ગાંધીનગર: (Gandhinagar) આગામી ઉત્તરાયણ અને વાસી ઉત્તરાયણના (Uttarayan) તહેવાર દરમિયાન રાજ્યભરમાં ગુજરાત હાઇકોર્ટની માર્ગદર્શિકા મુજબ તેનું અસરકારક પાલન થાય તે માટે રાજ્યના તમામ જિલ્લા પોલીસ વડાને રાજ્ય પોલીસ વડા આશિષ ભાટિયાએ આદેશો આપ્યા છે. રાજ્ય પોલીસ વડા (Police Head) આશિષ ભાટિયાએ ગાંધીનગરથી વિડીયો કોન્ફરન્સના માધ્યમથી જિલ્લાના તમામ પોલીસ અધિકારીઓને ઉતરાયણ તથા વાસી ઉતરાયણના પર્વની દિવસ દરમિયાન રાજ્ય સરકારની ગાઇડ લાઇન તથા ગુજરાત હાઇકોર્ટની માર્ગદર્શિકા મુજબ અસરકારક પોલીસ બંદોબસ્ત ગોઠવવા માટે તેમજ કોઈપણ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવાનો રહેશે. ચાર મહાનગરોમાં રાત્રી કર્ફ્યુનો ચૂસ્તપણે અમલ કરવાનો રહેશે તેમજ પોલીસે ડ્રોન (drone) તથા સીસીટીવીની મદદથી પેટ્રોલિંગ કરવાનું રહેશે.
આ ઉપરાંત આશિષ ભાટિયાએ જણાવ્યું હતું કે જાહેરનામા મુજબ કોઇપણ જાહેર સ્થળો, ખુલ્લા મેદાનો, કે રસ્તા ઉપર પતંગ ચગાવવા માટે લોકો ભેગા ન થાય તે માટેની ખાસ કાળજી રાખવાની રહેશે. મકાન- ફ્લેટના ધાબા કે અગાસી ઉપર મોટી સંખ્યામાં લોકો એકત્રિત ન થાય, માત્ર પોતાના પરિવારના નજીકના સભ્યો સાથે જ ઉતરાયણ ઉજવાય, તેમાં પણ માસ્ક વિના કોઈ પણ વ્યક્તિ જોવા ન મળે, તેમજ લોકોએ સોશિયલ ડિસ્ટન્સનું ફરજીયાત પાલન કરે તે સુનિશ્ચિત કરવાનું રહેશે. રાજ્યના ચાર મહાનગરોમાં રાત્રી કરફર્યુંનો કડક અમલ કરાવવાનો રહેશે.
તેમજ પતંગ ઉપર કોઈની પણ લાગણીઓ દુભાય તેવા કોઈ પણ લખાણ કે ચિત્રો લખી કે દોરી શકાશે નહીં. ધાબા ઉપર લાઉડ સ્પીકર કે જે ડી.જે. સિસ્ટમનો ઉપયોગ ન થાય તેની પૂરતી તકેદારી રાખવાની રહેશે. પતંગ બજારોમાં ભીડ ના થાય ચાઈનીઝ દોરી, ચાઈનીઝ તુક્કલ, પ્લાસ્ટિકની દોરી વગેરે પર પ્રતિબંધ હોવાથી તેનું વેચાણ ન થાય તે પણ જોવાનું રહેશે. દરેક વિસ્તારમાં પતંગ અને માંજા ક્યાં વેચાય છે. લોકોની ભીડ ન થાય તે સુનિશ્ચિત કરવા પોલીસ દ્વારા પેટ્રોલિંગ તથા ફિક્સ પોઇન્ટ રાખવામાં આવશે. આ ઉપરાંત વેપારીઓને પણ આ બાબતે સમજણ આપી પોતાના વિસ્તારમાં ભીડ ન થાય તેનું આયોજન કરવા તેમની મદદ લેવામાં આવશે.
જણાવી દઈએ કે આ વર્ષે સલામતી અને સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને ઉત્તરાયણ સાવચેતી પૂર્વક ઉજવવાની તંત્ર દ્વારા વારંવાર લોકોને અપીલ કરવામાં આવી રહી છે. ત્યારે ચાર મહાનગરોમાં રાત્રી કર્ફ્યુનો ચૂસ્તપણે અમલ કરવાનો રહેશે. એટલુંજ નહીં ઉત્તરાયણ અને વાસી ઉત્તરાયણ દરમ્યાન પોલીસ સતત ડ્રોન તથા સીસીટીવીની મદદથી પેટ્રોલિંગ કરશે.