ગાંધીનગર: કન્યાકેળવણી મહોત્સવ અને શાળા (School) પ્રવેશોત્સવના બીજા દિવસે મુખ્યમંત્રીના (CM) સચિવ અને માહિતી-પ્રસારણ સચિવ અવંતિકા સિંઘે ગાંધીનગર (Gandhinagar) જિલ્લાના કોટેશ્વર, ભાટ અને સુઘડ ગામોની પ્રાથમિક શાળાઓમાં ધોરણ-૧ માં ૫૭ કન્યા અને ૫૦ કુમાર સહિત ૧૦૭ વિદ્યાર્થીઓને ભાવપૂર્વક આવકાર્યા હતા. આ ત્રણ ગામોમાં ૩૭ ભૂલકાઓએ આંગણવાડીમાં પ્રવેશ લીધો હતો. બાળકોને દફતર, પુસ્તકો અને ચોકલેટ આપી આવકારતા અવંતિકા સિંઘે કહ્યું હતું કે, શાળા પ્રવેશોત્સવને કારણે શાળામાં ઉત્સવનું વાતાવરણ સર્જાતું હોવાથી હવે પ્રવેશ વખતે બાળકો ખુશખુશાલ દેખાય છે. શિક્ષણ પ્રત્યે બાળકોની રૂચી જળવાઈ રહે અને બાળકો લક્ષ્યથી ન ભટકે એ માટે વાલીઓની સજાગતા અને મહેનત જરૂરી છે. રમત ગમત એ બાળકોનો મૂળ સ્વભાવ છે, તેની સાથોસાથ અભ્યાસ પણ એકાગ્રતાથી થવો જોઈએ.
સુઘડમાં યોજાયેલા પ્રવેશોત્સવ સમારોહમાં સંબોધન કરતાં અવંતિકા સિંઘે કહ્યું હતું કે, બાળકોના પ્રાથમિક શિક્ષણમાં વિશેષ ધ્યાન અપાશે તો તેમનો ઉછેર સારો થશે અને તો આવનારા સમયમાં સમાજને તેનો લાભ મળશે. શ્રીમતી અવંતિકા સિંઘે કોટેશ્વર પ્રાથમિક શાળામાં પ્રવેશોત્સવ સમારોહમાં ગામના દાતાઓનું બહુમાન કર્યું હતું. કન્યા કેળવણી માટે વિશેષ ભાર આપતા તેમણે પોતાનું દ્રષ્ટાંત આપતા કહ્યું કે, અમે બંને બહેનોને ભણાવવામાં લશ્કરમાં નોકરી કરતા અમારા પિતાજીએ કોઈ કચાશ રાખી નથી. દીકરા જેટલું જ ધ્યાન રાખીને અમને બંનેને ભણાવી છે. આજે અમે દીકરાની જેમ તેમની સેવા કરીએ છીએ. દીકરાઓ કરતાં દીકરીઓ જરાય ઉતરતી નથી, એટલું જ નહીં દીકરાઓની સરખામણીએ દીકરીઓ વધુ શાંત, સરળ અને મહેનતુ હોય છે. તેમણે દીકરીઓને તન્મયતાપૂર્વક મન દઈને ભણવા અનુરોધ કર્યો હતો.
શાળામાં ઓછામાં ઓછી ગેરહાજરી હોય એવા વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. શ્રીમતી અવંતિકા સિંઘે આવા વિદ્યાર્થીઓના વાલીઓને પણ બોલાવીને તેમનું સન્માન કર્યું હતું અને કહ્યું હતું કે, વધુને વધુ વાલીઓ દરકાર કરે કે શાળામાં તેમના બાળકોની હાજરી સો એ સો ટકા રહે. સુઘડ સરકારી પ્રાથમિક શાળાના પ્રાકૃત્તિક પરિસરમાં પ્રવેશોત્સવ દરમિયાન શ્રીમતી અવંતિકા સિંઘે કહ્યું હતું કે, આવનારી કાલને વધુ ઉજ્જવળ બનાવવા માટે આપણે આજે મહેનત કરવી પડશે. તેમણે બાળકોને સુઘડ ગામનું અને શાળાનું નામ રોશન કરવા આહ્વાન કર્યું હતું.