સામાજિક ન્યાયના નામે ખેલાતા નિર્લજ્જ જ્ઞાતિવાદી રાજકારણે રાષ્ટ્રહિતનો ભોગ લીધો છે. કેન્દ્ર સરકારના 24 મંત્રાલયોમાં સંયુકત સચિવ, નિર્દેશક નાયબ સચિવના 45 પદો પર 3 થી 5 વર્ષ માટે અનુભવી પ્રતિભાવાન નિષ્ણાતોની સીધી ભરતી કરવાની યુપીએસની જાહેરાત પાછી ખેંચી લેવાઇ. વહીવટી તંત્રમાં ઉચ્ચ કક્ષાએ જ્ઞાતિવાદી અનામતો વગર ભરતી કરવાના વિચારનો વિરોધ પક્ષોએ તેમજ ભાજપના જ કેટલાક સાથી પક્ષોએ પણ કર્યો હતો. સીધી ભરતીની પ્રથા નવી નથી. 1950ના દાયકાથી કોંગ્રેસ સરકારોએ મોન્ટેકસિંહ, આઇ.જી. પટેલ, મનમોહન સિંહ, સામ પિત્રોડા જેવા નિષ્ણાતોને યુપીએસસીને બાજુ પરમૂકી સરકારમાં ઉચ્ચ પદે બેસાડયા હતા. આ સાચો નિર્ણય હતો. કેમ કે તેના વગર દેશને તેમની પ્રતિભાનો લાભ ન મળ્યો હોત. મોદી સરકારે આ પ્રથાને વ્યાપક બનાવી તેને સંસ્થાગત સ્વરૂપ આપી યુપીએસસી મારફત પણ લેખિત સ્પર્ધાત્મક પરીક્ષા વગર સીધી ભરતી કરવાની શરૂઆત કરી છેલ્લા પાંચ વર્ષમાં આવા 63 લોકોની ભરતી થઇ ચૂકી છે. હમણાની જાહેરાતનો હેતુ અત્યાધુનિક ટેકનોલોજી, સેમી કંડકટર, સાઇબર સીકયુરીટી, આબોહવા, પરિવર્તન જેવા ક્ષેત્રોમાં નિપુણતા ધરાવતા નિષ્ણાતોને સરકારમાં લાવવાનો હતો. આ આખી પ્રક્રિયા યુપીએસસી દ્વારા ખુલ્લી અને પારદર્શક રીતે પાર પાડવામાં આવવાની હતી.
જેથી પક્ષપાત કે લાગવગના આક્ષેપોને સ્થાન ન રહે. પસંદગી નિષ્ણાત જ્ઞાનના આધારે થવાની હોવાથી તેમાં જ્ઞાતિવાદી અનામતો રખાઇ ન હતી. મોદીની દરેક વાતનો વિરોધ કરતા વિપક્ષોએ આ તક ઝડપી લીધી. રાહુલ ગાંધીએ આક્ષેપ કર્યો કે મોદી સરકાર આઇએએસનું ખાનગીકરણ કરી અનામત પ્રથાનો વીટો વાળી દેવા માગે છે. સરકારની અંદર ચિરાગ પાસવાને કહ્યું કે અનામતો વગરની સરકારી નોકરીની ભરતી માટે અમે કદી સંમતિ નહિ આપીએ. થોડાક નિષ્ણાતો થોડો સમય માટે સરકારમાં જોડાય તેનાથી ક્ષેત્રનું સ્વરૂપ બદલાતું નથી કે સામાજિક ન્યાય રસાતાળ જતો નથી. પણ રાજકારણ દંભ, દેખાડો અને દાદાગીરીનો અખાડો છે. વિપક્ષોએ સીધી ભરતીનો વિરોધ કરી દેશહિતને ઠોકર મારી છે. મોદીએ મજબૂરીથી પીછેહઠ કરી છે. પણ તેની કિંમત દેશે ચૂકવવી પડશે.
કડોદ – ચિરાગ બાબુભાઇ પટેલ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
માનવી માનવ થાય તો ઘણું
હાલમાં ગણપતિ ઉત્સવમાં સુરતમાં જે બનાવ બન્યો તેને આવેગમાં આવેલ કરેલ ખોટું કર્યું ગણી કાઢીએ પણ ત્યારબાદ અન્ય વિસ્તાર અને ગામ શહેરોમાં પણ થાય ત્યારે તે સુઆયોજિત કાવત્રુ જ ગણાય. ભારત બિન સાંપ્રદાયિક દેશ છે. ધીરે ધીરે રાજકારણીઓએ ચૂંટણી ઉમેદવાર પસંદ કરવામાં જેતે વિસ્તારના રહેતા સંપ્રદાય મુજબ ઉમેદવાર પસંદ કરી આ મૂળ નાખ્યું છે. હિંદુ મુસ્લીમ સાથે રહેવા નથી માંગતા કે સરકારે રહેવા નથી દેવા. જયારે કોઇ પણ સંપ્રદાયની વ્યકિતને લોહીની જરૂરપડે ત્યારે લોહીનું ગૃપ જોવાય છે તેમાં જાતપાત હોતી નથી.
ગુજરાતમાંથી સૌ પ્રથમ બ્રેઇનડેડ સુરતના પરિમલનું હૃદય યુએઇથી સુરત આવેલ 14 વર્ષની કિશોરી ખાદીજા અબદુલ્લા ઓબીદલ્લાને ટ્રાન્સપ્લાન્ટ કરાયું!! હવે કયારેય કોઇ પણ દાનવીર આયોજિત હોસ્પિટલમાં સારવાર માટે દાખલ થાવ છો ત્યારે ન્યાતજાત જોવાતી નથી કે કોઇ વધારાનો ખર્ચ લેવાતો નથી. મિત્રો સમજો અને વિચારો…! ભારતમાં રહેતા દરેક નાગરિકે વિચારવું જોઇએ કે પોતાની માતાના સ્તનપાન બાદ ભારત માતાનું અન્ન ખાઇ મોટા થયા અને જીવન જીવત હોય છે. તેમણે ભારત માતાને વફાદાર રહેવું જોઇએ. એજ એક પુત્ર તરીકેની ફરજ છે.
અમરોલી – બળવંત ટેલર – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.