Comments

શિક્ષણમાં અભ્યાસ અને વાચન એ નૈતિક જવાબદારી છે, જે નિભાવવી જ પડે

આજથી વીસ વર્ષ પહેલાં, આ કરુણ કટાક્ષ ખરેખર બન્યો હતો. જ્યારે એક સાક્ષરે એક કોલેજ યુવકને પ્રશ્ન કર્યો હતો. આમ તો દેશનાં  જાહેર માધ્યમોમાં અવારનવાર શિક્ષણના ભગવાકરણ કે હિંદુ વિચારધારા તરફ ઢાળવાના સમાચારો ચર્ચાયા કરે છે પણ આપણે ત્યાં શિક્ષણનું ભગવાકરણ કે ડાબેરીકરણની ચિંતા કરવા કરતાં શિક્ષણનું ગાઈડકરણ થઇ ગયું છે તેની ચિંતા કરવા જેવી છે અને અત્યારે આ લખાય છે ત્યારે તો વિદ્યાર્થીઓ ગાઈડ પણ  વાંચતાં નથી અને કાપલીના સહારે આવી ગયા છે તે ગંભીર બાબત છે.

જો ગુજરાતનો કોઈ પત્રકાર કોલેજોની પરીક્ષા વખતે કોલેજના મેદાનમાં જાય તો લગભગ કોથળો ભરીને માઈક્રો ઝેરોક્ષ કોપી લઇ આવે તેવી સ્થિતિ છે. અધ્યાપકો કે શિક્ષકો કાપલીઓ ઉઘરાવીને થાકી જાય છે. કોઈ જાદુગરના ખીસ્સામાંથી, ટોપીમાંથી, શર્ટની બાંયમાંથી,અરે હવામાંથી જેમ વસ્તુ નીકળે તેમ વિદ્યાર્થીની આસપાસથી કોપી નીકળે છે. ક્યાંક તો વાઈ ફાઈ મોડમાં કોપી થાય છે કારણ એક જ છે કે વાચન નથી, મહેનત નથી, એવું નથી કે માત્ર સામાન્ય પ્રવાહમાં આવું થાય છે. મેડિકલ અને એન્જિનિયરીંગમાં પણ સંદર્ભ ગ્રન્થવાચન ઘટતું જાય છે. ઓછામાં ઓછું ગુજરાતમાં તો અભ્યાસ માટે જે આગ્રહ હોવો જોઈએ તે દેખાતો નથી. મા બાપ પણ હવે બાળકોને વાંચવા બેસ એમ કહેતાં હશે કે કેમ તે પ્રશ્ન છે.

નૈતિકતાનાં ઈંજેક્શન મળતાં નથી. ના તેના ભૌતિક માપદંડો છે. નૈતિકતા તો આપણા વ્યવહારમાં દેખાય અને તે માટે આપણને કોઈ શું પ્રમાણપત્ર આપે? આપણે જાતે જ અનુભવીએ કે આપણે સાચું કરીએ છીએ કે ખોટું? આજે આ પતન માત્ર વિદ્યાર્થીઓમાં આવ્યું છે તેવું નથી. થોડાંક અભ્યાસુ શિક્ષકો અને અધ્યાપકોને બાદ કરતાં શિક્ષણ ક્ષેત્રે શિક્ષકોનો મોટો વર્ગ છે, જે વાંચતો જ નથી. વળી તે પોતે જ પોતાનાં સંશોધનપત્રો,  ખાતાકીય પરીક્ષાઓ કે કોરોના પછી ઓનલાઈન વર્ગ કે પરીક્ષામાં ખુલ્લેઆમ કોપી કરે છે. હવે જે શિક્ષક કે અધ્યાપક જ ગાઈડ કે પ્રશ્નોત્તરી રૂપ ચોપડીના આધારે ભણાવતા હોય, પોતાની જ રજૂઆત કે પરીક્ષામાં ચોરી કરતા હોય તે વિદ્યાર્થીઓને કઈ રીતે નીતિમત્તાના પાઠ ભણાવે?

