Business

શેરબજાર ધડામ, રોકાણકારોના 3 લાખ કરોડ ડૂબ્યા…

મુંબઈ: સપ્તાહના છેલ્લા ટ્રેડિંગ દિવસે શુક્રવારે ભારતીય શેરબજારમાં ઉથલપાથલ જોવા મળી હતી. બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE) નો 30 શેરો ધરાવતો સેન્સેક્સ ભારે વેચવાલી વચ્ચે 900 પોઈન્ટ સુધી તૂટ્યો હતો. તે જ સમયે, નેશનલ સ્ટોક એક્સચેન્જ (નિફ્ટી) પણ ખરાબ સ્થિતિમાં છે અને 200 થી વધુ પોઈન્ટ્સ ઘટીને 17,400 ની નીચે ટ્રેડ કરી રહ્યો છે. શેરબજારમાં થયેલા આ કડાકાને કારણે BSE પર લિસ્ટેડ કંપનીઓનું કુલ માર્કેટ કેપ ઘટીને રૂ. 261.24 લાખ કરોડ થઈ ગયું છે. જેના કારણે દિવસના ટ્રેડિંગ દરમિયાન રોકાણકારોના ત્રણ લાખ કરોડ રૂપિયાનું નુકસાન થયું હતું.

આજે સવારે બજાર ખૂલતાની સાથે જ ઈન્ડેક્સ તૂટયા હતા. શુક્રવારે શેરબજારની શરૂઆત લાલ નિશાન પર થઈ હતી અને બજાર ખુલ્યાની થોડી જ વારમાં બજારના બંને ઈન્ડેક્સ તૂટ્યા હતા. સવારે 9.53 વાગ્યાની આસપાસ, BSE સેન્સેક્સ 903.95 (-1.51%) પોઈન્ટ ઘટીને 58,907.18 ના સ્તરે પહોંચ્યો હતો. તે જ સમયે, NSE નો નિફ્ટી પણ 259.75 (-1.48%) પોઈન્ટના ઘટાડા સાથે 17,329.85 ના સ્તર પર આવી ગયો હતો.

આ કારણના લીધે શેરબજાર તૂટ્યું
અમેરિકન બેંક SVB ફાયનાન્સિયલ ગ્રુપ (SVB Financial Group) ના શેર નાણાકીય સ્થિરતા સંબંધિત ચિંતાઓને કારણે 60 ટકા ઘટ્યા અને કંપનીની માર્કેટ કેપ $80 બિલિયન ઘટી ગઈ. જેના કારણે યુએસ માર્કેટ સહિત વિશ્વના શેરબજારોમાં જોરદાર બ્રેકડાઉન જોવા મળ્યું છે અને સૌથી મોટો બ્રેકડાઉન બેન્કિંગ શેરમાં જોવા મળ્યો છે. SVB ફાઇનાન્શિયલ સ્ટાર્ટઅપ કંપનીઓને ફાઇનાન્સ પ્રદાન કરે છે. આ ઉપરાંત 21-22 માર્ચે યોજાનારી બેઠકમાં યુએસ ફેડ વ્યાજદરમાં 50 બેસિસ પોઈન્ટનો વધારો કરી શકે તેવી સંભાવના 78 ટકા સાથે બજાર ટ્રેડ કરી રહ્યું છે. રોકાણકારો હાલમાં શુક્રવારના રોજ આવનારા જોબ ડેટાની રાહ જોઈ રહ્યા છે, તે આગામી મીટિંગમાં યુએસ ફેડ રિઝર્વ વ્યાજ દરમાં કેટલો વધારો કરી શકે છે તે જાણવા મળશે.

તેમજ વિશ્વભરના બજારોમાંથી મળી રહેલા સંકેતોને કારણે પણ ભારતીય શેર બજાર તૂટી રહ્યું છે. નાસ્ડેક બે ટકા ઘટીને બંધ રહ્યો હતો. તે જ સમયે, બેન્ચમાર્ક એસએન્ડપી 500 અને ડાઉ પણ ગુરુવારે બે ટકા ઘટીને બંધ થયા હતા. આ જ કારણ છે કે જાપાનનો નિક્કી 1.7 ટકાના ઘટાડા સાથે ટ્રેડ કરી રહ્યો હતો.

Most Popular

To Top