Comments

પોતાની જાતને છેતરવાનું તો બંધ કરો!

વિક્રમ સંવતના નવા દિવસોમાં જ ગુજરાતને ગોઝારા અકસ્માતની વેદના સહન કરવાની આવી. મોરબીનો ઝૂલતો પુલ તૂટયો અને ૧૩૬ જિંદગી હોમાઇ ગઇ. અકસ્માત આઘાતજનક છે. પણ અકસ્માત બાદની ઘટના તો એનાથી પણ વધારે આઘાતજનક છે. રાજકીય પક્ષ ગમતો હોય, આપણે તેના સમર્થક હોઇએ પણ ખોટું હોય તેને તો ખોટું જ કહેવું પડે! ઇન્દિરા ગાંધીએ કટોકટી લાદી હતી એ સૌ યાદ કરે છે પણ રાજયસભામાં કોંગ્રેસે જ મોકલેલા ગુજરાતી સારસ્વત શ્રી ઉમાશંકર જોષીએ આ કટોકટીનો વિરોધ કર્યો હતો તે ભૂલવો ન જોઇએ! લોકસભાના સ્પિકર શ્રી માવલંકરજીએ તો ‘ભગવાન આ માફ નહીં કરે’ પુસ્તક પણ લખ્યું હતું! આજે જે રીતે સત્તાપક્ષ અને ખાસ તો ગુજરાતનું વહીવટી તંત્ર વર્તી રહ્યું છે. સમર્થકો જે વાહિયાત રીતે સોશ્યલ મીડિયાનો દુરુપયોગ કરી રહ્યા છે તે વધારે આઘાત પહોંચાડે છે!

વડા પ્રધાન શ્રી સરદાર વલ્લભભાઇના જન્મદિવસ નિમિત્તે યોજાયેલા કાર્યક્રમ માટે ગુજરાત આવ્યા હતા. મોરબીની ઘટના બની એટલે તેમણે મોરબી જવાનું નકકી કર્યું જે સ્વાભાવિક હતું. હવે વડા પ્રધાનશ્રી પોતે મોરબી આવે અને ગુજરાતમાં 27 વર્ષના ભાજપના શાસન તથા ખાસ તો 2014 થી સાહેબ દિલ્હી ગયા પછી જે ચાલ્યું છે તેની હકીકત તેઓ જાતે જોઇ ન જાય તે માટે સ્થાનિક તંત્રે જે કાર્યક્રમો હાથ ધર્યા તે આઘાત આપે છે. એક તો હવે સોશ્યલ મીડિયા છે. મોબાઇલ હાથમાં હોય તેવા સૌ હવે પત્રકાર છે અને દુર્ઘટના બની હોય, દર્દીઓ તથા તેમનાં સગાંવહાલાં મોટી સંખ્યામાં સિવિલ હોસ્પિટલમાં જ હાજર હોય અને છતાં ગુજરાત તથા મોરબીના સ્થાનિક સત્તાવાળા હોસ્પિટલનું રંગરોગાન કરવા લાગે! તેને સુવિધાપૂર્ણ બતાવવાનો પ્રયત્ન કરવા માંડે!

રસ્તા ઉપર પડદા લાગી જાય. અચાનક હોસ્પિટલમાં વોટર કુલર લાગી જાય! અને કહેવાય છે કે ઉતાવળે કુલર મૂકયું પણ તેનું કનેકશન થયું નો’તું એટલે તેમાં પાણી તો આવતું જ ન હતું! કોઇ પણ સંવેદનશીલ માણસને થાય કે આટલી કરુણ ઘટના પછી નાગરિકોની આવી મજાક શા માટે? પત્રકારોને પ્રશ્ન થયો કે શું આ લોકો પ્રજાને છેતરવા માંગે છે? તો કેટલાકને પ્રશ્ન થયો કે ખરેખર તો આ લોકો વડા પ્રધાનશ્રીને જ ગેરમાર્ગે દોરે છે? અને ઊંડાણપૂર્વક વિચારીએ તો થાય કે આ લોકો પોતાની જાતને જ છેતરે છે! માંહ્યલો મરી ગયા વગર આવું કરવું શકય નથી!