(2) એ સાચું જ છે કે આજે વિજ્ઞાન અને ટેકનોલોજીનો વ્યાપ વધવા સાથે અધ્યાપકો અને વિદ્યાર્થીઓ પણ ટેકનોસેવી બન્યા છે. અનેક શિક્ષકો અધ્યાપકો પોતાની યુ ટ્યુબ ચેનલો ચલાવે છે . બ્લોગ લખે છે. સરકારી પરિપત્રો અને સ્પર્ધાત્મક પરીક્ષાની સતત અપડેટ આપતા રહે છે, પણ કુલ સંખ્યામાં આ વર્ગ નાનો છે. ઉલટાનું આ વોટસેપ સોશ્યલ મિડિયા અને ગુગલ ગુરુએ અનેક વિદ્યાર્થીઓ અને શિક્ષક અધ્યાપકને સાવ પાંગળાં બનાવી દીધાં છે. ના કરે નારાયણ ને વીજળી 24 કલાક માટે ગુલ થાય તો આ તમામનું શિક્ષણ અને સંશોધન અટકી જાય.

ખાનગીકરણના યુગમાં શાળા કોલેજો ખાનગી ધોરણે ખુલી છે. થોડી શિક્ષણ સંસ્થાઓ ઊંચા પગાર આપી કર્મચારીઓને રાખે છે, પણ મોટા ભાગની તો ઓછા પગારમાં શિક્ષકો રાખે છે. અહીં વિદ્યાર્થીના અભ્યાસ કરતાં આવક વધારે મહત્ત્વ ધરાવે છે. સંચાલકો તો લાલચુ હોય એ માની શકાય, પણ શિક્ષક અને વિદ્યાર્થીઓ પણ અભ્યાસમાં આળસુ હોય તે સ્વીકારી શકાય નહીં. ખાનગી શિક્ષણની અનેક મર્યાદા હોવા છતાં જ્ઞાનપ્રાપ્તિની ઝંખના જ ના હોય તે વાત વિદ્યાર્થી કે શિક્ષક માટે સ્વીકારી શકાય નહીં.

સાહિત્યનો અભ્યાસ  કરનારને સાહિત્ય કૃતિ પાઠ્યક્રમ રૂપે ભણવાની આવે. ગુજરાતીમાં પૃથ્વીવલ્લભ કે કુંવરબાઈનું મામેરું ભણવાનું હોય તો સ્વાભાવિક છે કે બધા વિદ્યાર્થી આ પુસ્તક આખું ના ખરીદે, પણ શાળા કોલેજની લાઈબ્રેરી કે બીજી કોઈ રીતે લઈને વાંચી તો શકે જ. આજે તો કેટલી બધી કૃતિ ઓનલાઈન છે. એક રીતે ૧૯૯૦ પહેલાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ કે શિક્ષકો માટે અભ્યાસ સામગ્રી સંદર્ભ ગ્રંથો મળવાં ખરેખર મુશ્કેલ હતાં. આજે તે બધું જ આંગળીનાં ટેરવે છે. જો નેટફ્લીક્ષનો પાસવર્ડ લઇને એકમાં ચાર લોકો ફિલ્મ જોઈ શકે તો એક પુસ્તક કે ઓનલાઈન કોર્સ ચાર જણા વાંચી જ શકે. મૂળ વાત છે નિસ્બત અને નૈતિકતાની અને શિક્ષણમાં તે ખત્મ થતી જાય છે.

બધે ચાલશે, પણ શિક્ષણમાં આળસ અને ચોરી નહિ ચાલે. શિક્ષક અને અધ્યાપક મંડળો માટે વર્ષોથી આ ફરિયાદ રહી જ છે કે જેમ તમે પગાર પંચો કે કલ્યાણ યોજનાઓના પૂરેપૂરા અમલ માટે સરકારને આગ્રહપૂર્વક ફરજ પાડો છો તેવી જ રીતે સંગઠનનાં સભ્યોને અભ્યાસ અને સતત અપડેટ થવા માટે પણ આગ્રહ કરો. બધી જ માંગણી કરો પણ કદી ગુણવત્તા સાથે બાંધછોડની માંગણી ના કરો. વિદ્યાર્થીઓને વાંચતાં લખતાં કરવા માટે શિક્ષક અધ્યાપકે વાંચવું લખવું પડશે. નૈતિક જવાબદારી એ શિક્ષણજગતની પ્રાથમિક માગ છે, જે નિભાવવી જ પડશે.
– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top