રાજકોટ: રાજકોટ(Rajkot)માં એક સંમેલન(Convention)માં સ્પીચ(Speech) આપતા રાજ્યના શિક્ષણમંત્રી(Minister of Education) જિતુ વાઘાણી(Jitu Vaghani)એ બફાટ કર્યો હતો. તેઓ પોતાની સ્પીચમાં એવું બોલી ગયા કે લોકો પણ એક સમયે વિચારમાં પડી ગયા હતા. જો કે ત્યારબાદ શિક્ષણ મંત્રીને ભૂલનું ભાન થતા તેઓએ પોતાનું ઉચ્ચારણ સુધાર્યું હતું.
શિક્ષણ મંત્રીએ કહ્યું કે જ્યારે ચીન અને રશિયા વચ્ચે યુદ્ધ ચાલતું હતું એ સમયે PM મોદીએ રશિયા અને યુક્રેનને 6 કલાક યુદ્ધનો વિરામ કરવા કહ્યું હતું અને યુદ્ધ વિરામ કરાયો, કારણ કે વિદ્યાર્થીઓ ભાજપનો ધ્વજ લઈને નીકળ્યા હતા. શિક્ષણ મંત્રીએ પોતાના વકતવ્યમાં રશિયા અને યુક્રેન વચ્ચેનાં યુદ્ધનાં બદલે રશિયાનું ચીન સાથે યુદ્ધ શરુ કરી દીધું હતું. તેમજ ભારતનાં રાષ્ટ્ર ધ્વજને ભાજપનો રાષ્ટ્ર ધ્વજ બોલી દીધું હતું. જો કે અચાનક શિક્ષણમંત્રીને ભૂલનું ભાન થતાં તેમણે તરત શબ્દો સુધારી ચીનનું યુક્રેન અને ભાજપના ધ્વજની જગ્યાએ ભારતના ધ્વજનું ઉચ્ચારણ કર્યું હતું.
કોંગ્રેસના બાપ-દાદાનાં બેંક એકાઉન્ટ નંબર નીકળશે
શિક્ષણ મંત્રીએ વિપક્ષ પર પ્રહાર કરતાં જણાવ્યું હતું કે પહેલાં સરકારી ભરતીમાં લેખિત પરીક્ષાઓ જ નહોતી લેવાતી. સીધા ઇન્ટરવ્યુ લઇ જેને પસંદ કરવા હોય તેને લઈ લેવામાં આવતા હતા. આજે પણ સચિવાલયમાં તપાસ કરો તો કોંગ્રેસના બાપ-દાદાનાં બેંક એકાઉન્ટ નંબર નીકળશે. પહેલાંની સરકારમાં રૂપિયા લઈને જ સરકારી ભરતીઓ કરવામાં આવતી. અમે હવે લેખિત પરીક્ષા કરીએ છીએ.
અગાઉ પણ આપ્યા છે આવા નિવેદનો
શિક્ષણ મંત્રીના આવા નિવેદનો પહેલી વાર નથી સામે આવ્યા. અગાઉ પણ ઘણી વખતે તેઓએ આવા નિવેદનો આપ્યા છે. અગાઉ એપ્રિલ મહિનામાં રાજકોટમાં એક કાર્યક્રમમાં જીતું વાઘાણીએ વાલીઓને સંબોધન કરતી વખતે જેને ગુજરાતમાં શિક્ષણ સારું ન લાગતું હોય તે ગુજરાત છોડીને સારું લાગે ત્યાં જતા રહે. તેવું કહી દીધું હતું. જિતુ વાઘાણીના આવા સંબોધનથી સ્ટેજ પર બેઠેલા ભાજપના નેતાઓના ચહેરા ઉતરી ગયા હોય તેવું સ્પષ્ટ દેખાયું હતું.
સી.આરની હાજરીમાં જ આર.સી ફળદુને પ્રદેશ પ્રમુખ ગણાવ્યા હતા
વર્ષ 2021માં ભાવનગરમાં એક સભાને સંબોધતી વખતે જીતુ વાઘણીએ આર.સી ફળદુને ભાજપનાં પ્રદેશ પ્રમુખ બનાવી દીધા હતા અને એ પણ સી.આર પાટીલની હાજરીમાં જ. જે સાંભળતા જ સૌ કોઈ ચોંકી ઉઠ્યા હતા. આ ઉપરાંત સ્ટેજ પર બેઠેલા સી.આર પાટીલનો ચહેરાનો ભાવ બદલાઈ ગયો હતો.