સુરત: છેલ્લાં કેટલાય સમયથી સુરતમાં (Surat) રખડતા ઢોરોની (Stray cattle) સમસ્યાથી લોકો હેરાન થઈ ગયા છે. ડોગબાઈટ અને રખડતા ઢોરોની સમસ્યા દિવસેને દિવસે વધી રહી છે. રખડતા ઢોરોના કારણે અકસ્માતના (Accident) કિસ્સાઓ પણ વધી રહ્યાં છે. આવો જ એક કેસ ડીંડોલીમાં (Dindoli) નોંધાયો છે જેમાં રખડતું એક ઢોર એકાએક સામે આવી જતાં મહિલાએ વાહન (Vehicle) પરથી કાબૂ ગુમાવ્યો અને તે ઈજાગ્રસ્ત થઈ હતી. જેથી તેને નજીકની હોસ્પિટલ ખસેડવામાં આવી હતી.
સુરતમાં રખડતા ઢોરની અડફેટે મોપેડ સવાર એક મહિલા ઈજાગ્રસ્ત હોવાનો વિડીયો વાઇરલ થતા ચર્ચાનો વિષય બન્યો છે. ઇજાગ્રસ્ત મહિલા હાલ સારવાર હેઠળ હોવાનું અને ઘટના ડીંડોલી વિસ્તારની હોવાનું જાણવા મળ્યું છે. એટલું જ નહીં પણ ઢોરોને રસ્તા પર બિનવારસી છોડી દેતા ઢોર માલિકો વિરુદ્ધ પોલીસ કે પાલિકા કોઈ પગલાં ન ભરતી હોવાનું સચોટ ઉદાહરણ સામે આવ્યું છે.
સ્થાનિક લોકોએ જણાવ્યું હતું કે ઘટના ડીંડોલી નંદનવન સોસાયટી પાસેની છે. રખડતા ઢોરે મોપેડ સવાર મહિલાને અડફેટે લેતા મહિલા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ હતી. ગલીમાંથી અચાનક પશુ દોડી આવતા મોપેડ સવાર મહિલા ડરી ગઈ હતી જેના કારણે તેણે મોપેડ પરથી સંતુલન ખોઈ લીધું હતું અને તે રોડ પર પડી ગઈ હતી. આ દુર્ઘટનામાં કોઈ મોટી જાનહાની નોંધાય ન હતી. સમગ્ર ઘટનાના સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી.
રસ્તે રખડતી ગાયોને પકડનાર પાલિકાની ટીમ પર પિતા-પુત્રનો હુમલો
રવિવારનાં રોજ પાલિકાની ઢોર પાર્ટી રખડતી ગાયોને પકડવા માટે ડિંડોલી વિસ્તારમાં આવેલા ઉમિયા ચોક ગઈ હતી. પાલિકાની ટીમે દોરડા બાંધીને રસ્તે રખડતી ગાયોને પકડીને વાહનમાં બેસાડી દીધી હતી. આ દરમિયાન જ રખડતા ઢોરના માલિક સ્થળ પર દોડી આવ્યા હતાં. શરૂઆતમાં જીભાજોડી કરી કર્મચારીઓને ધમકાવ્યા હતા. ત્યારબાદ ફેટ મારી પાલિકાના કર્મચારીઓને ઘાયલ કરી ગાયો છોડાવી ગયાં હતાં. આ ઘટનાનો પણ વિડીયો સામે આવ્યા બાદ ડિંડોલી પોલીસે ફરિયાદ નોધી પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.