વડોદરા: સેન્ટ્રલ એસટી ડેપો ખાતે નવ કલાક બાજનજરે વોચ રાખીને અમદાવાદ એટીએસ તથા વડોદરા એસઓજીના સંયુકત ટીમે હાથ ધરેલા ડ્રગ્સ રેકેટના ઓપરેશનમાં પર્દાફાશ કરતા બે પરપ્રાંતિય યુવાનો 16 લાખની કિંમતના એમડી-મેફેડ્રોન ડ્રગ્સ સાથે ઝડપાઈ ગયા હતા. ડ્રગ્સની હેરાફેરી કરનાર બંને આરોપીઓની એસઓજી પોલીસે ધરપકડ કરીને ઘનિષ્ઠ પુછપરછ હાથ ધરી હતી.
શહેરના યુવાધનને ખોખલુ કરવા માટે જીવલેણ ડ્રગ્સના રવાડે ચડાવવા ડ્રગ્સ માફીયાઓ અવારનવાર પરપ્રાંતમાંથી શહેરમાં ડ્રગ્સનો જથ્થો ઠાલવે છે. અમદાવાદ સ્થિત એન્ટીટેરીરીસ્ટ સ્કવોડની ટીમને બાતમી મળી હતી કે, મધ્યપ્રદેશના ઈન્દોરથી બે ઈસમો ડ્રગ્સ લઈને એસટી બસ દ્વારા વડોદરા રવાના થનાર છે.
ઉચ્ચ અધિકારીને બાતમી અંગે જાણ કરવામાં આવતા જ ચોંકી ઉઠેલા તંત્રએ તુરંત ઓપરેશન હાથ ધર્યું હતું. સતર્ક એટીએસની ટીમે વડોદરા એસઓજીને ગુપ્ત ઓપરેશન અંગે જાણ કરીને વડોદરામાં ધામા નાંખ્યા હતા.
બંને એજન્સીની ટીમે એસટી ડેપો તમજ ચોતરફ આઠથી નવ કલાક વોચ રાખી હતી. રાત્રે નવ કલાકે એસટી ડેપો પાસે છોટાલાલ ભવન બાટા શોરૂમ નજીક બે શંકાસ્પદ જણાતા બે ઈસમો નજરે ચડયા હતા. પોલીસે બંને ઈસમોને અટકાવી નામ ઠામ પુછતા હીન્દીમાં વાતચીત કરતા શક મજબુત બન્યો હતો.
પોલીસે અંગજડતી લેત અમાન મોહમદ હનિફ શેખના જેકેટના ખિસ્સામાંથી મોબાઈલ રોકડ અને બાલાજી વેફર્સનું પાઉચ નીકળ્યંુ હતું. અંદર તપાસ કરતા સફેદ કલરનો પાવડર મળી આવ્યો હતો. જયારે બીજો 19 વર્ષીય મોહમદ રીઝવાન મોહમદ રસીદ ખાન બંને રહેવાસી આઝાદનગર વોટરપંપ પાસે ઈન્દોર, મધ્યપ્રદેશ પાસે ફકત રોકડ અને મોબાઈલ મળી આવ્યા હતા.
પોલીસ ટીમે બંને પરપ્રાંતીયોને ઝડપી પાડી એસઓજીની કચેરીએ લાવ્યા હતા. પ્રાથમિક તપાસમાં પોલીસ પુછતાછ દરમિયાન જાણવા મળ્યું હતું. કે ઈન્દોરના જ એક ઈસમે વડોદરાના સપ્લાયરને ડ્રગ્સ પહોંચાડવા જણાવ્યું હતું.
બંને આરોપીઓ પાસેથી પોલીસે 16.30 લાખની કિંમતનું ડ્રગ્સ બે નંગ મોબાઈલ વીસ હજાર રોકડા બસની રીઝર્વેશન ટિકિટ સહિત 16.51 લાખનો મુદામાલ કબજે કર્યો હતો. એનડીપીએસનો ગુનો દાખલ કરીને કોરોના ટેસ્ટની તપાસ બાદ વધુ પુછપરછના ચક્રો ગતિમાન કર્યા હતા.