વાર્ષિક પરીક્ષાઓ પૂર્ણ થતાં પહેલાં જ જુદી જુદી શૈક્ષણિક સંસ્થાઓ અને કોચિંગ ક્લાસીસ પ્રવેશ ડિસ્કાઉન્ટ ઓફરની જાહેરાત શરૂ કરી દે છે.પરિણામ પહેલાં જ પ્રવેશ અને રીતસર વર્ગો પણ શરૂ થઈ જાય છે.સમજાતું નથી કે સરકારી કે ગ્રાન્ટેડ શાળાનાં શિક્ષકો નબળાં છે? જો નથી,તો પ્રવેશ માટેની જાહેરાતો શા માટે?( કોચિંગ કલાસ સંચાલકો ભલે જાહેરાત આપે.) શૈક્ષણિક સંસ્થા દુકાન,અભ્યાસ માટે આવનાર બાળક અને વાલી ગ્રાહક! કેટલીક શાળાઓ તો રીતસર સ્કોલરશીપની પરીક્ષા એવું લોભામણું નામ લઈને100 ટકા, 75 ટકા, 50ટકા,10 ટકા ફી માફીની જાહેરાતો દ્વારા ગ્રાહકને(વાલીઓને) આકર્ષવા પ્રયત્ન કરે છે.
અમુક તારીખ સુધીમાં પ્રવેશ લેનાર તથા પ્રવેશ શોધી લાવનારને અમુક રૂપિયા ફીમાં માફ, નોટબુક તથા ગણવેશ ફ્રી અથવા રાહત દરે.(ગરીબ બાળકોની કેટલી ચિંતા કરાય છે.)ગ્રાહક (વાલી)બિચારો લોભવૃત્તિમાં આવી કૂદે. પોતાને કે સંતાનને તરતાં કે ભણતાં નથી આવડતું, છતાં પણ કૂદકો મારે,ધડામ!( અવાજ નહિ આવે)બચવા ધમપછાડા કરે.સરકાર તો, આર્થિક રીતે નબળાં પણ ભણવા ઈચ્છતાં બાળકોનાં પ્રોત્સાહન માટે સ્કોલરશીપ પરીક્ષા લે,પણ ખાનગી શાળા પણ પ્રવેશ માટે સ્કોલરશીપ પરીક્ષા યોજે!
એવું નથી લાગતું કે સરકારી શાળાઓ કે ગ્રાંટેડ શાળાનાં પરિણામમાં લોકોને વિશ્વાસ નથી રહ્યો! શું માત્ર ક્રીમ વિદ્યાર્થી જ પ્રવેશ પાત્ર!?હદ તો ત્યારે થાય છે,જ્યારે આપણે ઠેર ઠેર 11 સાયન્સ પ્રવાહમાં પ્રવેશ માટે હોર્ડીંગ્સ, બેનર્સ, હેન્ડબીલ,અને લોભામણી જાહેરાતો જોઈએ છીએ. ફાગણમાં કેસુડો સોળે કળાએ ખીલે તેમ પ્રવેશની મોસમ ખીલે. સમજાતું નથી કે માર્ચના અંત સુધીમાં તો બોર્ડની પરીક્ષા પૂર્ણ થતી હોય છે,
તો બોર્ડની પરીક્ષા કે પરિણામ પહેલાં જ 11 મા ધોરણમાં પ્રવેશ! ગજબ કહેવાય! બાળમંદિરથી હાયર સેકન્ડરી સુધીની શાળાઓ ગુણવત્તાયુક્ત શિક્ષણ આપતી હોય, શિક્ષકોનું શોષણ ન કરતી હોય,વાલીના ખિસ્સા ને પરવડે તેવી ફી લેતી હોય, વાલીઓના કે ત્રણ/ચાર વર્ષના બાળકનું ઇન્ટરવ્યૂ ન લેતી હોય,બાળકને કેન્દ્રમાં રાખીને શિક્ષણ અને સંસ્કાર અપાતા હોય,ધંધાદારી અભિગમ ન હોય, તો શું તેમને પ્રવેશ માટે જાહેરાતોની જરૂર પડે ખરી?
સુરત – અરુણ પંડયા – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.