સુરત: શહેર પોલીસ (Surat City Police) કમિ. અજય તોમરના આદેશની ઐસીતૈસી કરી રહી છે. સ્ટેટ વિજિલન્સ દ્વારા શહેરમાં ચાલતી જુગારની ક્લબો પર દરોડા (Raid) કરી રહી છે. ત્યારે ચોવીસ કલાકમાં સલમાન રસીદ શેખની વધુ એક આંકડાની ક્લબ લાલગેટ પોલીસ સ્ટેશન પર પકડાઇ છે. આ ઉપરાંત દારૂનો અડ્ડો પણ પકડાયો હોવાની વિગત જાણવા મળી છે. મોડી સાંજે આ કાર્યવાહી સ્ટેટ વિજિલન્સ (Vigilance) દ્વારા કરવામાં આવી રહી હોવાની વિગત જાણવા મળી છે. લાલગેટ પીઆઇ બી.એમ.ભરવાડે તેમની પ્રિમાઈસીસમાં ચાલતી આ ક્લબ ચાલુ કરવા પરવાનો આપ્યો હોવાની પોલ સ્ટેટ વિજિલન્સે ખુલ્લી કરી નાંખી છે. તેમાં ડી-સ્ટાફમાં મિતેશની ભૂમિકા વિવાદમાં છે.
સલાબતપુરા પીઆઇ પછી વધુ એક પીઆઇ અડફેટે ચઢ્યા છે. દરમિયાન આ તમામમાં પીસીબી અને ડીસીબીની પોલ ખુલ્લી પડી ગઇ છે. ડીસીબી અને પીસીબીના માથાભારે જમાદારો પર ઉચ્ચ અધિકારીઓ અને તેમના સ્ટાફનો કોઇ કાબૂ નહીં હોવાનું ચિત્ર ઉપસ્યું છે. ડીસીબીમાં સ્વામી અને રીતેશની કૃપાથી આ ક્લબો ચાલી રહી હોવાની ચર્ચા પોલીસ બેડામાં છેડાઇ છે. જ્યારે પોલીસ બેડામાં દીપક, વિપુલ, સહદેવ, અનિરુદ્ધની ભૂમિકા આ કેસમાં વિવાદી હોવાની ચર્ચા છે. મહિધરપુરામાં અને લાલગેટનો હવાલો જે પોલીસોને સોંપાયો છે તે લોકો સામે કાર્યવાહી નહીં કરવામાં આવતાં સ્થાનિક પીઆઇ સામે કાર્યવાહી કરવાના વિવાદી વલણને કારણે શહેરમાં ઉચ્ચ અધિકારીઓનું કાંઇ ઉપજતું નહીં હોવાનું ચિત્ર ઉપસ્યું છે.
34 લોકોની ધરપકડ અને 9 ગાડી પકડાઈ
સ્ટેટ વિજિલન્સ દ્વારા કરાયેલા આ દરોડામાં 34 લોકોની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે 26 મોબાઇલ અને 39190 રોકડ રકમ પકડવામાં આવી છે. અહીં આંકડો ચાલતો હોવાની વિગત જાણવા મળી છે. કુલ 3.64 લાખની મત્તા સીઝ કરવામાં આવી હોવાની વિગત પણ જાણવા મળી છે.
પીઆઈ કીકાણીની નોકરી બચાવવા માટે દોડધામ
સલાબતપુરા પીઆઇ કીકાણીની રાહબરીમાં જુગારનો અડ્ડો પકડાયા બાદ હવે આ વિવાદી પીઆઇ પોતાની નોકરી બચાવવા માટે દોડતા થઇ ગયા છે. કીકાણી સામે અગાઉ ગેરરીતિના સંખ્યાબંધ આક્ષેપો થયા હોવાની વાત છે. દરમિયાન કમિ. અજય તોમરનો જુગારના અડ્ડા બંધ કરાવવા માટે સ્પષ્ટ આદેશ હોવા છતાં પીઆઇ કીકાણી દ્વારા જુગારની ક્લબને કરફ્યૂમાં પણ ચાલુ રાખવા માટે સ્પેશિયલ પરમિશન આપવામાં આવી હતી. જેમાં સલાબતપુરામાં સર્વેસર્વા મનાતા વિક્રમ ધૂમ પણ વિવાદમાં છે. અગાઉ પીસીબીમાંથી પણ આ વિક્રમ ધૂમની હકાલપટ્ટી કરવામાં આવી હતી. દરમિયાન પીઆઇ કીકાણી સસ્પેન્ડ નહીં થાય એ માટે હાલમાં મોટાં માથાંને સલામ મારી રહ્યા હોવાની વાત છે. દરમિયાન હાલમાં કમિ. અજય તોમર દ્વારા આજે તો આ વિવાદી પોલીસ અધિકારી સામે કોઇ કાર્યવાહી કરવામાં આવી ન હતી. દરમિયાન સંભવત: આ પીઆઇ સામે સસ્પેન્સનની તલવાર તોળાઇ રહી હોવાની વિગત જાણવા મળી છે.