Business

શેરબજાર તૂટવાનું આ છે કારણ, બે દિવસમાં રોકાણકારોને થયું આટલા કરોડનું નુકસાન

મુંબઈ: એક તરફ કેનેડા (Canada) અને ભારત (India) વચ્ચે તણાવ વધી રહ્યો છે તો બીજી તરફ ભારતીય (Indian) શેરબજારમાં (Sensex) સતત ઘટાડો ચાલુ છે. ગઈકાલે બુધવારે પાછલા ટ્રેડિંગ (Trading) દિવસે મોટો ઘટાડો જોવા મળ્યા બાદ આજે ગુરુવારે પણ શેરબજાર માટે ખરાબ દિવસ સાબિત થઈ રહ્યો છે.

બપોરે 1.30 વાગ્યા સુધીમાં સેન્સેક્સમાં 600થી વધુ પોઈન્ટનો ઘટાડો જોવા મળ્યો હતો, જ્યારે નિફ્ટી પણ 160 પોઈન્ટથી વધુ તૂટી છે. આ ઘટાડાને કારણે શેરબજારમાં રોકાણ કરનારા રોકાણકારોને (Investors) કરોડોનું નુકસાન થયું છે.

બીએસઈ-નિફ્ટીમાં ઘટાડો આજે બીજા દિવસે પણ ચાલુ રહ્યો. બપોરે 1.30 વાગ્યે સુધીમાં બોમ્બે સ્ટોક એક્સચેન્જનો 30 શેરનો સેન્સેક્સ ઇન્ડેક્સ (BSE સેન્સેક્સ) 608.53 પોઇન્ટના ઘટાડા સાથે 66,192.31 ના સ્તરે ટ્રેડ કરી રહ્યો હતો. જે 0.91 ટકા તૂટ્યો હતો. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE Nifty) નો નિફ્ટી ઈન્ડેક્સ 167.50 પોઈન્ટ્સ અથવા 0.84 ટકાના ઘટાડા સાથે 19,733.90 ના સ્તર પર ટ્રેડ થઈ રહ્યો હતો. તમને જણાવી દઈએ કે બુધવારે છેલ્લા ટ્રેડિંગ દિવસે પણ સેન્સેક્સ અને નિફ્ટીમાં મોટો ઘટાડો જોવા મળ્યો હતો અને સેન્સેક્સમાં 800 પોઈન્ટનો ઘટાડો થયો હતો.

રોકાણકારોને 3.6 લાખ કરોડનું નુકસાન
શેરબજારમાં આવેલા ઘટાડાનાં લીધે રોકાણકારોએ મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. BSE પર લિસ્ટેડ કંપનીઓના માર્કેટ કેપિટલાઇઝેશન પર નજર કરીએ તો બે દિવસ પહેલા BSE MCap રૂ. 323.01 લાખ કરોડ હતો, જે બુધવારે ઘટીને રૂ. 320.51 લાખ કરોડ થયો હતો. ગુરુવારે અત્યાર સુધી નોંધાયેલા ઘટાડા બાદ તે ઘટીને રૂ. 319.41 કરોડ થઈ ગયો છે. આ હિસાબે માત્ર બે દિવસમાં શેરબજારના રોકાણકારોના રૂ. 3.6 લાખ કરોડનું નુકસાન થયું છે.

વિદેશી રોકાણકારોએ ભારે વેચાણ કરતાં કડાકો
સ્ટોક એક્સચેન્જના ડેટા અનુસાર, છેલ્લા ટ્રેડિંગ સેશન દરમિયાન વિદેશી સંસ્થાકીય રોકાણકારો (FIIs) એ રૂ. 3,111 કરોડનું વેચાણ કર્યું હતું, જ્યારે સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો (DIIs) એ રૂ. 573 કરોડનું વેચાણ કર્યું હતું, જેની અસર શેર પર પણ જોવા મળે છે. બજાર માત્ર ભારતીય શેરબજાર જ નહીં પરંતુ વૈશ્વિક બજારોમાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે. જાપાનનો નિક્કી ઇન્ડેક્સ 1.26 ટકા, દક્ષિણ કોરિયાનો કોસ્પી 1.51 ટકા, હોંગકોંગનો હેંગસેંગ 1.32 ટકા અને શાંઘાઈ કમ્પોઝિટ 0.47 ટકા ઘટ્યો હતો.

Most Popular

To Top