Business

સ્ટીલ કિંગ લક્ષ્મી મિત્તલની સુરતના હજીરા ખાતે આવેલી AMNS કંપની સામે હ્યૂમન રાઈટ્સમાં ફરિયાદ

સુરત: (Surat) શહેરના હજીરા (Hazira) વિસ્તારના ગુંદરડી (Gundardi) મોહલ્લાના 100 જેટલા પરીવારોના માનવ અધિકારોના (Human Rights) હનન બાબતે રાષ્ટ્રીય માનવ આયોગ અને વિશ્વ માનવ આયોગમાં હજીરાની આર્સેલર મિત્તલ નિપ્પોન સ્ટીલ (AMNS) કંપની વિરુદ્ધ ફરીયાદ કરાતાં ગરમાટો વ્યાપી ગયો છે.

  • કંપની સસ્તા ભાવે ઝૂંપડા માંગી લોકોને વિસ્થાપિત કરી દેશે તેવો સ્થાનિકોનો આક્ષેપ
  • ગરીબ પરિવારો રોડ ઉપર આવી જાય તેમ છે
  • કંપની જે રકમ ઝૂંપડાની આપે છે તેની સામે એક ઓરડાની ખોલી પણ લઇ શકાય તેમ નથી

હજીરા વિસ્તારમાં વિતેલા કેટલાંક સમયથી ભારે પ્રદુષણની સમસ્યા જોવા મળી રહી છે. સરકારી જમીન ઉપર ગેરકાયેદે કબ્જો કરી ભંગાર નાંખવા સહિત સરકારી જમીનો ઉપર પાર્કિંગ પ્લોટ બનાવવા સહિત મોટાપાયે કોલસો ઉતારવામાં આવે છે. હજીરા વિસ્તારમાં આવી ફરિયાદો પાર વિનાની છે. તેની વચ્ચે ફરી આર્સેલર મિત્તલ કંપની સામે સ્થાનિક લોકોએ મોરચો ખોલી દીધો છે. હજીરા કાંઠા વિસ્તાર ઔદ્યોગિક પ્રદૂષણ નિવારણ સમિતિના કન્વીનર દિપક પટેલએ કહ્યું હતું કે, આ કંપનીએ પ્લાન્ટ વિસ્તરણ માટે જમીન ખરીદવા ભાડાના દલાલો મેદાનમાં ઉતારી દીધા છે.

આ કંપનીએ કોડીના ભાવે ગરીબ પરિવારોની જમીન ખરીદવા હવાતિયા મારવાના શરૂ કરી દીધા છે. કંપનીના માણસો ગુંદરડી ફળિયાના આશરે એકસો પરિવારને બેઘર કરવાની ફિરાકમાં છે. કંપનીના માણસો અને ભાડાના ટટ્ટુઓ ગરીબ પરિવારના ઝૂંપડા પાણીના ભાવે પડાવી મલાઇ સેરવી લેવાની વેતરણમાં છે. જેને લઇને ગરીબ પરિવારો રોડ ઉપર આવી જાય તેમ છે. આ અંગે આજે સ્થાનિક લોકોએ માનવ અધિકારોના હનન બાબતે રાષ્ટ્રીય માનવ આયોગમાં ફરિયાદ કરી છે. અને ઉચ્ચ સ્તરીય તપાસની માગંણી કરી છે. સ્થાનિક લોકોના કહેવા મુજબ કંપની સસ્તા ભાવે ઝૂંપડા માંગી લોકોને વિસ્થાપિત કરી દેશે. કેમ કે કંપની જે રકમ નળિયાના ઝૂંપડા અને કાચા ઝૂંપડાના આપે છે. તેની સામે એક ઓરડાની ખોલી પણ લઇ શકાય તેમ નથી.

આ અંગે આર્સેલર મિત્તલ-નિપ્પોન સ્ટીલ ઈન્ડિયાના પ્રવકતાનો સંપર્ક થઈ શક્યો નહોતો
હજીરા ગામના ગુંદરડી મોહલ્લાના 100 જેટલા પરીવારોના માનવ અધિકારોના હનન બાબતે રાષ્ટ્રીય માનવ આયોગ અને વિશ્ર્વ માનવ આયોગમાં કરવામાં આવેલી ફરિયાદ સંદર્ભે આસૅલર મિત્તલ નિપ્પોન સ્ટીલ ઇન્ડિયા લી.ના મુખ્ય પ્રવક્તાનો સંપર્ક કરતાં તેમનો સંપર્ક થઈ શક્યો ન હતો..

Most Popular

To Top