Gujarat

9મી જાન્યુ.એ સાણંદમાં વાઈબ્રન્ટ ગુજરાત સમિટ પહેલા વાઈબ્રન્ટ સ્ટાર્ટ અપ સમિટ યોજાશે

૧૦મી વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ ૨૦૨૨ના પડઘમ વાગી રહ્યા છે, ત્યારે ભારતીય સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમને એક મંચ પર લાવી રાજ્યમાં સ્ટાર્ટઅપને વધુ વેગવાન બનાવવા અમદાવાદ ખાતે આગામી તા.૯મી જાન્યુઆરીએ સ્ટાર્ટઅપ સમિટ યોજાશે. આ દરમિયાન યુનિકોર્ન કોન્કલેવમાં સંશોધકો અને અગ્રણી રોકાણકારો ભાગ લેશે. ગુજરાતના ૧૦થી વધુ જેટલા વિશિષ્ટ સ્ટાર્ટઅપ સ્થાપકો, અગ્રણી રોકાણકારો તથા 12૦૦ કરતાં વધુ સ્ટાર્ટઅપ પણ ભાગ લેશે.

આ ઉપરાંત ગુજરાતમાંથી 500 જેટલા ઔદ્યોગિક અગ્રણીઓ પણ હાજરી આપશે. આઈ-ક્રિએટ (iCreate), આઈ-હબ (iHub) અને જીયુસેક (GUSEC) જેવી ગુજરાતની અગ્રણી સ્ટાર્ટઅપ તથા ઈનોવેશન સંસ્થાઓ સંયુક્ત રીતે આ ઈવેન્ટનું આયોજન કરી રહી છે. આ સ્ટાર્ટ અપ સમિટમાં આઈ ક્રિએટ કેમ્પસ – સાણંદ ખાતે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ મુખ્ય મહેમાન તરીકે જ્યારે સીએમ ભૂપેન્દ્ર પટેલ, કેન્દ્રીય વેપાર તથા ઉદ્યોગ પ્રધાન પિયૂષ ગોયલ અને આઈટી અને રેલવે પ્રધાન અશ્વિનિ વૈષ્ણવ ઉપસ્થિત રહેશે.

સ્ટાર્ટઅપના ક્ષેત્રમાં ગુજરાતના નિર્ધારિત અને સચોટ માળખાને કારણે તેમજ ઇન્ક્યુબેશન, સહયોગ, જાગ્રતિ અને અન્ય પહેલને કારણે ૨૦૧૮ તથા ૨૦૧૯ એમ સળંગ બે વર્ષ DPIIT રાજ્ય સ્ટાર્ટઅપ રેન્કિંગમાં ગુજરાત ટોચના સ્થાને રહ્યું છે. આઈ-ક્રિએટ (iCreate), આઈ-હબ (iHub) અને જીયુસેક (GUSEC) જેવી ગુજરાતની અગ્રણી સ્ટાર્ટઅપ તથા ઈનોવેશન સંસ્થાઓ સંયુક્ત રીતે આ ઈવેન્ટનું આયોજન કરી રહી છે. તેમાં આ ક્ષેત્રમાં હિત ધરાવતી અગ્રણી સંસ્થાઓ એસોચેમ (ASSOCHAM), જીસીસીઆઈ (GCCI), સીઆઈઈ (CII), સ્ટાર્ટઅપ ઈન્ડિયા, ટાઈ-અમદાવાદ (TiE Ahmedabad) વગેરેનો સક્રિય સહયોગ સાંપડ્યો છે. આ પહેલા સાથે ગુજરાતમાં સ્ટાર્ટઅપને ઘણું પ્રોત્સાહન મળશે અને આગળ જતાં તે અન્ય રાજ્યો માટે માર્ગદર્શક લક્ષ્યાંક સ્થાપિત કરશે

આ ઇવેન્ટમાં ભાગ લેનારને નવું શીખવાની તથા સુધારો કરવાની તક મળશે: અંજુ શર્મા
આ ઇવેન્ટમાં શ્રમ અને રોજગાર વિભાગના અગ્ર સચિવ તથા સ્ટાર્ટઅપ સમિટના મુખ્ય કોઓર્ડિનેટર અંજુ શર્માએ જણાવ્યું હતું કે સોફ્ટબેંકના કન્ટ્રી હેડ મનોજ કોહલી, ભારતપેના સહસ્થાપક શાશ્વત નાકરાણી, ઓયો રૂમ્સના સીઈઓ રિતેશ અગ્રવાલ, CREDના સ્થાપક અને સીઈઓ કુનાલ શાહ, 100X.VCના સ્થાપક સંજય મહેતા, ઈન્ટેલ ઈન્ડિયાના સીઈઓ સુશ્રી નિવૃત્તિ રાય, Apnaના સ્થાપક અને સીઈઓ નિર્મિત પરીખ સહિત અન્ય અગ્રણીઓ તેમના વિચારો વ્યક્ત કરશે.

તેમણે કહ્યું હતું કે આ સમિટમાં ભારત તેમજ દુનિયાભરના સ્ટાર્ટઅપ ક્ષેત્રના અગ્રણીઓ હાજરી આપશે. “આ ઇવેન્ટમાં ભાગ લેનારને પોતાના અનુભવો પ્રસ્તુત કરવાની, નવું શીખવાની તથા સુધારો કરવાની તક પૂરી પાડશે. ઉભરતા ઉદ્યોગ સાહસિકોને તેમના આઈડિયાની પ્રસ્તુત કરવા, રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય રોકાણકારોને મળવાની તથા તેમના આઈડિયાનો અમલ કરવાની તક મળશે” તેમ તેમણે વધુમાં જણાવ્યું હતું.

Most Popular

To Top