Editorial

યુરોપના અનેક દેશોમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ છે

બ્રિટનના પાડોશી દેશ આયર્લેન્ડમાં ગુરુવારે અચાનક રમખાણો ફાટી નિકળ્યા. આને જો કે રમખાણો કહેવાને બદલે એકતરફી તોફાનો કહેવાનું જ યોગ્ય રહેશે કેમ કે તેમાં શરણાર્થી અને વિદેશીઓના વિરોધીઓ એવા સ્થાનિક લોકોના ટોળાએ ભારે ધમાલ અને તોડફોડ કરી હતી અને વિદેશથી આવીને વસેલા લોકો ભાગ્યે જ તેનો પ્રતિકાળ કરી શક્યા હતા. બન્યું એવું હતું કે પાંચ વર્ષની એક છોકરી પર છરા વડે હુમલો થયો અને આ બનાવમાં એક મહિલા અને અન્ય બે નાના બાળકોને પણ હોસ્પિટલમાં દાલખ કરવા પડ્યા તેના પછી સેન્ટ્રલ ડબ્લિનમાં હિંસક તોફાનો ફાટી નિકળયા હતા.

જેમાં વાહનોને આગ ચાંપવામાં આવી હતી અને રાયટ પોલીસ પર હુમલા કરવામાં આવ્યા હતા. કોઇ શખ્સે એક શાળામાંથી છૂટેલા બાળકો પર અચાનક હુમલો કર્યો. આ શખ્સને પણ બાળકોને બચાવવા લોકો વચ્ચે પડ્યા બાદ ઇજા થઇ અને પોલીસે તેને પકડીને હોસ્પિટલમાં દાખલ કર્યો. જો કે આ બનાવ પછી આયર્લેન્ડની રાજધાની ડબ્લિનમાં જે રીતે તોફાનો, તોડફોડ અને આગજનીનો સિલસિલો શરૂ થયો તેણે ઘણાને વિચારતા કરી મૂક્યા છે.

એક શાળાની બહાર કેટલાક બાળકો પર હુમલો કરવામાં આવ્યો છે તેવી વાત જાહેર થયા પછી તરત ઓછામા઼ ઓછા ૧૦૦ માણસોનું એક ટોળુ શેરીઓમાં ઉતરી આવ્યું હતું, જેમાંથી કેટલાકની પાસે તો ધાતુના સળિયા હતા અને તેમણે પોતાના ચહેરા ઢાંકેલા હતા. બાદમાં તોફાનીઓનું પ્રમાણ વધી ગયું હોય તેમ જણાય છે. તોફાનોને ખાળવા માટે ડબ્લિન સિટી સેન્ટર ખાતે ૪૦૦ જેટલા પોલીસ કર્મચારીઓને ખડકી દેવામાં આવ્યા હતા. તોફાનીઓએ સંખ્યાબંધ પોલીસ વાહનોને અને એક ટ્રામને નુકસાન પહોંચાડ્યું હતું, અને એક બસ તથા એક કારને આગ ચાંપવામાં આવી હતી.

દુકાનોની બારીઓના કાચ તોડવામાં આવ્યા હતા. તોફાનોને પગલે શહેરની ટ્રામ અને બસ સેવા અટકાવી દેવામાં આવી હતી. એવી અફવા ફેલાઇ કે હુમલાખોર શખ્સ વિદેશી છે તેથી આયર્લેન્ડના અતિ જમણેરી વિચારધારાવાળા લોકોએ વિદેશથી આવેલા ઇમિગ્રન્ટો વિરુદ્ધ તોફાનો શરૂ કર્યા હતા. સાંજે એક પત્રકાર પરિષદમાં એક ઉચ્ચ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે હુમલાખોર શખ્સે અનેક લોકો પર હુમલા કર્યા હતા તેમાં બે બાળકો અને એક મહિલાને ઇજા થઇ હતી. આ શખ્સને લોકોએ પકડી લીધો હતો. સંભવત: લોકોના મારને કારણે ઇજાગ્રસ્ત થયો હતો, તેની સ્થિતિ ગંભીર ગણાવાઇ હતી.

