સુરતમાં છેલ્લા એક વર્ષથી કોરોનાનો કહેર છે. કોરોનાના સ્વરૂપ પણ ઘણા બદલાઈ રહ્યા છે. યુ.કે માં કોરોનાના નવા સ્વરૂપ સ્ટ્રેઈનના લક્ષણો ધરાવતા અને યુ.કે ની ટ્રાવેલ હિસ્ટ્રી ધરાવતાં એક દર્દી ગત તા.19મી ફેબ્રુઆરીએ સુરત પાછા ફર્યા હતા. જેથી તેઓના તાત્કાલિક સેમ્પલ લઈ પુણે લેબમાં મોકલી આપવામાં આવ્યા હતા.
અને તે દર્દી સાથે સંપર્કમાં આવેલા બીજા બે વ્યકિતઓને પણ લક્ષણ જણાતા તેમના પણ સેમ્પલો લઈ લેબમાં મોકલાયા હતાં. જેઓ ત્રણેયના રિપોર્ટ શનિવારે પોઝિટિવ આવ્યાં હતાં. જો કે, રાહતની વાત એ છે કે એ ત્રણેય દર્દીઓ હોસ્પિટલમાં સારવાર લઈને સાજા થઈ ઘરે પરત પણ ફરી ચૂક્યા છે.
સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગના ડે.કમિ. ડો. આશિષ નાયકે વધુ જાણકારી આપતાં કહ્યું હતું કે, રાંદેર ઝોન વિસ્તારમાં રહેતા બે વ્યક્તિઓ જેમાં એક મહિલા અને એક પુરૂષ અને અઠવા ઝોન વિસ્તારમાં રહેતા એક પુરૂષમાં ગત ફેબ્રુઆરી મહિનામાં કોરોનાના નવા સ્ટ્રેનના લક્ષણો દેખાયા હતા.
આ લક્ષણો દેખાયા બાદ તંત્ર દોડતું થઇ ગયું હતું અને તાત્કાલિક ધોરણે ત્રણેય વ્યક્તિઓના સેમ્પલો લઈને પુણેની લેબમાં પરીક્ષણ માટે મોકલવામા આવ્યાં હતાં. જયારે આ ત્રણે વ્યક્તિઓને ક્વોરન્ટાઈન કરવામાં આવ્યા હતા.
સાથે જ આ ત્રણેયના સંપર્કમાં આવેલા 100થી વધુ લોકોના પણ સેમ્પલો લેવાયાં હતાં. જે તમામના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે. રાહતની એક વાત એ પણ છે કે રિપોર્ટ આવતા પહેલા આ ત્રણેય વ્યક્તિઓ રિકવર પણ થઇ ગયા છે. વધુમાં તેઓએ જણાવ્યું હતું કે નવા સ્ટ્રેનની ફેલાવવાની ઇન્ટેન્સિટી વધારે છે, ઝડપથી ફેલાય છે. ત્યારે હવે તંત્ર દ્વારા એન્ફોર્સમેન્ટ, ક્લસ્ટર સહિતની જરૂરી કામગીરી ફરીથી ઇન્ટેન્સિટી સાથે શરૂ કરી દેવામાં આવી છે.