ઉત્તરાખંડના ચંપાવત જિલ્લાના જાઉલ ગામમાં પીઢ સ્વાતંત્ર્ય સેનાની સ્વ. શ્રી રામચંદ્ર સરકારી શાળા ધો. ૧ થી ૧૨ ની શાળા આવેલી છે. કેન્દ્ર સરકારના ધારાધોરણ પ્રમાણે શાળામાં ભણતાં તમામ બાળકોને મધ્યાહ્ન ભોજનનો સુંદર લાભ મળે છે. ત્યારે ત્યાં સુનિતાબેન નામની દલિત ગણાતી મહિલા ભોજન બનાવતી હતી. ત્યારે ચાલીસથી વધુ ઉપલી જાતિનાં ગણાતાં વિદ્યાર્થીઓએ આ બેનના હાથની રસોઇ જમવાની સ્પષ્ટ ના પાડી. આ સન્નારીને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવી. કેસ થયો. પછી પુન: લીધી. મિત્રો, આઝાદીનાં આટઆટલાં વર્ષો પછી પણ લોકોની કેવી નબળી માનસિકતા?! કેન્દ્ર સરકારે ગરીબ – નબળા વર્ગનાં બાળકો વધુ અભ્યાસ કરે તે માટે સરસ યોજના શરૂ કરી છે, જેનાં સારાં -માઠાં પરિણામો પણ આવી રહ્યાં છે.
ગરીબી રેખા હેઠળનાં ભૂલકાંઓને પોષણક્ષમ આહાર મળવો જ જોઇએ. આપણા ભૂતકાળમાં ગુજરાત સરકારનો પરિપત્ર પણ છે કે કોઇ પણ બાળક સાથે જ્ઞાતિ-આધારિત ભેદભાવ ન રાખવામાં આવે. કેન્દ્રની સંસદસભ્યોવાળી સમિતિએ પણ આની ત્વરિત તપાસ કરી જવાબદારો સામે કડક પગલાં લેવાં જ જોઇએ. રાષ્ટ્રપિતા, મહાત્મા ગાંધીના ગુજરાતમાં થોડા સમય પર એક દલિત શિક્ષકની ૯૦ નેવું કિ.મી. બદલી થઇ. કોઇએ ઘર ન આપ્યું. આશ્ચર્યની વાત તો એ થઇ કે તે ગામના સરપંચ અને તલાટી કમ મંત્રીએ પણ લેખિતમાં ગામમાં ઘર ન મળે તેવું લખાણ આપ્યું.
ગરવી ગુજરાતના પૂ. ગાંધીબાપુ, પૂ. રવિશંકર મહારાજ, પૂ. રંગ અવધૂત બાપજી, પૂ. મોટા, પરીક્ષિતલાલ મજમુદાર, રોહિત સમાજના પુરુષોત્તમભાઇ ચૌહાણ (હાંસાપોર – નવસારી) અને ભારતરત્ન, બંધારણના ઘડવૈયા, ડો. બાબાસાહેબ આંબેડકર તથા જયોતિ બા ફૂલે જ્ઞાતિના વાડા – ભેદભાવ દૂર થાય તેવા તંદુરસ્ત પ્રયત્નો કરેલા. આજે પણ રાજય અને દેશમાં આભડછેટના બનાવો છાશવારે બને છે ત્યારે માનવ-માનવ વચ્ચેની આ ઘૃણા – શરમજનક ઘટનાઓ હવે તો ન જ બનવી જોઇએ. જ્ઞાતિ વ્યવસ્થાનું પાપ ગણાતી અસ્પૃશ્યતા દૂર કરવા રાજયની ધુરા સંભાળનારા માનવીય રાજયકર્તાઓ, દેશના સન્માનનીય ન્યાયાધીશ સહેબોને પૂ. સંતો પોતાના પ્રેરક, પ્રવચનોમાં અસ્પૃશ્યના કલંકને દૂર કરવા ભગીરથ પ્રયત્નો આરંભે એ જમાનાની તાતી માંગ છે.
સુરત – ભગુભાઇ સોલંકી -આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.