અધિકારીએ જણાવ્યું હતું કે આ ત્રાસવાદી હુમલો જણાતો નથી છતાં તે દિશામાં પણ તપાસ માટે પોલીસ પોતાનું મન ખુલ્લું રાખે છે. આયર્લેન્ડના ભારતીય મૂળના વડાપ્રધાન લિઓ વરાડકરે આ ઇમિગ્રન્ટ વિરોધી તોફાનોને વખોડતા કહ્યું હતું કે આ તોફાનીઓએ રાષ્ટ્રવાદથી પ્રેરાઇને તોફાનો કર્યા નથી પણ એટલા માટે તોફાનો કર્યા છે કે તેઓ ધિક્કારથી ભરેલા છે. હુમલાખોર શખ્સની ઓળખ પણ પૂરી જાણવા મળી નહીં, પરંતુ તે વિદેશથી આવીને વસેલ શરણાર્થી છે એ પ્રકારની અફવા ફેલાતા જ તોફાનો શરૂ થઇ ગયા તે આયર્લેન્ડમાં શરણાર્થીઓ અને વિદેશથી આવીને વસેલા લોકો વિરુદ્ધ સ્થાનિકોના એક વર્ગમાં કેટલો રોષ છે તે સૂચવે છે. જો કે તોફાનીઓ મોટે પાયે દુકાનોમાં તોડફોડ કરી છે તે દુકાનો તો સ્થાનિક લોકોની જ હતી એમ જણાય છે તેના પરથી એવો પણ અંદાજ બાંધી શકાય છે કે તોફાનો કરવા ઉતરી આવેલા ઘણા લોકો તો કશા હેતુ વિના જ તોફાન કરી રહ્યા હતા.

આયર્લેન્ડના આ તોફાનો એ યુરોપમાં હાલમાં તોફાન કે અજંપાનો પહેલો બનાવ નથી. થોડા જ દિવસો પહેલા બાજુના યુકેના લંડનમાં પેલેસ્ટાઇન તરફીઓની રેલી અને આ રેલીના વિરોધીઓ એવા જમણેરી શ્વેત લોકો વચ્ચે સંઘર્ષનો બનાવ બની ગયો. થોડા મહિના પહેલા સ્વીડનમાં પણ દિવસો સુધી મુસ્લિમ-ખ્રિસ્તી તનાવ રહ્યો હતો. યુરોપના અનેક દેશોમાં શરણાર્થીઓને આશરો આપવામાં આવે છે અને તેની સામે સ્થાનિક લોકોના એક નોંધપાત્ર વર્ગના વિરોધને કારણે તનાવ સર્જાયા કરે છે.

પરંતુ યુરોપમાં ફક્ત વંશીય કે ધાર્મિક તનાવ નથી. કોવિડના રોગચાળા પહેલા ફ્રાન્સ લાંબા સમય સુધી મેક્રોન સરકારની કથિત ધનવાન તરફી નીતિઓના વિરોધમાં યલો વેસ્ટ રમખાણો જોઇ ચુક્યું છે તો હાલ કેટલાક સમય પહેલા નવી પેન્શન નીતિના વિરોધમાં કામદાર અજંપો જોઇ ચુક્યું છે. સ્પેનમાં કેટેલોનિયાના અલગતાવાદીઓ સાથે રાષ્ટ્રવાદીઓનો તનાવ છે. અનેક દેશોમાં બેરોજગારી જેવી સમસ્યાઓને કારણે પણ તનાવ છે. ટૂંકમાં, ઉપરથી શાંત અને વ્યવસ્થિત દેખાતા યુરોપમાં ઘણા દેશોમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ છે.

Most Popular

To Top