સાપુતારા: (Saputara) કોરોનાની મહામારીમાં ગત માર્ચ મહિનાથી ઠપ્પ થયેલી ગુજરાત રાજ્યની શાળાઓ સરકારની ગાઈડલાઈન અંતર્ગત આજથી ડાંગ જિલ્લાની પણ શાળાઓમાં વર્ગોનો પ્રારંભ કરાયો હતો. 65 માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં (Schools) સોશિયલ ડિસ્ટન્સિંગ અને થર્મલ સ્ક્રીનિગ દ્વારા ધોરણ 10 અને 12 નાં વિધાર્થીઓને શાળામાં પ્રવેશ આપવામાં આવ્યો હતો. લોકડાઉન દરમ્યાન ઓનલાઈન શિક્ષણથી (Online Education) વંચિત આ બાળકોમાં શાળાઓ શરૂ થતાં ખુશીની લહેર જોવા મળી હતી.
ડાંગ જિલ્લામાં (Dang District) જિલ્લા શિક્ષણ અધિકારીનાં માર્ગદર્શન હેઠળ 65 માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં સોશિયલ ડિસ્ટન્સિંગ અને થર્મલ સ્ક્રીનિગ દ્વારા ધોરણ 10 અને 12 નાં વિધાર્થીઓને શાળામાં પ્રવેશ આપવામાં આવ્યો હતો. આજથી શાળાઓ ચાલુ થતા વિદ્યાર્થીઓ સહિત વાલીઓમાં ખુશીની લહેર જોવા મળી રહી છે. લોકડાઉન દરમિયાન બાળકોને ઓનલાઈન શિક્ષણ આપવામાં આવી રહ્યુ હતુ. પરંતુ ડાંગ જિલ્લામાં ઓનલાઈન શિક્ષણ દરેક બાળકો માટે શક્ય ન હતુ અને મોટાભાગનાં બાળકો શિક્ષણથી વંચિત જોવા મળ્યા હતા. વધુમાં નેટવર્ક સમસ્યાઓનાં કારણે બાળકોને ઓનલાઈન શિક્ષણ મેળવવામાં તકલીફોનો સામનો કરવો પડતો હતો.
આગામી દિવસોમાં એસ.એસ.સી અને એચ.એસ.સી બોર્ડની પરીક્ષાઓ આવી રહી છે ત્યારે સરકારે ધોરણ 10 અને 12ની શાળાઓ ચાલુ કરતા વિધાર્થી અને તેમનાં વાલીઓમાં ઉત્સાહ જોવા મળ્યો હતો. વઘઇની શાળામાં આજે જિલ્લા શિક્ષણ અધિકારી એમ.સી.ભુસારા તથા ધારાસભ્ય વિજય પટેલે વિદ્યાર્થીઓનું સ્વાગત કરી શાળા પ્રવેશ આપ્યો હતો. આહવામાં ગ્રામ પંચાયતનાં સરપંચ હરિરામભાઈ સાંવત તથા ઈ. આઈ.વિજયભાઈ દેશમુખ દ્વારા વિધાર્થીઓને આવકાર અપાયો હતો. વિદ્યાર્થીઓને શાળામાં આવતી વખતે માસ્ક પહેરવું, સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન, થર્મલ સ્ક્રીનિંગના સૂચનો કરવામાં આવ્યા હતા.
ગણદેવીમાં 75 ટકા હાજરી સાથે શાળાઓ શરૂ
બીલીમોરા, ધનોરીનાકા (ગણદેવી) : બીલીમોરા સહિત તાલુકામાં દસ મહિનાના વિરામ બાદ ધોરણ 10 અને 12 ના વર્ગો કોરોનાની ગાઇડ લાઇનના ચુસ્ત અમલ સાથે શરૂ કરવામાં આવી હતી. વાલીઓની સંમતિથી અને સરકારી ગાઇડલાઇન મુજબ શાળાના પ્રવેશ દ્વારે દરેક વિદ્યાર્થીઓને સેનિતાઈઝ, થર્મલ ગનથી ટેમ્પરેચરની ચકાસણી, મોઢે માસ્ક તથા સોશિયલ ડિસ્ટન્સ રાખીને વિદ્યાર્થીઓને શાળામાં આવકાર સાથે પ્રવેશ આપવામાં આવ્યો હતો. સેન્ટ જોસફ કોન્વેન્ટ સ્કૂલમાં કોરોના પ્રોટોકોલ સાથે વિદ્યાર્થીઓને શાળામાં પ્રવેશ આપવામાં આવ્યો હતો. વિદ્યાર્થીઓ પણ દસ મહિનાથી ઓનલાઇન શિક્ષણ મેળવતા હતા જે હવે કોરોનાની સ્થિતિ સુધારા પર હોવાને લીધે ઓફલાઈન શિક્ષણની રાજ્ય સરકારે આપેલી મંજૂરી બાદ આજે શાળાઓ વિદ્યાર્થીઓના કલરવથી ગુંજી ઉઠી હતી.
ગણદેવીની સર સી.જે.ન્યુ હાઇસ્કૂલમાં ધોરણ 10-12 કુલ 219 વિદ્યાર્થીઓમાંથી 129 વિદ્યાર્થીઓ શાળામાં હાજર રહ્યા હતા. વિજ્ઞાન પ્રવાહમાં વિદ્યાર્થીઓની હાજરી સો ટકા રહી હતી, જ્યારે 12 સામાન્ય પ્રવાહ અને ધોરણ 10 માં 75% વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા. શાળાઓમાં વિદ્યાર્થીઓએ સોશિયલ ડિસ્ટન્સ સમજપૂર્વક નિભાવ્યું હતું.