રાજપીપળા: કોરોના (Corona)ની બીજી લહેર ઓછી થતાં પ્રવાસન સ્થળો (Tourist place) ખુલ્લાં થતાં હવે પ્રવાસીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. ત્યારે સ્ટેચ્યુ ઓફ યુનિટી (Statue of unity)ની પર વધુ એક વખત ટિકિટમાં કાળાબજારી (Ticket black marketing) પકડાઈ છે. મળતી માહિતી અનુસાર ટ્રાવેલ્સ એજન્ટ (Travel agent) સ્ટેચ્યુ ઓફ યુનિટીની ટિકિટના મૂળ ભાવ કરતાં વધારે ભાવ લઈ 23 ટિકિટો વેચી હતી. જે ચેકિંગ દરમિયાન પકડવામાં આવી હતી.
કોરોનાના બીજી લહેર બાદ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પ્રવાસીઓની સંખ્યા વધી રહી છે. પ્રવાસન સ્થળ ખૂલતા જ ટિકિટના કાળા બજાર કરતાં એજન્ટો ફરી સક્રિય થઇ ગયા હોય તેમ લાગી રહ્યું છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા માટે 23 જેટલા પ્રવાસીઓ આવ્યા હતા. તે 23 જેટલા પ્રવાસીઓને ટિકિટ સી.આઇ.એસ.એફ. જવાનોએ જ્યારે ચેક કરી ત્યારે ટિકિટની મૂળ કિંમત કરતાં ટ્રાવેલ એજન્ટે તેના પર ટિકિટની પ્રિન્ટમાં છેડછાડ કરી હોવાનું જાણવા મળ્યું હતું. ત્યારે એજન્ટે ટિકિટના ભાવ કરતાં વધારે ભાવ લઈ ટિકિટની કાળાબજારી કરતાં સ્પષ્ટ દેખાયું હતું. સ્ટેચ્યુ ઓફ યુનિટીના માન્ય ભાવ કરતાં કોઈ વધારે દર વસૂલે તો તેની સામે કાર્યવાહી જરૂરી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ભૂતકાળમાં પણ ટિકિટની કાળાબજારી કરનારા ટ્રાવેલ એજન્ટો સામે કાનૂની કાર્યવાહી કરવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવામાં આવી હતી. ત્યારે આજે 23 ટિકિટ કરતાં વધારે દર ટ્રાવેલ એજન્ટ પ્રવાસીઓ પાસે વસૂલાત કર્યા હતા. ટિકિટના દર કરતાં કિંમત દર લેનાર ટ્રાવેલ એજન્ટ સામે કાર્યવાહી કરવામાં આવે એ જરૂરી બન્યું છે. કારણ કે એક તરફ લોકો પહેલાથી જ કોરોના સામે ઝઝૂમી રહ્યા છે, અને માંડ શાંત પડવાને આરે બીજી લહેર છે, ત્યારે લોકો પોતાનું મગજ શાંત કરવા હાલ વિવિધ પ્રવાસન સ્થળની મુલાકાત લઇ રહ્યા છે, તેમાં પણ વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા તો પ્રવાસન સ્થળ સાથે ગુજરાત અને ભારતની ગરિમા પણ સંકળાયેલ છે, ત્યારે આ મામલે પણ તંત્રે નોંધ લઈને કાર્યવાહી કરવી જરૂરી છે.
સ્ટેચ્યુ ઓફ યુનિટીના અધિકારીઓ દ્વારા જણાવાયું હતું કે, સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે છેડછાડ કરેલ ટિકિટો પકડાઈ છે. પ્રાથમિક માહિતી મુજબ પ્રવાસી પાસેથી ટ્રાવેલ એજન્ટે વધુ પૈસા પડાવવા માટે મૂળ ટિકિટની પ્રિન્ટમાં છેડછાડ કરી હોવાનું ધ્યાને આવ્યું છે. જેથી એજન્ટ સામે ભોગ બનનાર પ્રવાસી હાલ ફરિયાદ કરવા કેવડિયા પોલીસ સ્ટેશન ખાતે ગયો છે.