Charchapatra

રામ અને રામની વાતો

ભગવાન શ્રીરામનો જન્મ ચૈત્ર સુદ નોમને દિવસે બપોરે 12 વાગ્યે અભિજીત નક્ષત્રમાં ત્રેતાયુગમાં થયો હતો. તેઓ ઇક્ષ્વાકુ વંશમાં જન્મ્યા હતા. ‘ઇન્ડસ્ટીટયુટ ઓફ સાયન્ટિફીક રીસર્ચ ઓન વેદાઝ મુજબ શ્રીરામનો જન્મ ઇ.સ.પૂર્વ 5114ની 10મી જાન્યુઆરીએ થયો હતો. શ્રી રામનુ નામ કુલગુરુ વશિષ્ઠે પાડ્યુ હતું. રામ એટલે રમણ કરનાર, આનંદ આપનાર, મનોહર. જ્યારે રામ 39 વર્ષના હતા ત્યારે ઇ.સ.પૂર્વ 5075માં તેમણે રાવણનો વધ કર્યો હતો. એક વખત શ્રી રામથી રમતાં રમતાં તેમનુ રમકડું મંથરાની ખૂંધમાં વાગ્યુ. વેર લેવા તેણે મંથરાને ચઢાવી જેને પરિણામે રામે વનવાસ જવું પડયું.

વનવાસ દરમ્યાન શ્રીરામે દંડકારણ્યમાં વિભિન્ન ઋષિ-આશ્રમોમાં, આશ્રય લઇને અનેક રાક્ષસોનો સંહાર કર્યો. યજ્ઞાદિ ધાર્મિક કાર્યોનું રક્ષણ કર્યું. શ્રી રામ જ્યારે શબરીને મળ્યા ત્યારે શબરીએ કહ્યું, કે મને વેદ આવડતી નથી. ત્યારે રામે કહ્યું, કે હું તારા માટે વેદોનું ગાન કરીશ! ડૉ. રજનીશ કાર્કીના મુજબ રામાયણ કાલ ઇ.સ.પૂર્વે 5100 થી 5000 સુધીનો હતો. શ્રી રામ સમગ્ર જીવન મર્યાદામાં રહીને જીવ્યા તેથી મર્યાદા પુરુષોત્તમ કહેવાયા! શ્રીરામ વિષ્ણુ ભગવાનનો 7મો અવતાર હતાં રામના જીવનમાં સત્ય છે, સ્નેહ છે, સમર્પણ છે, સરળતા છે. ર. ટાગોર રામાયણને તૃપ્તિનું તપોવન કહે છે!
સુરત     – કિરીટ એન. ડુમસિયા– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

મનોજકુમારને ભાવભરી શ્રદ્ધાંજલિ
દેશભક્તિની વાત થાય અથવા ભારત પાકિસ્તાન સરહદ પર થતા કાર્યક્રમમાં મનોજકુમારના ગીત હોય જ. તેમના ગીતો વગર ક્રિકેટ હોય કે સ્કૂલ કોલેજનો સંગીત નૃત્યનો જલસો બધું અધૂરું લાગે… ઉપકારનું ગીત, અભિનેતા પ્રાણ પર ફિલ્માવેલું ગીત કસ્મે વાદે પ્યાર વફા કે મેરે દેશ કી ધરતી… મેરે દેશ કી ધરતીનું રેકોર્ડિંગ બપોરે ત્રણથી રાત્રે બે સુધી ચાલ્યું હતું, ગીતમાં કોઈ કોમ્પ્રોમાઇઝ ચલાવવા મનોજકુમાર તૈયાન નહીં, કલ્યાણજી આંનંદજીની ઓર્કેસ્ટ્રામાં સવાસો જણા અને કોરસમાં ઝીલનારા પણ સવાસો! સ્વતંત્ર ભારતની ઓળખ સમાન ગીત બન્યુ.

આ ગીતની રચના ગુલશન બાવરાએ કોઈ ચાર્જ લીધો ન હતો, મનોજકુમાર દંપતીએ વીંટી ભેટ આપી હતી. રોટી કપડા ઔર મકાન ફિલ્મનું નામ આજ સુધી ભારતીય નાગરિકોની પ્રાથમિક જરૂરિયાત માટે અજર અમર છે. ઇન્દિરા ગાંધીએ આ ફિલ્મના નામને ઈલેક્શન સૂત્ર બનાવ્યું હતું. મનોજકુમારના ગીતોમાં એક વિશેષતા હતી, જિંદગી સાથે જોડાયેલું હોય કે દેશ સાથે પણ દરેક વ્યક્તિને ગીતમાં પોતીકું લાગતું. કલાનું અંતિમ સત્ય શું છે? દરેક દર્શક વાચક કે શ્રોતા એમાં પોતાને શોધી શક્તો હોય, મનોજકુમાર પાસે આ કળા હતી.
સુરત     – સુરેન્દ્ર દલાલ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top