.

  • યુવકોએ રસ્તા પર બાઈકને એક વ્હીલ પર પણ ફેરવી રાહદારીઓના જીવ જોખમમાં મૂક્યા
  • જોખમી સ્ટંટ કરનાર બાઈક રાઇડર્સ ગ્રુપ સામે સી.સી.ટીવી ફૂટેજનાં આધારે પોલીસ કાર્યવાહી કરે તેવી લોકમાંગ ઉઠી

આજના સમયમાં કેટલાક યુવાનો સોશિયલ મીડિયામાં જોખમી સ્ટંટ કરી રીલ્સ બનાવી ફેમસ થવાના ચકકરમાં પોતાનો તથા અન્ય લોકોનો જીવ પણ જોખમમાં મૂકતા હોય છે. ત્યારે ગિરિમથક સાપુતારાનાં હેલિપેડ વિસ્તારમાંથી પણ આવો જ એક સ્ટંટબાજીનો વીડિયો સામે આવ્યો છે. આ ગ્રુપ દ્વારા હેલિપેડ ખાતે જોખમી સ્ટંટ કરી કાયદા અને વ્યવસ્થાને હાથમાં લઈ લીધો હોય તેવા દ્ર્શ્યો સામે આવ્યા હતા. બાઈક રાઈડર્સ દ્વારા જાણે કોઈ ફિલ્મ શોનું આયોજન કર્યુ હોય તેમ અહી રાઈડર્સને જોવા ભીડ જામી હતી. આ રાઇડર્સ ગ્રુપના યુવકો સ્પોર્ટ્સ બાઇક પર જોખમી રીતે સ્ટંટ કરી રહ્યા હતા. સાથે બાઇકોને રેસ કરી ઘોંઘાટ કરી મઝા માણી રહ્યા હતા. બાઇકો રેસ કરતા ધુમાડાનાં ગોટે ગોટા ફેલાઈ જવા પામ્યા હતા.

આ વીડિયોમાં સ્પોર્ટ્સ બાઈક અને બુલેટ પર સવાર યુવકોએ જોખમી સ્ટંટ કર્યા હતા. અને બંને હાથ બાઈક પરથી હટાવીને હેલિપેડનાં રસ્તા પર બાઈક ચલાવી હતી. યુવકોએ હેલિપેડનાં રસ્તા પર બાઈકને એક વ્હીલ પર પણ ફેરવી રસ્તા પરથી પસાર થતા લોકોનો જીવ પણ જોખમમાં મૂક્યો હતો. ત્યારે સાપુતારા ખાતે રાઇડરો દ્વારા નીતિ નિયમોનું ખુલ્લેઆમ ઉલ્લંઘન કરાતા હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. ત્યારે જોખમી સ્ટંટ કરનાર બાઈક રાઇડર્સ ગ્રુપ સામે સી.સી.ટીવી ફૂટેજનાં આધારે ડાંગ જિલ્લાની સાપુતારા પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે અને કાયદાનું ભાન કરાવવામાં આવે તેવી લોકમાંગ ઉઠવા પામી છે.

Most Popular

To Top