Business

વાર્તા વિટામિન્સની: Bની ઊણપથી થતા રોગો

પાછલા એક અંકમાં આપણે વિટામિન Bના પ્રકારથી લઈ એના ઓવરઓલ ચિહ્નો, ફાયદા, સ્ત્રોતો વગેરે અંગે જાણ્યું. આજે આપણે એ જ વિવિધ પ્રકારોની ઊણપથી કયા રોગો થઇ શકે એ અંગે થોડું સંક્ષિપ્તમાં જાણીએ.

વિટામિન B1: 1910 તથા 1912માં શોધાયેલું B 1 એટલે કે થાયેમીનની ઊણપથી બેરીબેરી નામનો રોગ થાય છે. જેના ચિહ્નોમાં વજન ઊતરવું, અશક્તિ આવવી, હાથપગમાં દુખાવો, સોજા, અનિયમિત ધબકારા, ઈમોશનલ વિક્ષેપથી લઇ સંવેદના પારખવાની શક્તિમાં વિક્ષેપનો સમાવેશ થાય છે. ખૂબ જ વધુ પડતી ઊણપ કાયમી ધોરણે યાદશક્તિ ગુમાવવા તરફ દોરી જઇ શકે છે. થાયેમીન મુખ્યત્વે કાર્બોહાઈડ્રેટમાંથી ઊર્જા મુક્ત કરવામાં, RNA અને DNAના ઉત્પાદનમાં તથા ચેતાઓના કાર્યમાં અગત્યની ભૂમિકા ભજવે છે.

વિટામિન B2:  1926માં શોધાયેલું B 2 એટલે કે રિબોફ્લેવિન ઇલેક્ટ્રોન ટ્રાન્સપોર્ટ ચેઈનમાં ઊર્જા મુક્ત કરવાથી લઇ સાઈટ્રિક એસિડ ચક્ર તથા ફેટી એસિડના કેટાબોલિઝમમાં ભાગ ભજવે છે. જેની ઊણપથી અરિબોફ્લેવિનોસિસ નામનો રોગ થાય છે. જેનાં ચિહ્નો સ્વરૂપે મોઢામાં ચાંદા કે સોજો, હોઠો પર તિરાડ, સૂર્યપ્રકાશ પ્રત્યે વધુ પડતી સંવેદનશીલતા, ગળામાં દુખાવો તથા બળતરા, ચામડી ખરવી વગેરે જોવા મળી શકે છે. નાનાં બાળકોમાં જેમાં કમળા માટે ફોટો થેરાપી ચાલતી હોય તેઓમાં તથા આલ્કોહોલનું વધુ પડતું સેવન કરનાર લોકોમાં આ ઊણપ વધુ જોવા મળે છે.

વિટામિન B3 : 1937માં શોધાયેલ B 3 એટલે કે નિએસિનની ઊણપથી પેલાગ્રા નામનો રોગ થાય છે. જેમાં ગુસ્સો, ચામડીનો ચેપ, ઊંઘ ન આવવી, માનસિક અસંતુલન, અશક્તિ જોવા મળે છે. ખૂબ જ વધી ગયેલ ઊણપના કિસ્સામાં 3+1 ‘D એટલે કે Dermatitis (ચામડીનો ચેપ), Diarrhea (ઝાડા), Dementia (મગજનો યાદશક્તિ / નિર્ણયશક્તિનો રોગ), Death (મૃત્યુ) તરફ દોરી જાય છે.

વિટામિન B5:  1933માં શોધાયેલ પેન્ટોથેનીક એસિડની ઊણપ ભાગ્યે જ જોવા મળે છે કેમ કે એ ખૂબ જ વ્યાપક રીતે વિવિધ સ્રોતો દ્વારા મળતું રહે છે. જવલ્લે જ જેઓમાં જિનેટિક મ્યુટેશનને લીધે એનું શોષણ નહીં થઈ શકે તેઓમાં ઊણપ વર્તાય શકે, બાકી નહીં.

વિટામિન B6:  1934માં શોધાયેલ આ વિટામિનની ઊણપથી ચામડીનો ચેપ, આંખમાં ચેપથી આંખ લાલ કે ગુલાબી થવી તથા ન્યૂરોલોજીનાં ચિહ્નો જેમ કે ખેંચ આવવી વગેરે થઈ શકે છે.

વિટામિન B7: બાયોટીનની ઊણપ મોટેભાગે વયસ્કોમાં કોઈ તકલીફ નથી સર્જતું. વધુમાં વધુ વાળ તથા નખના વિકાસમાં વિક્ષેપ કરી શકે. આંતરડામાં રહેલા બેક્ટેરિયા કુદરતી રીતે જ બાયોટીન બનાવતાં હોય છે એથી એની ઊણપ ભાગ્યે જ વર્તાય છે અને એથી કદાચ જ અલગથી દવા સ્વરૂપે લેવાની જરૂર પડી શકે.  પરંતુ, હા બાળકોમાં આની ઊણપ એમના સામાન્ય વિકાસમાં વિક્ષેપ તથા મગજના વિવિધ રોગો તરફ દોરી જાય છે.

વિટામિન B9: 1933માં શોધાયેલું B9 એટલે કે ફોલિક એસિડ, ગર્ભાવસ્થા દરમિયાન ખૂબ મહત્ત્વનું છે. B9ને ખરેખર ફોલેટ/ફોલેસિન કહેવાય છે અને એ ઘણા પ્રકારના આહારમાંથી મળી રહે છે. માનવરચિત ફોલેટનું સ્વરૂપ ફોલિક એસિડ છે જે જરૂર મુજબ દવા સ્વરૂપે લેવામાં આવે છે. આની ઊણપથી થતાં રોગ વિશે પાછલા અંકમાં ઉલ્લેખ થયેલ.

વિટામિન B12: B 12થી કોણ પરિચિત નથી, તમારા ફેમિલી ડોક્ટર દ્વારા તમને ક્યારેક દવા તો કયારેક ઈન્જેક્શન લેવા માટે સૂચવવામાં આવ્યું હશે તો તમે આ અંગે માહિતગાર હશો જ.. B 12 એટલે કે કોબાલેમિનની ઊણપથી એનિમિયાથી લઈ પેરિફેરલ ન્યૂરોપથી, યાદશક્તિ ચાલી જવી તથા અન્ય જ્ઞાનાકાર એટલે કે cognitive તકલીફ સર્જાઇ શકે છે. જવલ્લે લકવાની અસર પણ વર્તાઈ શકે. ઉંમર વધવાની સાથે વૃદ્ધ વ્યક્તિઓમાં આ વિટામિનનું શોષણ જેટલું થઇ શકવું જોઈએ એ ન થતા આમ તકલીફો સર્જાય છે. બોનમેરોમાં રક્તકણોના નિર્માણમાં, ચેતા આવરણમાં અને પ્રોટિન માટે B12 ખૂબ જરૂરી છે. જેની ઊણપથી મગજ તથા ચેતાતંત્રને કાયમી ધોરણે ક્યારેય પાછું સારું ન કરી શકાય એવું ગંભીર નુકસાન પહોંચી શકે છે. ચેતા (nerve/નસ)ના સામાન્ય કાર્ય માટે આ વિટામિન ખૂબ જ જરૂરી છે અને એની થોડી ઘણી ઊણપ પણ આ ચિન્હો સર્જી શકે છે. ઇત્તેફાક્ : જીવનની સત્ય ઘટના એમ સાંભળતું નથી કોઈ, બધે કહેવું પડે છે કે કહાની લઇને આવ્યો છું.            – મરીઝ

Most Popular

To Top