પાવી જેતપુર : હાલ ચોમાસાની ઋતુ ચાલી રહી છે, અને કેટલાક દિવસથી વરસાદ વરસી રહ્યો છે ત્યારે જ્યાં જુઓ ત્યાં લીલોતરી નજરે પડી રહી છે. ત્યારે છોટા ઉદેપુર જીલ્લાના અને ત્રણ રાજ્યોની સરહદે આવેલા તુરખેડા અને આંબાડુંગરમાં અદભુત કુદરતી દ્રશ્યો જોવા મળ્યા હતા. પ્રાપ્ત માહિતી અનુસાર હાલ ચોમાસામાં વરસાદ પડી રહ્યો છે જેને લઈને જ્યાં જુઓ ત્યાં લીલોતરી જ નજરે પડી રહી છે.
પરંતુ છોટા ઉદેપુર જીલ્લાના છેવાડે અને ગુજરાત, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશ રાજ્યની સરહદે આવેલા તુરખેડામાં અદભુત દ્રશ્યો નજરે પડ્યા છે. એક તરફ ડુંગરો, બીજી તરફ ખીણ અને સામે નર્મદા નદી. જ્યારે આંબા ડુંગરમાં તો વાદળોની ફોજ નીચે ઉતરી આવી છે અને ખીણમાં જાણે બરફની ચાદર ઓઢી લીધી હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. કુદરતે આ બન્ને સ્થળોએ જાણે કુદરતી રંગોળી પુરી હોય અને જોઈને જ મનને શાંતિ મળે તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. અને આ બન્ને જગ્યાએ જાણે કોઈ સ્વપ્ન નગરીમાં આવી ગયા હોય તેવા દ્રશ્યો સર્જાયા છે. અને જાણે અહીંયા જ રહેવાનું મન થઇ ગયું. આ દ્રશ્યો જોઈને ૧૯૬૭ માં આવેલી જીતેન્દ્રની એક જૂની હિન્દી ફિલ્મ બુંદ જો બન ગયી મોતીનું ગીત યાદ આવી ગયું.