ગાંધીનગર: ગાંધીનગર નજીકના દહેગામના બહિયલ ગામમાં ગરબામાં બે જૂથ વચ્ચે હિંસક અથડામણ થઈ હતી. જેમાં બેકાબુ ટોળાએ વાહનોમાં તોડફોડ કરી દુકાનોને આગ ચાંપી હતી. પરિસ્થિતિને કાબુમાં લેવા પોલીસે ટીયર ગેસના સેલ છોડ્યા હતા.
ગાંધીનગરમાં દેહગામના બહિયલમાં નવરાત્રી દરમિયાન સ્ટેટસ મૂકવાની બાબતમાં બે જૂથ વચ્ચે મામલો બિચકતા, મોડી રાત્રે સ્થિતિ બેકાબુ બની હતી. તોફાની તત્વોએ ગરબા પર પથ્થરમારો કરતા પાંચથી વધુ લોકોને ઈજા થઈ હતી. આ ઉપરાંત તોફાની ટોળાઓએ 15થી વધુ વાહનોની તોડફોડ કરી દુકાનોમાં આગ ચાંપી દીધી હતી. પરિણામે સમગ્ર વિસ્તારમાં ભારે તંગદીલી ફેલાઈ હતી. પોલીસે પરિસ્થિતિને કાબૂમાં લેવા ટીયરગેસના સેલ છોડ્યા હતા. પરિસ્થિતિને કાબૂમાં લઈ પોલીસે 60થી વધુ લોકોની અટકાયત કરી ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દીધો હતો. જ્યારે સમગ્ર ગામમાં એસઆરપીની કુમકને ગોઠવી દેવામાં આવી છે. સાથે જ આ વિસ્તારમાં પોલીસે કોમ્બિંગ ઓપરેશન હાથ ધર્યું છે.
મળતી માહિતી મુજબ બહિયલ ખાતે ગરબા ચાલી રહ્યા હતા, ત્યારે ગરબાની બાજુના વિસ્તારમાંથી ગરબા ઉપર પથ્થરમારો થયો હતો. ત્યારબાદ એક ટોળું ધસી આવ્યું હતું અને 15થી વધુ વાહનોમાં તોડફોડ કરી દુકાનોને આગ ચાંપી દીધી હતી. જેથી પરિસ્થિતિ તંગ બની હતી.