Business

શેરબજારમાં હાહાકારઃ 41 કંપનીના શેર્સમાં લાગી લોઅર સર્કિટ, બજારની સ્થિતિ માટે અમેરિકા જવાબદાર

નવી દિલ્હીઃ ચાર દિન કી ચાંદની ફીર અંધેરી રાત… કહેવતને સાચી ઠેરવતું હોય તેમ ભારતીય શેરબજાર મંદીની ગર્તામાં ખૂબ ઝડપથી ફેંકાઈ રહ્યું છે. ગઈકાલે બુધવારે શેરબજારમાં સામાન્ય સુધારો દેખાતા રોકાણકારો ખુશ થયા હતા. આજે સવારે પણ બજાર ગ્રીન ઝોનમાં ખુલ્યું હતું, પરંતુ બપોર બાદ એકાએક બજાર તુટ્યું હતું. એટલી સ્પીડમાં બજાર નીચેની તરફ સરક્યું હતું જાણે પહાડ પરથી પત્થર ફૂલ સ્પીડમાં ગબડી રહ્યો હોય. લેન્ડસ્લાઈડ જેવી સ્થિતિ સર્જાતા શેરબજારમાં હાહાકાર મચી ગયો હતો.

શેરબજારમાં ગુરુવારે કડાકો જોવા મળ્યો હતો. સેન્સેક્સ 1100 પોઈન્ટથી વધુ તૂટ્યો હતો, જ્યારે નિફ્ટી પણ 350 પોઈન્ટથી વધુ તુટી હતી. અમેરિકાને આ ઘટાડાનું સૌથી મોટું કારણ માનવામાં આવે છે. અમેરિકાના કેટલાક પગલાંની સીધી અસર ભારતીય શેરબજાર પર જોવા મળી છે. આમાં નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા લાદવામાં આવેલા ટેરિફનો પણ સમાવેશ થાય છે.

રાષ્ટ્રપતિની ચૂંટણી જીત્યા બાદ ટ્રમ્પે કેનેડા અને મેક્સિકો સહિત ચીન પર ભારે ટેરિફ લાદવાની વાત કરી છે. બીજી તરફ અમેરિકામાં વ્યાજ દરમાં ઘટાડો થવાની શક્યતા ઓછી છે. તેના કારણે પણ શેરબજારમાં ઘટાડો થયો છે.

બજાર કેટલું તૂટ્યું?
ગુરુવારે સેન્સેક્સ 1,190.34 પોઈન્ટના ઘટાડા બાદ 79,043.74 પોઈન્ટ પર બંધ થયો હતો. તે આજે 1.48 ટકા ઘટ્યો હતો. નિફ્ટી 360.75 પોઈન્ટ ઘટીને 23,914.15 પોઈન્ટ પર બંધ થયો હતો. 1.49 ટકાનો ઘટાડો નોંધાયો હતો. BSE લિસ્ટેડ તમામ કંપનીઓનું માર્કેટ કેપિટલાઇઝેશન રૂ. 2.30 લાખ કરોડ ઘટીને રૂ. 443.40 લાખ કરોડ થયું છે.

આઇટી શેર્સમાં જબરદસ્ત ઘટાડો
શેરબજારમાં ઘટાડા માટે આઈટી કંપનીઓ કારણભૂત બની છે. આઈટી કંપનીની સ્થિતિ કફોડી બની છે. અમેરિકાની પોલિસીને લઈને સર્જાયેલી અનિશ્ચતતાઓના લીધે આઈટી કંપનીના શેર્સ તૂટ્યા છે. બજારમાં ઘટાડા પછી પણ 118 કંપનીઓના શેર્સમાં અપર સર્કિટ લાગી છે, જ્યારે નિફ્ટીના ડેટા અનુસાર 41 કંપનીઓમાં લોઅર સર્કિટ લાગી છે. તે પૈકી 18 કંપનીના શેર્સના ભાવ પાછલા 52 સપ્તાહના નીચલા સ્તરે પહોંચ્યા છે.

આઈટી શેર 4% સુધી ઘટ્યા છે. LTTS, Infosys, Tech Mahindra અને HCL Techની આગેવાની હેઠળ નિફ્ટી IT ઇન્ડેક્સ 2.3% ઘટ્યો હતો. ઇન્ફોસિસના શેરમાં 3 ટકાનો ઘટાડો થયો હતો. જ્યારે TCSના શેરમાં 2.2 ટકાનો ઘટાડો થયો હતો. ટેક મહિન્દ્રા અને એચસીએલના શેર પણ 2 ટકાથી વધુ તૂટ્યા છે.

શેરબજારમાં આજે ઉથલપાથલના મુખ્ય ચાર કારણો

  • સૌથી મોટું કારણ અમેરિકામાં ફેડ રેટ કટનો ડર છે. જેના કારણે આઈટી શેર્સમાં ભારે વેચવાલી જોવા મળી રહી છે અને ઈન્ફોસિસ, ટીસીએસ જેવા હેવીવેઈટ શેર્સ ઘટી રહ્યા છે.
  • બીજું મોટું કારણ રશિયાએ યુક્રેનના એનર્જી ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર મોટા પાયે હુમલો કર્યો છે, જેના કારણે ફરી એકવાર ભૂ-રાજકીય તણાવનો ખતરો મંડરાઈ રહ્યો છે.
  • ત્રીજું મોટું કારણ આજે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, ઈન્ફોસિસ, TCS અને ટેક મહિન્દ્રા જેવા હેવીવેઈટ શેરોમાં 3 ટકા સુધીનો ઘટાડો થયો છે.
  • ચોથું કારણ વિદેશી રોકાણકારો અમેરિકન માર્કેટમાં વધુ વૃદ્ધિની સંભાવના જોઈ રહ્યા છે, જેના કારણે તેઓ વૈશ્વિક બજાર પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે.

નિષ્ણાતો શું કહે છે?
શેરબજારના નિષ્ણાત વિષ્ણુકાંત ઉપાધ્યાય અનુસાર ટેક્નિકલ મોરચા પર 24350નું સ્તર ખૂબ મહત્ત્વનું છે. જો નિફ્ટી 24,500થી નીચે જાય છે તો કોઈ પણ વધારો લાંબા સમયગાળા માટે રોકાણકર્તાઓ માટે બહાર નીકળવાની યોગ્ય તક સર્જશે.

Most Popular

To Top