સુરત : રાજસ્થાનથી (Rajshthan) સ્કૂલબેગમાં (School bag) અફીણ (Opium) લાવનાર સગીરની અટકાયત કરીને પુછપરછ કરવામાં આવતા આ સગીરને અફીણની ડિલીવરી (Delivery) કરવા બદલ રૂા. 5 હજાર મળવાના હતા. રાજસ્થાનનો ગોપાલ સગીરને રૂા. 5 હજાર આપવાનો હતો. બાળકો પોલીસથી આસાનીથી બચી જતા હોવાથી ગોપાલે આ સગીરને પોતાનો હાથો બનાવ્યો હતો, પરંતુ સગીર પોલીસની સામે જ જોઇ રહેતા પોલીસને શંકા ગઇ હતી અને આખરે 1.98 લાખનું અફીણ હોવાનું બહાર આવ્યું હતું.
પ્રાપ્ત વિગતો મુજબ પુણા પોલીસને બાતમી મળી હતી કે, નિયોલ ચેકપોસ્ટ પાસે એક સગીર રૂા. 1.98 લાખની કિંમતનુ અફીણ લઇને સુરતમાં આવી રહ્યો છે. આ બાતમીને આધારે પુણા પોલીસે નિયોલ ચેક પોસ્ટ પાસે વોચ ગોઠવી હતી. આ દરમિયાન ચેકપોસ્ટની આગળ એક બસમાંથી સગીર ઉતર્યો હતો. હાથના ખભા ઉપર સ્કૂલબેગ લટકાવીને ઉતરેલો આ સગીર પોલીસની સામે જ જોઇ રહ્યો હતો. દરમિયાન પોલીસને સગીર ઉપર શંકા ગઇ હતી અને તેને અટકાવીને પુછપરછ કર્યા બાદ સ્કૂલબેગની પણ તપાસ કરી હતી. જેમાં પોલીસને રૂા. 1.98 લાખની કિંમતનું અફીણ મળી આવ્યું હતું. પોલીસે આ સગીરની પુછપરછ કરતા રાજસ્થાનના ચિત્તોડગઢ જિલ્લાના પારસોલી તાલુકાના ઇટાવા ગામનો રહેવાસી ગોપાલ રતનજી શર્માએ અફીણ આપ્યું હોવાનું કહ્યું હતું. પોલીસની પુછપરછ દરમિયાન ગોપાલે સગીરને આવવા-જવાની ટીકીટ લઇ આપી હતી તેમજ એક મોબાઇલ ફોન પણ લઇ આપ્યો હતો. જેમાં સુરતનો પેડલર સગીરને ફોન કરીને અફીણ મેળવવાનો હતો. આ કામ કરવા માટે ગોપાલે સગીરને રૂા. 5 હજાર આપવાનું કહ્યું હતું. સગીર અફીણની ડિલીવરી કરીને રાજસ્થાન પરત પહોંચે ત્યારે તેને રૂા. 5 હજાર મળવાના હોવાનું બહાર આવ્યું છે. હાલ તો પોલીસે સગીરની અટકાયત કરીને કોર્ટમાં રજૂ કર્યો હતો અને બાદમાં બાળહોમમાં મોકલી આપ્યો હતો.
ધો. 8 સુધી ભણેલો સગીર છેલ્લા દોઢ વર્ષથી રખડવાયુ જીવન જીવતો હતો
પોલીસના જણાવ્યા પ્રમાણે પકડાયેલા સગીરે ધો. 8 સુધીનો જ અભ્યાસ કર્યો છે, છેલ્લા દોઢ વર્ષથી તેણે ભણવાનું છોડી દીધુ છે અને રખડવાયું જીવન જીવી રહ્યો છે. રાજસ્થાનમાં જ ગોપાલના કહેવા પ્રમાણે સ્કૂલબેગમાં અનેકવાર અફીણ તેમજ અન્ય નશાકારક પ્રદાર્શની હેરાફેરી કરી હોવાનું પણ પોલીસ માની રહી છે. ત્યારે આગામી દિવસોમાં બાળહોમમાં સગીરનું કાઉન્સેલિંગ થયા બાદ વધારે માહિતી બહાર આવશે.
પોલીસ દેખાય એટલે તરત જ બસમાંથી ઉતરીને ચાલતા જવા ગોપાલે સૂચના આપી હતી
જાણવા મળ્યા મુજબ ગોપાલે સગીરને કહ્યું હતું કે, જ્યારે સુરતમાં જતાની સાથે જ પોલીસ દેખાય ત્યારે થોડે દૂર બસ ઊભી રખાવીને ઉતરી જવાનું. ત્યારબાદ પોલીસની બાજુમાંથી જ નીચે માથુ રાખીને ધીમે ધીમે ચાલ્યા જવાનું હતું. અહીં પહોંચ્યા બાદ ગોપાલ જે વ્યક્તિને અફીણ આપવાનું હતુ તેને ફોન કરીને સગીરનો મોબાઇલ નંબર આપવાનો હતો. પરંતુ બસમાંથી ઉતરતાની સાથે જ સગીરા પોલીસની સામે જોયા કરતા પોલીસને શંકા ગઇ હતી અને સમગ્ર ઘટનાનો ભાંડો ફૂટ્યો હતો.