મોગલ બાદશાહ જહાંગીર પાસેથી વેપારી પરવાનગી મળ્યા બાદ ફિરંગીઓ અને અંગ્રેજો મુકત રીતે ભારતમાં આવવા લાગ્યા ત્યારે સુરત શહેર દેશ વિદેશના વેપાર માટે સૌથી મહત્ત્વનું કેન્દ્ર હતું. આસમાની સુલતાનીમાં મોટી સંખ્યામાં વિદેશીઓનાં મરણ નીપજયા બાદ તે મૃતદેહો જયાં દફન થયા ત્યાં તાપી કિનારે ટેકરી બની અને લોકભાષામાં તે જગ્યા હજીરા તરીકે ઓળખાઇ. હવે તદ્દન નવા કારણસર તાપી તટ ટેકરી દર્શન, નવી રીતનું થવા માંડયું છે. વસ્તુના તરછોડાવાથી ટેકરી સર્જાઇ રહી છે. હજીરા, દામકા, મોરા, જૂના ગામ અને કવાસમાં સ્ટીલ કંપનીમાંથી નીકળતો કચરો મોટા પ્રમાણમાં ઠલવાઇ રહ્યો છે જેને સ્લેગ કહેવાય છે. સ્ટીલની ભૂકીવાળા આવા કચરાથી પહાડ જેવું દૃશ્ય બને છે. તરછોડાયેલો સ્લેગ બેરોકટોક છોડાય છે. તેનાથી લોકોના આરોગ્ય અને પર્યાવરણને નુકસાન પહોંચી રહ્યું છે.
ગ્રામીણોનો રોષ પ્રગટતાં જીપીસીબી અને જિલ્લા વહીવટી તંત્ર દોડતું થયું છે તથા સ્લેગના નમૂનાઓ લેવામાં આવ્યા છે તથા તરછોડીને કચરો ખડકીને કોણે આવું કર્યું છે એની તપાસ કરવામાં આવી રહી છે. માટી, સ્ટીલ અને લોખંડમિશ્રિત સ્લેગના જાણે પહાડ ઊભા કર્યા હોય તેવું થયું છે. ખાનગી અને સરકારી જમીનમાં જીપીસીબી કે વહીવટી તંત્રની કોઇ પણ પ્રકારની મંજૂરી લીધા વિના ઔદ્યોગિક કચરાના ઢગલા એકાએક કઇ રીતે થયા એ મામલે તપાસ કરી દોષિતો સામે પોલીસ કેસ થાય તેવી લાગણી અને માગણી પ્રબળ બની છે. કેટલાકે તો રાજકીય પીઠબળની શકયતા પણ દર્શાવી છે. હજીરા વિસ્તારની મલ્ટિનેશનલ કંપનીઓમાંથી નીકળતો કચરો સ્લેગ લાખો ટનના પ્રમાણમાં ઠાલવી ટ્રાન્સપોર્ટરો દ્વારા વેચાણ થઇ રહ્યું છે. ખેતરો અને ગામતળમાં આવો કચરો ઠલવાય તે હાનિકારક છે. એક અંદાજ મુજબ પાંચ ગામમાં ત્રીસ લાખ ટન સ્લેગ ઠલવાયો છે. બસોથી અઢીસો કરોડના સ્લેગનું કૌભાંડ ઇન્કમટેક્ષ અને જીએસટી વિભાગ તટસ્થ, ન્યાયી તપાસ કરે તો ખુલ્લું પડે. નવા પ્રકારના હજીરાનું નિર્માણ પણ ન થાય.
સુરત -યૂસુફ એમ. ગુજરાતી– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.