રાજપીપળા: આમ તો દેશના સર્વોચ્ચ પદ પર કામ કરતા વ્યક્તિનું સન્માન કોઈ મહાનુભવ કરતા હોય છે. પરંતુ સ્ટેચ્યુ ઓફ યુનિટી (Statue oF Unity) પર મિશન લાઇફનું (Mission Life) ગ્લોબલ લોચિંગના કાર્યક્રમમાં ઉપસ્થિત વડાપ્રધાન મોદી, (PM Modi) યુએન મહાસચિવ એન્ટીનિયો ગુટેરેસ, ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને વિદેશ મંત્રી ડો.એસ.જયશંકરનું ફૂલહાર અને શાલ ઓઢાડી સ્વાગત ગરુડેશ્વર તાલુકાના આમદલા પ્રાથમિક શાળાની 3 વિદ્યાર્થિનીઓ અને એક વિદ્યાર્થીએ કર્યું હતું.
એમનું સ્વાગત કરવા માટે આમદલા પ્રાથમિક શાળાનાં 4 બાળક આવ્યાં
વડાપ્રધાન નરેન્દ્ર મોદી સ્ટેચ્યુ ઓફ યુનિટી પર મિશન લાઇફનું ગ્લોબલ લોચિંગના કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. સ્ટેજ પર એમની સાથે યુએન મહાસચિવ એન્ટીનિયો ગુટેરેસ, ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને વિદેશ મંત્રી ડો.એસ.જયશંકર પણ હાજર હતા. એવામાં એમનું સ્વાગત કરવા માટે આમદલા પ્રાથમિક શાળાનાં 4 બાળક આવ્યાં હતાં. નરેન્દ્ર મોદીનું સ્વાગત નાવ્યા કે.પરમાર, મહાસચિવ એન્ટીનિયો ગુટેરેસનું સ્વાગત મિતાલી તડવીએ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું સ્વાગત નીતિન તડવીએ અને વિદેશ મંત્રી એસ.જયશંકરનું સ્વાગત આરતી તડવીએ કર્યું હતું.
વડાપ્રધાન મોદીએ નાવ્યાના માથે હાથ મૂકી આશીર્વાદ આપ્યા
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નાવ્યા પરમારના માથે હાથ મૂકી પૂછ્યું કે, બેટા કઈ શાળામાં ભણે છે, ભણવાનું ગમે છે કે નહીં, ભણીને શું બનવાની ઈચ્છા છે. તો સામે નાવ્યાએ ખચકાયા વિના જવાબ આપ્યો સાહેબ ભણવાનું તો ગમે જ છે. મારે ભણીગણીને ડોક્ટર બનવું છે. ત્યારે વડાપ્રધાન મોદીએ નાવ્યાના માથે હાથ મૂકી આશીર્વાદ આપ્યા કે બેટા ભગવાન તારી મનોકામના પૂરી કરે. આ બાળકોએ જણાવ્યું હતું કે, અમે તો વિચાર્યું પણ ન હતું કે, નરેન્દ્ર મોદી સાથે વાત કરવાનો મોકો મળશે. અમે તો અત્યાર સુધી એમને ટીવી પર જ જોયા હતા, રૂબરૂ મળી ઘણો આનંદ થયો છે.