દેશમાં ઇંધણના ભાવ દિનપ્રતિદિન વધી રહ્યા છે ત્યારે ખેતરમાં પાક લણી લીધા પછી રહી જતાં કચરામાંથી બાયોગેસ બનાવીને તેમાંથી સી.એન.જી. જેવો જ કોમ્પ્રેસ્ડ બાયોગેસ બનાવીને વાહનો ચલાવવા માટે ઉપયોગમાં લેવાનું આયોજન કરવામાં આવી રહ્યાના તાજેતરના અખબારી અહેવાલ રાહતજનક લાગ્યા. અમદાવાદની એક ખાનગી કંપનીએ આ માટે મહેસાણામાં કૃષિ ઉપજના કચરામાંથી બાયોગેસ બનાવવાનું આયોજન કર્યું છે. આ બાયોગેસ બન્યા પછી તેને વાહનોમાં ભરવા માટેના સી.એન.જી. સ્ટેશન જેવા સ્ટેશન પણ બનાવશે. તેમજ સી.એન.જી.ની માફક આ ગેસ વાહનોમાં પૂરી આપવામાં આવશે. તે સી.એન.જી. કરતાં ૨૦ થી ૨૫ ટકા સસ્તો રહેવાની સંભાવના છે.
પરંતુ તેની કેલરીફિક વેલ્યુ અને તેના માઇલેજનો અત્યારે અંદાજ આપી શકાતો નથી. સી.એન.જી.થી ચાલતાં વાહનોમાં પણ આ સીબીજી પૂરી શકાતો હોવાનું ખાનગી સાહસિકો જણાવી રહ્યા છે. આજ સી.બી.જી. એટલે કે કોમ્પ્રેસ્ડ બાયોગેસ સિટીગેસ ડિસ્ટ્રીબ્યુટર કંપનીઓ દ્વારા શહેરોમાં રસોડા સુધી પહોંચાડવામાં આવે છે તે જ રીતે દરેક ઘર સુધી પણ પહોંચાડવામાં આવશે, તેવું જણાવાયું છે. હાલમાં દેશમાં ઇંધણની કટોકટી સર્જાતી જાય છે ત્યારે આવું આયોજન સ્તુત્ય અને આવકારદાયક છે તેમજ અન્ય રાજયો માટે અનુકરણીય પણ છે. રાજય સરકારે અને કેન્દ્ર સરકારે આવાં આયોજનોને યોગ્ય પ્રોત્સાહન આપવું જોઇએ.
પાલનપુર – મહેશ વી. વ્યાસ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.