આજે તા. 27 ફેબ્રુઆરીની ગુરુવારથી ધો. 10 અને ધો. 12 ગુજરાત બોર્ડની પરીક્ષાઓ શરૂ થઈ રહી છે. સવારે 10 વાગ્યાથી ધો. 10 બોર્ડની પરીક્ષા શરૂ થઈ ગઈ છે. પહેલી પરીક્ષા હોય વિદ્યાર્થી અને વાલીઓ વહેલી સવારે 9 વાગ્યાથી જ પરીક્ષા કેન્દ્રો પર પહોંચવા લાગ્યા હતા. પરીક્ષા કેન્દ્રો પર તિલક કરી, ગુલાબનું ફુલ આપી પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓનું સ્વાગત કરાયું હતું. પરીક્ષા શરૂ થઈ ગઈ છે.
રાજ્યભરમાંથી આ પરીક્ષામાં અંદાજે 14.28 લાખથી વધુ વિદ્યાર્થીઓ નોંધાયેલા છે. આ પરીક્ષા માટે શિક્ષણ વિભાગ દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. ધોરણ 10માં 8,92,882 વિદ્યાર્થીઓ, ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 4,23,909 અને ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં 1,11,384 એમ કુલ 14,28,175 પરીક્ષાર્થીઓ નોંધાયેલા છે.
પરીક્ષામાં ગેરરીતિઓ ન થાય તે માટે તમામ પરીક્ષા કેન્દ્રો ઉપર સીસીટીવી મૂકવામાં આવ્યા છે. આ સીસીટીવી માટે સુપરવાઇઝરની પણ વ્યવસ્થા કરવામાં આવી છે.
પરીક્ષા દરમિયાન વિદ્યાર્થીઓને કોઈ મુશ્કેલી ન પડે તે માટે બોર્ડ દ્વારા કેટલીક માર્ગદર્શિકાઓ જાહેર કરવામાં આવી છે. જેમાં શાળા તરફથી આપવામાં આવેલા પ્રવેશપત્ર-હોલટિકીટમાં વિષય, તારીખ, સમય, અને પરીક્ષા સ્થળના લોકેશનની જાણકારી પણ આપવામાં આવી છે.
પરીક્ષા ખંડમાં કોઈપણ પ્રકારનું સાહિત્ય, ઇલેક્ટ્રોનિક ગેજેટ, સાયન્ટિફિક કેલ્ક્યુલેટર, સ્માર્ટ વોચ, મોબાઇલ ફોન વગેરે જેવા ઉપકરણો સાથે લઈ જવા નહીં. ઓએમઆર ઉત્તરવહીમાં જવાબ માટે વર્તુળ કરવા માટે કાળી શાહીવાળી બોલપેન સિવાય અન્ય કોઈ પેન કે પેન્સિલનો ઉપયોગ ન કરવો.
