Charchapatra

વિદ્યાર્થીઓના આપઘાત, ચિંતાનો વિષય

મહત્ત્વાકાંક્ષી (અંધ)વાલીઓનાં અધૂરાં સપનાઓ જ્યારે બાળકના માધ્યમ દ્વારા પૂરાં કરવાની હોડ લાગે ત્યારે બાળકો આપઘાત ન કરે તો શું કરે?બાળકની ક્ષમતાને, તેની પસંદને,વિચારને કે તેના રસને જાણવાને બદલે માત્ર ફોર્સથી વિષય પસંદગી થતી રહેશે ત્યાં સુધી નિર્દોષ,ટેલેન્ટેડ,સ્કિલ્ડ બાળકો ડિપ્રેશનથી સ્વયંને મોતને હવાલે કરતા જ રહેશે! આપઘાત કરનાર બાળકોની વિનંતીઓ માતા-પિતાને(સમાજ)માટે ચેતવણી સમાન છે.વાલીઓની સાચા અર્થમાં આ એક વિકૃત કે ઘાતકી પ્રવૃત્તિને રોકવી જ રહી.સાયન્સ પ્રવાહમાં એ ગ્રુપ કે બી ગ્રુપ બળજબરીપૂર્વક પસંદ કરાવનાર વાલીઓ તેમના દરેક બાળકને ડોક્ટર કે ઇજનેર બનાવવા માગે છે.

શું બની જાય છે? અને બની ગયા પછી પણ નોકરી માટે કે ક્લિનિક માટે સંઘર્ષ કરતા નથી જોયા? હે વાલી મિત્રો, ન જોયા હોય તો તમને વિનંતી કે બહાર નીકળો જુઓ. તમારાં સંતાનોના મોત માટે તમે જવાબદાર ન બનો. સ્પોર્ટ્સ, એથ્લેટીકસ, કલા ક્ષેત્રે, સાહિત્ય ક્ષેત્રે પણ વધુમાં વધુ આર્થિક કમાણી થઈ શકે છે.વિરાટ કોહલી, મેરી કોમ, નીરજ ચોપડા,મેસી,બોલ્ટ , સાનિયા નહેવાલ જેવા અનેક ખેલાડીઓ સંપત્તિના માલિક છે અને એમાં કરીયર બનાવી છે.બાળકોને સ્પર્ધા શીખવો પણ સાથે હાર પચાવતાં, કોશિશ કરતાં અને મરતાં પહેલાં જીવવાનું શીખવો, પ્લીઝ. રાજસ્થાનના કોટામાં થયું એવું કયાંય ન થાય તે માટે સમજ કેળવીએ એટલી જ પ્રાર્થના.

સુરત – અરુણ પંડયા– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

રાજકારણમાં મહિલાઓને પ્રોત્સાહનનો અભાવ
દેશના રાજકારણમાં મહિલાઓની ભાગીદારીનું ચિત્ર નિરાજનક રહ્યું છે. રાજકીય પક્ષો મહિલાઓની ભાગીદારી વધારવાની વાત વારંવાર કરે છે પણ સંસદ અને વિધાનસભામાં તેમનું પ્રતિનિધિત્વ નિરાશાજનક તસ્વીર રજૂ કરે છે. વાસ્તવિકતા એ છે કે દેશનાં ઓગણીસ રાજ્યોની વિધાનસભાઓમાં મહિલા ધારાસભ્યોનું પ્રતિનિધિત્વ દસ ટકાથી પણ ઓછું છે. તાજેતરમાં યોજાયેલ ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં જીતનારી મહિલાઓની સંખ્યા 8.2 ટકા છે. જયારે હિમાચલ પ્રદેશમાં થયેલ વિધાનસભાની ચૂંટણીમાં આ વખતે ફકત એક મહિલા ઉમેદવાર ચૂંટણી જીતવામાં સફળ રહી છે. અત્યાર સુધી દેશની મહિલાઓના સશકિતકરણ માટેના અતિ મહત્ત્વના અનામત બિલ પ્રત્યે દુર્લક્ષ સેવાયું છે.

કમનસીબી એ છે કે મહિલાઓને રાજકારણમાં અનામત આપવાને લઇને રાજકીય પક્ષોમાં રસ કે સહમતી જ નથી. રાજકારણમાં મહિલાઓની ભૂમિકા વધારવા માટે મોટા ભાગના રાજકીય પક્ષોમાં યોગ્ય રાજકીય ઇચ્છાશકિતનો અભાવ છે. તાજેતરમાં કેટલાક રાજકીય પક્ષોએ સરકાર સમક્ષ મહિલા અનામત બિલને નવેસરથી સંસદમાં રજૂ કરવા અને પસાર કરવાની માંગ કરી છે. ત્યારે રાજકારણની મુખ્ય ધારામાં મહિલાઓના પ્રવેશ માટે અનુકૂળ વાતાવરણ સર્જવા તમામ રાજકીય પક્ષોએ વધારે લોકતાંત્રિક બનવાની જરૂર છે.
પાલનપુર       – મહેશ વી. વ્યાસ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top