સ્ટીલ કિંગ લક્ષ્મી મિત્તલનાં પુત્ર આદિત્ય લંડનથી ચાર્ટર ફલાઇટ લઈ સુરત આવ્યા – Gujaratmitra Daily Newspaper

Business

સ્ટીલ કિંગ લક્ષ્મી મિત્તલનાં પુત્ર આદિત્ય લંડનથી ચાર્ટર ફલાઇટ લઈ સુરત આવ્યા

સુરત : (Surat) આર્સેલર મિતલ નિપ્પોન સ્ટીલ ઇન્ડીયા લિ. (AMNS) ગુજરાતમાં ૬ પ્રોજેક્ટસમાં ૧ લાખ ૬૬ હજાર કરોડનું રોકાણ કરવા જઈ રહી છે. AMNS ઈન્ડીયાએ હજીરા ખાતે રૂ. 35,000 કરોડનું મૂડીરોકાણ કરીને તેના સ્ટીલ પ્લાન્ટની (Steel Plant) ઉત્પાદન ક્ષમતા વાર્ષિક 9.6 મિલિયન ટનથી વધારીને 15.6 મિલિયન ટન કરવાની યોજના જાહેર કરી હતી. તેના ભાગ સ્વરૂપે મંગળવારે આર્સેલર મિતલ નિપ્પોન સ્ટીલ ઇન્ડીયા લિ.ના સીઈઓ આદિત્ય લક્ષ્મી મિત્તલ (Aditya Laxmi Mittal) લંડનના લૂટન એરપોર્ટથી ચાર્ટર ફલાઇટ કરી સુરત આવ્યા હોવાનું એરપોર્ટના સુત્રોએ જણાવ્યું હતું.

કંપની હસ્તગત લીધા પછી લક્ષ્મી મિત્તલ સુરતની ઊડતી મુલાકાતે આવ્યા હતાં. એ પછી એમના દીકરા આદિત્ય મંગળવારે કંપનીના મુખ્ય અધિકારી દિલીપ ઓમેન સહિતના અધિકારીઓ સાથે બેઠક યોજવા હજીરા આવ્યા હતાં. મંગળવારે સુરત એરપોર્ટ પર AMNSની ચાર્ટર ફ્લાઇટનો ધમધમાટ રહ્યો હતો. લંડન, માલદીવ, દુબઇ, હૈદરાબાદ અને જયપુરથી ચાર્ટર ફલાઇટ સુરત આવી પહોંચી હતી. કુલ 5 ચાર્ટર ફલાઇટ એક જ કંપનીની આવી હોય એવો આ પહેલો બનાવ છે.

  • AMNS ઈન્ડીયાએ હજીરામાં 35,000 કરોડનું મૂડીરોકાણ કરી સ્ટીલ પ્લાન્ટની ઉત્પાદન ક્ષમતા વાર્ષિક 9.6 મિલિયન ટનથી વધારીને 15.6 મિલિયન ટન કરવાની જાહેરાત કરી છે
    આર્સેલર મિત્તલ સુરતમાં સ્ટીલ સિટી અને ઇન્ડસ્ટ્રીયલ કલસ્ટર માટે 30 હજાર કરોડના રોકાણ કરશે
  • હજીરામાં અન્ય એક ડાઉન સ્ટ્રીમ, કોક ઓવન પ્રોજેક્ટસમાં 17 હજાર કરોડનું રોકાણ કરશે

10મી વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-2022 અન્વયે રાજ્ય સરકાર સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં ગાંધીનગર ખાતે તાજેતરમાં આર્સેલર મિતલ નિપોન સ્ટીલ ઇન્ડીયા લિમીટેડે રાજ્યમાં વિવિધ 6 પ્રોજેક્ટસમાં રૂ. 1 લાખ 66 હજાર કરોડના સૂચિત રોકાણોના MoU કર્યા હતા. આ MoU પર ઉદ્યોગ વિભાગના અધિક મુખ્ય સચિવ ડૉ. રાજીવકુમાર ગુપ્તા તથા આર્સેલર મિતલ નિપોન સ્ટીલ ઇન્ડીયા વતી સી.ઇ.ઓ દિલીપ ઓમેને હસ્તાક્ષર કર્યા હતા. જેમાં સુરતના હજીરામાં અન્ય એક ડાઉન સ્ટ્રીમ, કોક ઓવન પ્રોજેક્ટસમાં પણ રૂ. 17 હજાર કરોડના રોકાણનો સમાવેશ થાય છે.

હજીરા ખાતે હયાત કેપ્ટીવ જેટીના એક્સપાન્શન અને મોર્ડનાઇઝેશન માટે રૂ. 4200 કરોડ, હાલના 8.6 MMTPAના સ્ટીલ મેન્યૂફેકચરીંગ પ્લાન્ટની ક્ષમતા વધારીને 18 MMTPA કરવા માટેના રૂ. 45 હજાર કરોડ, સુરતના સુવાલી ખાતે ગ્રીન સ્ટીલ પ્લાન્ટને કેપ્ટીવ પોર્ટ કેપેસીટી સાથેના એક્સપાન્શન માટે 30 હજાર કરોડ તથા કીડીઆબેટ સુરતમાં સ્ટીલ સિટી અને ઇન્ડસ્ટ્રીયલ કલસ્ટર માટે 30 હજાર કરોડના રોકાણોનો સમાવેશ થાય છે. આ બધા જ પ્લાન્ટમાં કુલ મળીને અંદાજે ૧ લાખ ૮૦ હજારથી વધુ પ્રત્યક્ષ અને પરોક્ષ રોજગાર આપવાનો દાવો કરવામાં આવ્યો હતો.

Most Popular

To Top