નવી દિલ્હી: દિવાળી આવે એટલે સાથે તહેવારોની મોજ લાવે, ગૃહિણી હોય કે વેપારી, નોકરિયાત હોય કે વિદ્યાર્થી દરેક માટે દિવાળી એટલે હરવા ફરવા અને વર્ષદરમિયાનનો થાક ઉતારવાનો સમય. તહેવારોની મોસમનો સૌથી મહત્વપૂર્ણ ભાગ છે તહેવારોમાં બનતી વાનગીઓ. જે આપણે દિવસ-રાત નિરંતર ખાઈએ છીએ. દશેરા અને દિવાળીની ઉજવણી કરતા મોટાભાગના ઘરોમાં આ એક સામાન્ય દૃશ્ય છે. આ સમયે એકમેકના ઘરે જવું અને મળવું સામાન્ય છે, જ્યાં ભાત-ભાતના વ્યંજનો તમારી પ્રતીક્ષા કરે છે. આવા સમયે તમારે તમારા સ્વાસ્થ્ય અને સ્વાદિષ્ટ પકવાનો માંથી એકને તડછોડવું પડે છે, પરંતુ સ્વાસ્થ્ય અને ઉજવણી બંને સાથે થાય એ બિલકુલ શક્ય છે.
ફળો અને શાકભાજી ખાઈ રહો તરોતાજા
આ ઋતુ દરમિયાન, આપણે જે ખોરાક ખાઈએ છીએ તે મોટા ભાગના તળેલા, તેલયુક્ત અને કેલરીથી ભરેલા હોય છે. ખોરાકમાં વધુ ફળો અને શાકભાજીનો સમાવેશ કરવો જરૂરી છે કારણ કે તેમાં ફાઇબર, ખનિજો, પોષક તત્વોનો ભંડાર છે તેમજ એમાં ચરબીનું પ્રમાણ ઓછું હોય છે. ફળાહારથી તમારા આંતરડા સ્વસ્થ રહે છે, તમારી ત્વચા ચમકતી રહે છે અને તમે તમારી કેલરીને નિયંત્રિત રાખી શકો છો. ગાજર, આમળા, પાલક, ટામેટા, તરબૂચ અને સંતરા એ બધા આરોગ્યપ્રદ વિકલ્પો છે. જ્યારે બાળકોના કિસ્સામાં તેઓને કેટલી મીઠાઈ ખાવાની છૂટ આપવી એ અગાઉથી નક્કી કરવું જરૂરી છે.
થોડા વ્યાયામથી રહેશો ઉર્જાવાન
તમારા માટે ઊર્જાવાન રહેવા અને રોગો સામે પ્રતિકારક શક્તિ વધારવા માટે વ્યાયામ મહત્વપૂર્ણ છે. તહેવારોમાં સતત લેવાતા ભારે ખોરાક અને મોડી રાત સુધી જાગવાની ટેવ શરીર પર માંથી અસર કરી શકે છે. વ્યાયામ રક્ત પરિભ્રમણને સુધારવામાં મદદ કરે છે, ઝેરને બહાર કાઢે છે અને ખાતરી કરે છે કે તમારુ શરીસ સ્વસ્થ રહે.
નિયંત્રિત ખોરાકથી સંતુલિત રહેશે તંદુરસ્તી
મોટાભાગના લોકો તહેવારો દરમિયાન ખોરાક પર વધુ પડતું ધ્યાન રાખે છે. નિયંત્રણનો અર્થ છે કે તમે ખોરાક વિષે થોડી સતર્કતા રાખો. સગાંવહાલાં કે મિત્રો કે ગેટ-ટુગેધર વખતે મીઠાઈઓ અને મસાલાઓને સંપૂર્ણપણે ટાળવું પણ મુશ્કેલ બની શકે છે પરંતુ મસાલેદાર અને તળેલા ખોરાકનું મર્યાદિત સેવન શક્ય છે.
મોડી રાત્રે ખાવાનું ટાળો
રાત્રિ ભોજનના સમય પછીનો ગ્રહણ કરેલો ખોરાક તમારા પાચનને અસર કરી શકે છે. તેનું કારણ છે કે, રાત થતા સાથે જ ચયાપચયની ગતિ ધીમી પડી જાય છે. તેનાથી વજન વધી શકે છે. જ્યારે તમે ઘરે લોકોને આમંત્રિત કરો છો, ત્યારે ખોરાકને તળવાને બદલે ગ્રીલિંગ અને બેકિંગ જેવી આરોગ્યપ્રદ રસોઈ પદ્ધતિઓ અજમાવો.
સામાન્ય કરતાં વધુ પાણી પીવો
તહેવારોની મોસમ દરમિયાન, ખાતરી કરો કે પરિવારમાં દરેક વ્યક્તિ, ખાસ કરીને બાળકો, પુષ્કળ પાણી પી રહ્યાં છે. આ તેમને હાઇડ્રેટેડ રાખશે અને શરીર ના ઝેરી તત્વોને બહાર કાઢવામાં મદદ કરશે. લીંબુનો ટુકડો અથવા થોડા ફુદીનાના પાન ઉમેરવાથી પાણીમાં સ્વાદ આવશે.