મુંબઈ: કેન્દ્રીય બજેટ 2023 (Unioun Budget 2023) અને યુએસ ફેડરેલની (US Federals ) બેઠક પહેલાં આજે શુક્રવારે સપ્તાહના છેલ્લાં દિવસે શેરબજારમાં ભારે વેચવાલી (Sensex Down) જોવા મળી હતી. જેના પરિણામે સેન્સેક્સ અને નિફ્ટી 3 મહિનાની નીચી સપાટીએ બંધ થયા હતા. દિવસના અંતે સેન્સેક્સ 874.16 પોઈન્ટ્સ એટલે કે 1.45 ટકાના ઘટાડા સાથે 59,330.90 અંક પર બંધ થયો હતો, જ્યારે નિફ્ટી 287.60 પોઈન્ટ્સના અથવા 1.61 ટકાના ઘટાડા સાથે 17,604 પર બંધ થયો હતો. આજે અદાણી એન્ટરપ્રાઈઝિસ, અદાણી પોર્ટ્સ, SBI, ICICI બેન્ક, ઈન્ડસઈન્ડ બેન્ક નિફ્ટીના ટોપ લુઝર શેર્સ રહ્યા હતા જ્યારે ટાટા મોટર્સ, બજાજ ઓટો, ડો. રેડ્ડીઝ લેબોરેટરીઝ, આઈટીસી અને ડિવીસ લેબોરેટરીઝ ટોપ ગેઈનર્સ રહ્યાં હતાં.
હિડનબર્ગના રિપોર્ટ બાદ અદાણી કંપનીના શેર્સ તૂટવા સાથે ભારતીય શેરબજારની હાલત પણ કફોડી થઈ છે. આજે શુક્રવારે તા. 27 જાન્યુઆરીના રોજ સવારથી જ બજાર તૂટ્યું હતું. એક તબક્કે સેન્સેક્સમાં 1200 પોઈન્ટનો ઘટાડો જોવા મળ્યો હતો. માર્કેટ વોલેટિલિટી મેઝરિંગ ઇન્ડેક્સ એટલે કે ઇન્ડિયા VIX પણ લગભગ 23% વધ્યો હતો. કેન્દ્રીય બજેટ 2023 અને યુએસ ફેડની બેઠક પહેલા આજે બજારમાં ભારે વેચવાલી જોવા મળી હતી. આજે નિફ્ટી (Nifty), નિફ્ટી બેંક, સેન્સેક્સ, નિફ્ટી મિડકેપ અને નિફ્ટી સ્મોલકેપમાં ઓલ રાઉન્ડ વેચવાલી જોવા મળી રહી હતી.
અદાણી (Adani) ગ્રૂપ પર હિંડનબર્ગ (Hindenburg) રિસર્ચ દ્વારા અભ્યાસ અહેવાલ બહાર પાડવામાં આવ્યા બાદ અદાણી ગ્રૂપમાં શેરબજારમાં અંધાધૂંધી ચાલુ હોવાથી ભારતીય શેર બજારમાં કડાકો થયો છે. બજારમાં તીવ્ર વેચવાલીનું દબાણ છે. અદાણી ગ્રુપના શેર્સ 20 ટકા તૂટ્યા છે જ્યારે બેન્કિંગ સેક્ટર પર પણ માઠી અસર પડી છે. તેનું કારણ અદાણી ગ્રુપનું ઊંચું દેવું છે, જે બેન્કિંગ સેક્ટર પર ભાવનાત્મક અસર કરી રહ્યું છે
બજાર 3 મહિનાની નીચી સપાટીએ પહોંચી ગયું છે
બજારમાં ઘટાડો વધતો જણાઈ રહ્યો છે. નિફ્ટી દિવસના નીચલા સ્તરે પહોંચી ગયો છે. સેન્સેક્સમાં 874 પોઇન્ટનો ઘટાડો થયો છે જ્યારે નિફ્ટી 17,604 જેટલો નીચે સરકી ગયો છે. નિફ્ટીના 50માંથી 39 શેરોમાં ઘટાડો જોવા મળ્યો હતો. જ્યારે સેન્સેક્સના 30માંથી 25 શેરોમાં ઘટાડો નોંધાયો હતો. તે જ સમયે, નિફ્ટી બેંકના તમામ 12 શેરોમાં ઘટાડો જોવા મળ્યો હતો. બજાર 3 મહિનાની નીચી સપાટીએ પહોંચી ગયું છે. નિફ્ટી બેંક 3 સેશનમાં 5% થી વધુ સરકી ગઈ છે.
નિફ્ટી પણ 17,550ની નીચે સરકી ગયો હતો
આજે શુક્રવારે સવારથી જ બંને બજારમાં જોરદાર વેચવાલી જોવા મળી હતી. નિફ્ટી એક તબક્કે 17,550ની નીચે સરકી ગયો હતો. નિફ્ટીમાં 300થી વધુ પોઇન્ટનો ઘટાડો જોવા મળ્યો હતો. દિવસના અંતે નિફ્ટી 287 પોઈન્ટના ઘટાડા સાથે બંધ થયો હતો. 23 ડિસેમ્બર પછી પ્રથમ વખત નિફ્ટી 300 પોઇન્ટ નીચે ઉતર્યો છે.
આજની વેચવાલીમાં રોકાણકારોને રૂ. 8.1 લાખ કરોડનું નુકસાન થયું છે
BSEનું કુલ માર્કેટ કેપ ઘટીને રૂ. 2,68,344 કરોડ થયું છે. આનો અર્થ એ થયો કે રોકાણકારોને લગભગ 8.1 લાખ કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. અદાણી ગ્રૂપના શેર ઉપરાંત બેન્કિંગ શેરોમાં આજે સૌથી વધુ વેચવાલી જોવા મળી હતી. છેલ્લા કેટલાક મહિનામાં બેન્કિંગ શેરોમાં સારી તેજી જોવા મળી હતી. જે ચિત્ર આજે બદલાયું હતું. હિડનબર્ગના રિપોર્ટ બાદ અદાણીની સાથે સાથે બેન્કિંગ શેર્સ તૂટ્યા હતા.