ઉમરગામ : ઉમરગામના (Umargam) માલખેત ખાતે આંબાવાડીમાં આવેલા પાંચ મકાનના તાળા તોડી તસ્કરો (Thief) ખેતીના ઓંજારો કિંમત રૂ ૪૧ હજાર મત્તાની ચોરી (Stealing) કરી નાસી જતા ચકચાર મચી જવા પામી છે. પ્રાપ્ત પોલીસ (Police) સુત્રો પાસેથી મળતી જાણકારી મુજબ ઉમરગામ તાલુકાના આમગામ રોડ સંજાણ ખાતે રહેતા ફરિયાદી અરવિંદભાઈ ઠાકોરભાઈ વણઝારાની ખતલવાડા માલખેત માલખેતપાડા આંબાવાડીમાં પાંચ મકાનો આવેલા છે.
ગતરોજ તસ્કરોએ આંબાવાડીના મેઈન દરવાજાને મારેલા તાળું તોડી અંદર પ્રવેશી પાંચે મકાનોના દરવાજાને મારેલું તાળું કોઈ સાધન વડે તોડી મકાનમાંથી ખેતીના ઓંજારો, સર સામાન, ઇલેક્ટ્રીક મોટર, સર્વિસ વાયર, પાવડા, ત્રિકમ, તગારા, પરાઈ, ઘાસ બાંધવાની ચેન વગેરે મળીને રૂપિયા ૪૧,૬૦૦ ની મત્તાની ચોરી કરી નાસી ગયા હતા. આ બનાવની ઉમરગામ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
અંકલેશ્વરના ભરૂચી નાકા પાસેથી શંકાસ્પદ ભંગારના જથ્થા સાથે બે ઝડપાયા
અંકલેશ્વર: અંકલેશ્વર શહેર પોલીસે ભરૂચી નાકા પાસેથી શંકાસ્પદ ભંગારના જથ્થા સાથે બે ઈસમને ઝડપી પાડી ૭૫ હજારથી વધુનો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે. અંકલેશ્વરના જૂના બોરભાઠા ગામ તરફથી થ્રી વ્હીલ ટેમ્પો નં.(જી.જે.૧૬.એક્સ.૪૦૧૨)માં બે ઈસમ લોખંડની પ્લેટ અને ભંગાર ભરી અંકલેશ્વર આવી રહ્યા છે, એવી બાતમીના આધારે અંકલેશ્વર શહેર પોલીસે ભરૂચી નાકા પાસે વોચ ગોઠવી હતી.
દરમિયાન બાતમીવાળો ટેમ્પો આવતાં પોલીસે તેને અટકાવી ટેમ્પોમાં તપાસ કરતાં લોખંડની પ્લેટ, એંગલના ટૂકડા સહિત ૪૫૦ કિલો ભંગાર મળી આવ્યો હતો. પોલીસે ટેમ્પોચાલક અને અન્ય ઇસમને ભંગાર અંગે પૂછપરછ કરતાં તેમણે સંતોષકારક જવાબ નહીં આપતાં પોલીસે ૧૫ હજારનો ભંગાર અને ટેમ્પો મળી કુલ ૭૫ હજારથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને ગડખોલની સરસ્વતી સ્કૂલ સ્થિત વિજયનગરમાં રહેતો ટેમ્પોચાલક અજય સુભાષચંદ્ર કશ્યપ અને ઉમેશ શીવધારી રામને ઝડપી પાડ્યો હતો.
કોપર ચોરીના ગુનામાં મોસાલી અને શાહ ગામના બે પરપ્રાંતિય આરોપી ઝડપાયા
વાંકલ: માંગરોળના શાહ અને મોસાલી ગામે રહેતા અને ચોરીના અનેક ગુનામાં સંડોવાયેલા બે પરપ્રાંતીય વોન્ટેડ આરોપીને એલસીબીની એસઓજી ટીમે બાતમીના આધારે માંગરોળના શાહ ગામના પાટિયા પાસેથી ઝડપી લીધા હતા. અંકલેશ્વરના સજોદ ગામની સીમમાં જેટકો જીઇબી વીજ સબ સ્ટેશનમાંથી કોપર અને અન્ય સામાનની ચોરીના ગુનામાં સંડોવાયેલો આરોપી સાજીદ ઉર્ફે ડેબો અને આરીફ માંગરોળના શાહ ગામના પાટિયા પાસે ઊભા હોવાની બાતમી મળી હતી.
બાતમીના આધારે ઉપરોક્ત સ્થળે રેડ કરવામાં આવતાં બે આરોપી ઝડપાઈ ગયા હતા. જેમની પૂછપરછ કરતાં પોતાનું નામ સાજીદ ઉર્ફે ડેબો બાબુ કાળા કારા (ઉં.વ.29) (ધંધો-ડ્રાઇવિંગ) (રહે.,શાહ, નવાપરા ફળિયું, તા.માંગરોળ) અને બીજો આરોપી આરીફ સઇદ મેવ (ઉં.વ.36) (વેપાર) (હાલ રહે.,મોસાલી, મસ્જિદ રોડ, ઇલ્યાસ લુલાતની ચાલીમાં, હરિયાણા)નો હોવાનું જણાવ્યું હતું. આરોપી પાસેથી 2956 કિલોગ્રામ કોપર કિંમત રૂપિયા 2,20,700 કબજે લેવામાં આવ્યું હતું. વધુ તપાસ કરતાં આરોપીઓ વિરુદ્ધ ઉંમરપાડા, ભરૂચ, ઝઘડિયા અને અંકલેશ્વર સહિત ચાર પોલીસમથકોમાં ચોરીના ગુના નોંધાયા છે.