નવી દિલ્હી: ભારતીય શેરબજારમાં (Stock market) ટ્રેડિંગનો (Trading) સમય વધારવાની તૈયારીઓ ચાલી રહી છે. સમાચાર અનુસાર, ટ્રેડિંગનો સમય સાંજે 5 વાગ્યા સુધી વધારી શકાય છે. ન્યૂઝ એજન્સી રોયટર્સે મંગળવારે એક બિઝનેસ ચેનલને ટાંકીને આ સમાચાર આપ્યા છે. રિપોર્ટમાં જણાવાયું છે કે, ટ્રેડિંગના કલાકો વધારવા માટે બજારના સહભાગીઓ સાથે પ્રારંભિક વાટાઘાટો ચાલી રહી છે. અગાઉ, માર્કેટ રેગ્યુલેટર સેબી (એસઈબીઆઈ)એ 2018માં ટ્રેડિંગ કલાક વધારવા માટે એક માળખું બહાર પાડ્યું હતું.
અત્યારે શેરબજારમાં સવારે 9.15થી બપોરે 3.30 વાગ્યા સુધી ટ્રેડિંગ થાય છે. શેરબજારમાં કેશ અને ફ્યુચર્સ અને ઓપ્શન્સ સેગમેન્ટમાં સવારે 9.15થી બપોરે 3.30 વાગ્યા સુધી ટ્રેડિંગ થાય છે. સ્ટોક એક્સચેન્જના ઇક્વિટી અને ડેરિવેટિવ્ઝ સેગમેન્ટ્સ હાલમાં સવારે 9:15 થી બપોરે 3:30 વાગ્યા વચ્ચે ટ્રેડિંગ માટે ખુલ્લા છે. સેબી દ્વારા પહેલેથી જ એક ફ્રેમવર્ક તૈયાર કરવામાં આવ્યું હતું, જે એફએન્ડઓ ટ્રેડિંગને રાત્રે 11:55 વાગ્યા સુધી અને શેર ટ્રેડિંગને સાંજે 5 વાગ્યા સુધી ખુલ્લું રાખવાની મંજૂરી આપે છે.
દેશનું સૌથી મોટું સ્ટોક એક્સચેન્જ નેશનલ સ્ટોક એક્સચેન્જ (એનએસઈ) ઇક્વિટી સેગમેન્ટમાં ટ્રેડિંગ કલાક વધારવા માંગે છે. આ પહેલી વાર નથી કે જ્યારે ટ્રેડિંગના કલાકો વધારવાની વાત થઈ હોય. ગયા મહિને સેબીએ એક એસઓપી જારી કરીને સ્ટોક એક્સચેન્જોને જણાવ્યું હતું કે, ટ્રેડિંગમાં કોઈપણ વિક્ષેપની જાણ તમામ સંબંધિતોને 15 મિનિટની અંદર કરવી જોઈએ. આ સિવાય સેબીએ અમુક સંજોગોમાં ટ્રેડિંગના કલાકો વધારવા અંગે પણ સૂચનાઓ આપી હતી.
સેબીનું કહેવું છે કે, જો કોઈ ટેક્નિકલ કારણ કે અન્ય કોઈ કારણસર શેરબજારોમાં ટ્રેડિંગ અટકી જાય છે તો બજારના તમામ સહભાગીઓને તેની જાણ કરવામાં આવે. એટલું જ નહીં, પરંતુ જરૂર પડ્યે ટ્રેડિંગના કલાકો પણ લંબાવી શકાય છે. આનાથી ઇન્ટ્રાડે પોઝિશન્સ સરળતાથી સેટલ કરવાની તક મળશે. જોકે, દરેક જણ ટ્રેડિંગ કલાક વધારવાની તરફેણમાં નથી. જીરોધાના સીઈઓ નીતિન કામથે ટ્વિટર પર આ અંગે પ્રતિક્રિયા આપી હતી. તેઓ માને છે કે આ નિર્ણયથી વેપારીઓ પર વિપરીત અસર પડી શકે છે. તેમણે કહ્યું કે, આ નિર્ણયથીઓછી ભાગીદારી અને લાંબા ગાળે લિક્વિડિટીની સમસ્યા ઊભી થઈ શકે છે.