Editorial

કોરોના ફરી પંજો ફેલાવે તે પહેલા જ ડામી દેવાના પગલા શરૂ કરી દેવા જોઇએ

દેશમાં ઘણા ભાગોમાં શિયાળાની શરુઆત થઈ ગઈ છે તો કેટલાક ભાગોમાં શિયાળામાં પણ કમોસમી વરસાદ વરસી રહ્યો છે ત્યારે હવે વિશ્વભરમાં હાહાકાર મચાવનાર કોરોનાના નવા કેસો આવતા ફરી એકવાર ચિંતા વધી છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના દ્વારા આજે જાહેર કરાયેલા નવા અપડેટ ડેટા અનુસાર દેશમાં એક દિવસમાં કોરોનાના નવા 148 કેસ નોંધાયા છે. આ આંકડા અનુસાર દર્દીઓની સંખ્યા વધીને 808 થઈ ગઈ છે. ઉલ્લેખનીય છે કે સરકાર દ્વારા જાહેર કરાયેલા આંકડા અનુસાર અત્યાર સુધીમાં કોરોના વાયરસના વાયરસના કુલ કેસોની સંખ્યા 4 કરોડ 50 લાખ 2 હજાર 889 છે જ્યારે મૃતકોની સંખ્યા 5 લાખ 33 હજાર 306 છે.

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા ડેટામાં રાહતના સમાચાર પણ છે જેમાં કોરોનાથી 4 કરોડ 44 લાખ 68 હજાર 775 લોકો વાયરસમાંથી સ્વસ્થ થઈને ઘરે પરત ફર્યા છે. આ સાથે જ દેશમાં વાયરસમાંથી સાજા થવાનો દર 98.81 ટકા છે જ્યારે મૃત્યુ દર માત્ર 1.19 ટકા છે. સ્વાસ્થ્ય મંત્રાલયની વેબસાઈટ અનુસાર અત્યાર સુધીમાં દેશભરમાં એન્ટી-કોવિડ રસીના 220.67 કરોડ ડોઝ આપવામાં આવ્યા છે. તો બીજી તરફ હાલ ચીનમાં કોરોના પછી રહસ્યમય ન્યુમોનિયાનો વાયરસ ફેલાયો છે અને દેશમાં કેટલાક કેસ પણ જોવા મળ્યા છે, જેને લઈને કેન્દ્ર સરકારે પહેલાથી જ એલર્ટ જાહેર કરી દીધું છે.

ચીનમાં બાળકોમાં ન્યુમોનિયા જેવી બીમારી ફેલી રહી છે, જેના કારણે બાળકોને શ્વાસ લેવામાં તકલીફ આવી રહી છે. અહેવાલો મુજબ દરરોજ 7,000થી વધુ બીમાર લોકો હોસ્પિટલ આવી રહ્યા છે. આ બીમારીને લઈને જ્યાં દુનિયા ટેન્શનમાં છે તો બીજી તરફ ચીનનું કહેવું છે કે આનાથી ડરવાની કોઈ વાત નથી. ચીનના અધિકારીઓનું કહેવું છે કે ફ્લૂ જેવી બીમારીનું કારણ કોઈ નવો પૈથોજન કે નવો ચેપ નથી. તેમનું કહેવું છે કે ચીનમાં જે રોગ ફેલાઈ રહ્યો છે તેમાં કંઈ અસામાન્ય નથી અને કોવિડ-19ના કડક પ્રતિબંધો હટાવવાને કારણે બાળકોને ફ્લૂ થઈ રહ્યો છે.

ચીને પંદર દિવસ પહેલા WHOને જવાબ આપતા જણાવ્યું હતું કે બાળકોમાં ન્યુમોનિયા જેવા મામલાઓનું વધવું અસામાન્ય કે નવી બીમારી નથી. કોવિડ પ્રતિબંધોને હટાવવાના કારણે ફ્લૂ જેવી બીમારીઓ વધી રહી છે. ચીનના નેશનલ હેલ્થ કમિશનના અધિકારી મી ફેંગે કહ્યું કે બીમાર લોકોની વધતી સંખ્યાને કારણે ચીનમાં બાળ ચિકિત્સાલય ખોલવામાં આવી રહ્યા છે. ચીની અધિકારીઓને શક્ય તેટલા બાળકો અને વૃદ્ધોને ફ્લૂની રસી આપવા સૂચના આપવામાં આવી છે. લોકોને માસ્ક પહેરવા અને વારંવાર હાથ ધોવાની પણ અપીલ કરવામાં આવી છે.

ચીનના ડોક્ટરો અને આંતરરાષ્ટ્રીય નિષ્ણાતોનું કહેવું છે કે ચીનમાં વધી રહેલા આ રોગને લઈને ચિંતા કરવાની જરૂર નથી. નિષ્ણાતોનું કહેવું છે કે કોવિડ પ્રતિબંધો હટાવવાને કારણે આ પ્રકારની બીમારી માત્ર ચીનમાં જ નહીં પરંતુ ઘણા દેશોમાં ફેલાઈ રહી છે. આ બીમારી જોખમી હોય કે નહીં પરંતુ ભૂતકાળના અનુભવને ધ્યાનમાં રાખીને ભારતે અત્યારથી જ સતર્ક થઇ જવુ પડશે. અત્યારથી જ વિદેશથી આવતા પ્રવાસીઓના સ્ક્રીનિંગ સહિતના પગલા જે કોરોના વકરે ત્યારે લેવામાં આવે છે તે અત્યારથી જ લેવાની શરૂઆત કરી દેવી જોઇએ. કોરોનાના બે કાળ ભારતના લોકો જોઇ ચૂક્યા છે અને પહેલા કાળના અનુભવમાંથી કંઇ જ નહીં શીખ્યા તેના કારણે સૌથી જીવલેણ કહેવાય તેવા બીજા તબક્કાનો ભારતે સામનો કરવો પડ્યો હતો.

Most Popular

To Top