વલસાડ : વલસાડમાં (Valsad) ફુલ ગુલાબી ઠંડી સાથે શિયાળાની (Winter) શરૂઆત થઈ ગઈ છે, ત્યારે ઠંડીની આ મોસમમાં તસ્કરોએ પણ પોતાના હાથ અજમાવવાનું શરૂ કરી દીધું છે. જેમાં ચણવઇ ચાર રસ્તા પાસે આવેલા એક એપાર્ટમેન્ટમાં નોકરી (Job) કરી આવી યુવાનો સુતા હતા અને તેમના ફ્લેટનો (Flat) દરવાજો ખોલી કોઈ ચોર તેમનું લેપટોપ અને મોબાઈલ મળી કુલ રૂ. 45,249 ની મત્તાની ચોરી (Stealing) કરી ફરાર થઈ ગયો હતો.
પોલીસ સૂત્રો પાસેથી મળતી વિગત મુજબ ચણવઈ ચાર રસ્તા પર આવેલા ક્રિષ્ના એપાર્ટમેન્ટમાં ફ્લેટ નં 202 માં રહેતા ચેતન અશોકરાવ ઇન્દુરકરે પોતાનો સેમસંગ કંપનીનો મોબાઇલ અને આસુસ કંપનીનું લેપટોપ પોતાના ઘરે મૂક્યું હતું. તેમનો આ મોબાઇલ અને લેપટોપ રાત્રી દરમિયાન તેઓ અને તેમના અન્ય સાથીઓ સુતા હતા, ત્યારે કોઈ ચોર ચોરી ગયું હતું. બીજા દિવસે સવારે લેપટોપ નહીં મળતા તેમને પોતાના લેપટોપ અને મોબાઈલ ચોરી થયાની જાણ થઈ હતી. આ બનાવ સંદર્ભે તેમણે વલસાડ રૂરલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરતા પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
નવસારી ટાટા હોલ પાસેના પાર્કિંગમાંથી બાઈક ચોરાઈ
નવસારી : નવસારી ટાટા હોલ પાસેના પાર્કિંગમાંથી કોઈ અજાણ્યો ચોર બાઈક ચોરી કરી નાસી ગયાનો બનાવ નવસારી ટાઉન પોલીસ મથકે નોંધાયો છે. મળતી માહિતી મુજબ, મૂળ યુ.પી.ના જાલોન જિલ્લાના કુઠોર તાલુકાના કુરેપુરા ગામ અને હાલ વિજલપોર આકાશગંગા સોસાયટી સામે શીતલવન સોસાયટીમાં મહાવીરપ્રસાદ સોબરનસિંગ પરિહાર તેમના પરિવાર સાથે રહે છે. ગત 12મીએ મહાવીરભાઈ તેમની બાઈક (નં. જીજે-21-સી-9209) લઈને નવસારી દુધિયા તળાવ ટાટા હોલ પાસે આવેલા પાર્કિગમાં પાર્ક કરી ટ્રાવેલ્સ બસ લઈ ગાંધીનગર ગયા હતા. જ્યાંથી મહાવીરભાઇ પરત નવસારી આવતા તેમની બાઈક પાર્કિંગમાં મળી ન હતી. જેથી મહાવીરભાઈએ આજુબાજુના વિસ્તારમાં તપાસ કરતા બાઈક નહીં મળતા ચોરી થઇ હોવાનું જણાયું હતું. આ બનાવ અંગે મહાવીરભાઈએ નવસારી ટાઉન પોલીસ મથકે અજાણ્યા ચોર વિરૂદ્ધ ફરિયાદ નોંધાવતા આગળની તપાસ પી.એસ.આઈ. બી.જે. ચૌધરીએ હાથ ધરી છે.