રાજપીપળા: (Rajpipla) દેશની પહેલી ગ્રીન અને ઇ-સિટી કેવડિયા સ્ટેચ્યુ ઓફ યુનિટી (Statue Of Unity) નજીક ગુરુવારે મળસકે ચાર્જિંગ સ્ટેશનમાં ચાર્જિંગ કર્યા બાદ મૂકેલી 20 ઇ-રિક્ષામાં અચાનક આગ લાગતાં 15 જેટલી ઈ-રિક્ષા બળીને ખાખ થઈ ગઈ હતી. જો કે, ચાર્જિંગ સ્ટેશનમાં (Charging Station) હાજર 2 યુવાને પોતાના જીવના જોખમે 5 જેટલી ઈ-રિક્ષાઓને (E-Rickshaw) બચાવી લીધી હતી. બીજી બાજુ તંત્ર આ આગ હાઈવોલ્ટેજ કે બેટરી ફાટવા સહિતનાં કયાં કારણોસર ઘટના ઘટી તેની તપાસમાં જોતરાઈ ગયું છે.
- ચાર્જિંગ સ્ટેશનમાં હાજર 2 યુવાને જીવના જોખમે 5 રિક્ષા બચાવી લીધી
- KETO કંપનીના પ્રતિનિધિએ કેવડિયા પોલીસ સ્ટેશનમાં જાણવાજોગ ફરિયાદ આપી
- પોલીસ દ્વારા એફએસએલની મદદ લઈ વૈજ્ઞાનિક ઢબે પણ તપાસ
- મળસકે 3થી 4 વાગ્યાના અરસામાં બનેલી ઘટના કવેડિયા નજીક ચાર્જિંગ સ્ટેશનમાં હાઈ વોલ્ટેજ, ઓવર ચાર્જ કે બેટરી ફાટતાં ઘટના બની હોવાનું અનુમાન
સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક ચાર્જિંગ સ્ટેશનમાં ચાર્જિંગ કર્યા બાદ મૂકેલી KETO કંપનીની માલિકીની અને સંચાલિત 20 ઇ-રિક્ષાઓમાં અચાનક આગ લાગી જતાં 15 જેટલી ઈ-રિક્ષાઓ બળીને ખાખ થઈ ગઈ હતી. અત્રે એ ઉલ્લેખનીય છે કે અગાઉ પણ ચાર્જિંગ સ્ટેશનમાં ઈ-રિક્ષામાં અચાનક આગ લાગી હતી ત્યારે એ આગ કયાં કારણોસર લાગી હતી એની તપાસ તંત્રએ કરી છે કે કેમ એ પ્રશ્ન હાલ લોકોમાં ઊઠી રહ્યો છે. વારંવાર ઈ-રિક્ષામાં લાગી રહેલી આગને કારણે ઈ-રિક્ષાની ગુણવત્તા સામે પણ અનેક સવાલો ઊભા થાય છે.
જો કે, KETO કંપનીના પ્રતિનિધિએ કેવડિયા પોલીસ સ્ટેશનમાં જાણવા જોગ ફરિયાદ આપી છે, પોલીસ દ્વારા એફએસએલની મદદ લઇને વૈજ્ઞાનિક ઢબે તપાસ કરાઇ રહી છે. આ ઉપરાંત KETO કંપનીના તજજ્ઞો દ્વારા તપાસ હાથ ધરાઇ છે. ચાર્જિંગ કર્યા બાદ મૂકેલી ઈ-રિક્ષામાં અચાનક આગ લાગતાં ઈ-રિક્ષા ચલાવી રહેલી સ્થાનિક મહિલા અને પ્રવાસ કરતા પ્રવાસીઓ કેટલા સુરક્ષિત છે એ પ્રશ્ન હાલ ચર્ચાઈ રહ્યો છે. પ્રવાસીઓની એવી માંગ છે કે વિશ્વ કક્ષાના પ્રવાસન સ્થળ પર ફરી રહેલી ઈ-રિક્ષાની ગુણવત્તાની ચકાસણી થવી જોઈએ.
સાગમટે 20 રિક્ષા સળગી ઊઠવાની જાણ થતાં સ્ટેચ્યુ ઓફ યુનિટીનું સત્તામંડળ અને ફાયર બ્રિગેડ સહિત પોલીસ તંત્ર દોડતું થઈ ગયું હતું. જો કે, ટેક્નિકલ અને નિષ્ણાતોની ટીમ આ ઘટના હાઈ વોલ્ટેજ, બેટરી ફાટવા કે ઓવર ચાર્જિંગના લીધે બની છે કે કેમ તેની તપાસ કરી રહી છે. વધુમાં કોઈ અનિચ્છનીય બનાવ કે ભાંગફોડિયા તત્ત્વ દ્વારા પણ આ કૃત્ય કરાયું છે કે નહીં તે દિશામાં પણ તપાસ ચલાવાઈ રહી છે.
અત્રે એ ઉલ્લેખનીય છે કે, વિશ્વ પર્યાવરણ દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેવડિયા સ્ટેચ્યુ ઓફ યુનિટી હાલના એકતાનગરને દેશની પહેલું ગ્રીન અને ઇલેક્ટ્રિક શહેર જાહેર કર્યું હતું. સ્ટેચ્યુ ઓફ યુનિટી સત્તામંડળ દ્વારા આ અંગે વર્કશોપ, સર્વિસ સ્ટેશન બનાવી મહિલાઓને પિંક ઇ-રિક્ષા ચલાવવાની તાલીમ પણ અપાઈ હતી.