વડા પ્રધાનશ્રી આમ તો પરિસ્થિતિ પામી જનારા છે. તેમણે હવે ગુજરાત ભાજપના નેતાઓ અને સત્તાવાળાઓને કહી દેવાની જરૂર છે કે ‘આ બધું બંધ કરો’ અને જો સ્વયં વડા પ્રધાનશ્રી જ મૌન રહેશે તો વહીવટીતંત્રને કાયમ આ લાઘુ ફાવશે!
ગુજરાતમાં પ્રબુધ્ધ લોકો અત્યારે એક શબ્દ લખી રહ્યા છે નિ:શબ્દ! પણ આના બે અર્થ છે. એક અર્થ એ છે કે આવી કરુણ ઘટના માટે શું કહેવું? શબ્દો સૂઝતા નથી! અને બીજો અર્થ એ છે કે સત્તામાં આપણાં માનીતા લોકો છે બોલીએ તો શું બોલીએ!’ પ્રથમ સરકારની લાગણીવાળા ઓછા અને બીજા પ્રકારના ડરવાળા વધારે છે! બાકી આપણે આ કોલમમાં વારંવાર લખી ચૂકયા છીએ કે ગુજરાતમાં જાહેર સેવાઓમાં અપાતા કોન્ટ્રાકટે કાળો કેર વર્તાવ્યો છે. રોડ – રસ્તા – વીજળી – પાણી – શિક્ષણ – આરોગ્ય જેવી સામુહિક અને પાયાની જરૂરિયાતોમાં સરકાર હવે કોન્ટ્રાકટ આપે છે. પાર્કીંગના કોન્ટ્રાકટ, સિકયુરીટીના કોન્ટ્રાકટ, સફાઇના કોન્ટ્રાકટ, હોસ્પિટલ સ્ટાફના કોન્ટ્રાકટ! શિક્ષણમાં કોન્ટ્રાકટ!

આ તો પુલ ભૌતિક વસ્તુ છે તૂટી પડયો તે દેખાયો! જીવ ગયા જે ગણ્યા! પણ શિક્ષણ, આરોગ્ય, બેન્કિંગ જેવી સેવાઓમાં અપાયેલા કોન્ટ્રાકટ દ્વારા આખી સિસ્ટમ ભાંગી પડી છે તે આપણને દેખાતી નથી! 136 ના મૃત્યુ માટે શોક સભા, રેલી, સરઘસ થાય અને તેમને શ્રધ્ધાસુમન અપાય તે સારી વાત છે પણ, કોરોનામાં હજારો મરી ગયાં જેમાંનાં અડધોઅડધ અવ્યવસ્થા અને અરાજકતાનો ભોગ બન્યાં હતાં તે આપણે ભૂલી ગયાં! તેમના માટે ન શોક રખાયો, ન શ્રધ્ધાંજલિ આપી!
આ કોલમમાં આપણે લખ્યું હતું કે સત્તામાં હોવું અને શાસનમાં હોવું એ બે અલગ બાબત છે! છેલ્લાં દસ વર્ષથી ગુજરાતમાં ભાજપ માત્ર સત્તાનો સ્વાદ ચાખે છે.

ખરી સત્તા તો અધિકારીઓ ભોગવે છે. બધા રાજકારણીઓ ખરાબ અને ખોટા નથી હોતા પણ આનો મતલબ એ જ કે બધા સારા પણ નથી હોતા. ગુજરાત જાહેર સેવાઓની બાબતે આઉટ સોર્સિંગ અને કોન્ટ્રાકટ સિસ્ટમના એવા રવાડે ચડયું છે કે સત્તાવાળાઓને આ જાહેર સેવાઓનો ધંધો છોડવો ગમતો નથી. ખાનગીકરણના નામે તમામ બાંધકામોના કોન્ટ્રાકટ, જાળવણીના કોન્ટ્રાકટ લાગતાવળગતાને અપાય છે. મોટાં રાજકીય માથાનાં સગાં સંબંધીઓને રોપ-વે, બગીચાની રાઇડસ, ખાનગી યુનિવર્સિટી, ખાનગી હોસ્પિટલ, જાહેર ભોજનાલય! જેવા કાયમી આવક રળી આપતા કોન્ટ્રાકટ આપી દેવાય છે. હવે જયારે આવી જાહેર જગ્યાઓએ દુર્ઘટના બને છે, લોકોના જીવ જોખમમાં મુકાય છે ત્યારે સત્તાવાળાઓને ગુનેગારો સામે પગલાં ભરવામાં તકલીફ પડે છે! કારણ કે નેતાજીના જ ભાઇ ભત્રીજાને કોન્ટ્રાકટ અપાયો હોય છે.

એટલે આઘાત પુલ તૂટવાનો તો છે જ! પણ આખું તંત્ર જ તૂટી પડયું છે. વ્યવસ્થા જ ધરાશયી થઇ છે તે વધારે ચિંતા કરાવે છે. મોરબી હોનારતમાં ગુજરાતના સંસદસભ્યશ્રીના નિકટના પરિવારજનો પણ ભોગ બન્યાં છે. આ વાત પણ યાદ રાખવા જેવી છે. જયારે જયારે અવ્યવસ્થા ભોગ લે છે ત્યારે ત્યારે તે જોતી નથી કે ભોગ બનનાર કોણ છે? આ કોન્ટ્રાકટ સિસ્ટમ, ભ્રષ્ટાચાર નેતાઓ – અધિકારીઓની મિલીભગત જે વિનાશ સર્જી રહી છે તેનો રેલો સૌના પગ નીચે આવવાનો છે માટે જાતને છેતરવાનું બંધ કરો. નિ:શબ્દ ન બનો, શબ્દોને વ્યકત થવા દો!
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે

Most Popular

To Top