સુરત: મા-અંબા(Maa Amba)ની ભક્તિનું પર્વ એટલે નવરાત્રી(Navratri)માં અંબાની આરાધના કરી આજથી ‘ગુજરાતમિત્ર’ (Gujarat Mitr) અને મેન ઈઝ હા ગ્રુપ(Man Is Yes Group) આયોજીત શેરી ગરબા(Sheri Garba) સ્પર્ધા-2022નો આજથી શુભારંભ થશે. ગુજરાતમિત્ર, મેન ઈઝ હા ગ્રુપ, રીયલચેનલ, ઈન ન્યુઝ ગુજરાત ચેનલ સુરત આયોજીત આ સ્પર્ધા આ 25માં વર્ષમાં પ્રવેશી છે. આ 25માં વર્ષ અંતર્ગત શેરીગરબા-2022માં સાદાગરબા, દોઢિયા રમઝટ, રાશરમઝટ, શેરી શણગાર, આરતી શણગાર, માટલી શણગાર, રંગીલો સુરતી અને માતાજીની આરતી એમ આઠ સ્પર્ધા રમાડવામાં આવશે. સ્પર્ધા દરમિયાન તમામ ખેલૈયાઓને અગાઉથી આપવામાં આવેલા બેચને આધારે નિર્ણાયકો દ્વારા વિજેતા નક્કી કરીને સ્થળ પર જ ઈનામો આપવામાં આવશે. દરેક જગ્યાએ 20 થી વધુ ઇનામો અપાશે. દરેક શેરી મોહલ્લો સોસાયટી કે એપાર્ટમેન્ટમાં આ સ્પર્ધા દરમ્યાન ‘દાદા-દાદી’થી લઇને પૌત્ર-પૌત્રી સુધીની 3 પેઢી એક સાથે રમતા હોય છે.
શેરી ગરબાને જીવંત રાખવા માટે 24 વર્ષથી સ્પર્ધાનું આયોજન
સ્થળ પર હાજર તમામ વ્યકિતઓ એક સાથે માતાજીની આરતી ઉતારે છે અને માતાજીની આરતી ગાવામાં આવે છે સાથે ઢોલ, મંજીરા જેવા વાજીંત્રો વગાડી, ધુપ સળગાવી સમગ્ર વાતાવરણને પવિત્ર સાત્વીક અને ધાર્મિક બનાવવામાં આવે છે. ત્યાર બાદ સ્પર્ધાની શરૂઆત થાય છે. સ્પર્ધા દરમ્યાન હેમા અંકલેશ્વરીયા, તનીજા પારેખ, શિવાંગી શુકલ, મીનાક્ષીબેન પટેલ, તેલજ પાલા, કિન્નરી ચોકસી, ‘ભાવના શાહ’, ધર્મેશ ડુમસીયા, નયના પંચોલી મુખ્ય નિર્ણાયકની ભૂમિકા ભજવશે. સમગ્ર કાર્યક્રમનું સંચાલન મેન ઇઝ હા ગ્રુપનાં પ્રમુખ શ્રી પરેશ અંકલેશ્વરીયા કરશે તેમની ટીમના શ્રી ધર્મેશભાઇ અંકલેશ્વરીયા અને જેકીશનભાઇ કોસંબિયા તેમાં સહકાર આપશે.
આજથી શહેરમાં શેરી ગરબાની રમઝટ જામશે
સુરત: શક્તિ અને ભક્તિના પર્વ મનાતા નવરાત્રિપર્વનો સોમવારથી પ્રારંભ થઇ રહ્યો છે, જેને લઈ ખૈલેયાઓમાં ભારે થનગનાટ જોવા મળી રહ્યો છે તેમજ માતાજીની ભક્તિનું પણ પર્વ હોય આસ્થાળુઓ માટે પણ આ નવ દિવસ ભક્તિ અને પુજનના દિવસો બની રહેશે. આ વખતે ખૈલૈયાઓ માટે આનંદની વાત એ છે કે પુરેપુરા નવ દિવસની નવરાત્રિમાં રમવાનું મળી રહેશે. વળી સરકારે પણ વિધાનસભાની ચૂંટણીને ધ્યાને રાખી રાત્રે 12 વાગ્યા સુધી ગરબા રમવાની છુટ આપી હોય મોડે સુધી રમઝટ ચાલુ રહેશે. છેલ્લા થોડા વરસોથી શહેરમાં પ્રોફેશનલ ગરબાના આયોજનોનું પ્રમાણ એકદમ ઘટી ગયું છે. હવે ઇન્ડોર સ્ટેડીયમ સહીત પાર્ટી પ્લોટ કે અન્ય જગ્યાએ યોજાતા પ્રોફેશન ગરબા સિમિત થઇ ગયા છે. માત્ર ત્રણ ચાર જગ્યાએ પ્રોફેશનલ આયોજનો છે. જો કે શેરીએ શેરીએ અને મહોલ્લાઓમાં નવરાત્રીની ઉજવણી માટે તડામાર તૈયારીઓ કરાઈ હોય આ વરસે સુરતમાં શેરી ગરબાઓ ધુમ મચાવશે અને લોકો ઘર આંગણે પરંપરાગત ગરબીઓનું પણ વ્યાપક પ્રમાણમાં આયોજન કરી રહ્યા છે.