SURAT

સુરતમાં વસતા સૌરાષ્ટ્રવાસીઓ માટે ખુશખબર, STએ શરૂ કરી આ ખાસ સેવા

સુરત: સુરતના વરાછા, પુણા ગામ, કતારગામ, વેડરોડ વિસ્તારમાં ખૂબ મોટી સંખ્યામાં સૌરાષ્ટ્રવાસીઓ રહે છે. મોટા ભાગના મધ્યમવર્ગના સૌરાષ્ટ્રવાસીઓ સુરતમાં રહી હીરાઉદ્યોગમાં રત્નકલાકાર તરીકે નોકરી કરે છે અથવા તો હીરા દલાલીનું કામ કરે છે. કેટલાંક હીરાનો વેપાર કરે છે. આ સૌરાષ્ટ્રવાસીઓને અવારનવાર વતન જવાની જરૂરિયાત પડતી હોય છે, ત્યારે તેઓ પોતાની કાર અથવા તો ખાનગી એસી બસમાં જવાનું પસંદ કરતા હોય છે, જેના માટે તેઓએ ઊંચી રકમનો ખર્ચ કરવો પડે છે, પરંતુ હવે એવું કરવું નહીં પડે. સુરતમાં એસટી વિભાગે સૌરાષ્ટ્રવાસીઓ માટે સ્પેશ્યિલ સર્વિસ શરૂ કરી છે.

  • ગુજરાત રાજ્ય વ્યવહાર નિગમ દ્વારા સુરત-જુનાગઢ વચ્ચે એસી સ્લીપર બસ શરૂ કરાઈ
  • માત્ર રૂપિયા 865 ખર્ચી સુરતમાં વસતા સૌરાષ્ટ્રવાસીઓ વતન જઈ શકશે

સૌરાષ્ટ્રના જૂનાગઢમાં રહેતા લોકોની સુવિધા માટે ગુજરાત રાજ્ય વાહન વ્યવહાર નિગમ દ્વારા સુરત માટે એસી સ્લીપર કોચ બસ શરૂ કરવામાં આવી છે. જૂનાગઢના લોકો માટે સારા સમાચાર એ છે કે જૂનાગઢ-સુરત અને સુરત-જૂનાગઢ રૂટ માટે એસી સ્લીપર એસટી બસની સુવિધા શરૂ કરવામાં આવી છે.

આ બસ જૂનાગઢથી સાંજે 7.00 કલાકે ઉપડશે, જ્યારે સુરતથી રાત્રે 8.30 કલાકે ઉપડશે. આ ખાસ કરીને જૂનાગઢથી સુરત જતા મુસાફરો માટે મુસાફરીને વધુ આરામદાયક અને સુવિધાજનક બનાવશે. માહિતી મુજબ, જૂનાગઢથી સુરત ટિકિટની કિંમત રૂ. 865/- છે. જૂનાગઢ અને સુરત વચ્ચે સ્લીપર કોચ બસ સેવા શરૂ થવાથી રત્નકલાકારોને મોટી સુવિધા મળશે. રાજ્યભરમાં એસટી તંત્ર દ્વારા 150થી વધુ બસો ફાળવવામાં આવી છે.

રેલવેએ વલસાડ-ભીવાની સહિત સ્પેશ્યિલ ટ્રેનના ફેરા વધાર્યા
સુરત: પશ્ચિમ રેલવેએ પ્રવાસીઓની માંગને ધ્યાનમાં રાખી શરૂ કરેલી વલસાડ-ભીવાની સહિતની સ્પેશિયલ ટ્રેનના ફેરા વધાર્યા છે. રેલવેનાં સત્તાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર ટ્રેન નં.90907-09008 વલસાડ-ભીવાની-વલસાડ એક્સપ્રેસ જેને પહેલા 31 માર્ચ-2023 સુધી દોડાવવાની જાહેરાત કરાઈ હતી. તે ટ્રેન હવે 30 જૂન-2023 સુધી દોડશે. તેવી જ રીતે ટ્રેન નં.09039-09040 બાંદ્રા-અજમેર-બાંદ્રા એક્સપ્રેસ જેને પહેલાં 30 માર્ચ-2023 સુધી દોડાવવાની જાહેરાત કરાઈ હતી, તે ટ્રેન હવે 29 જૂન-2023 સુધી દોડશે. ટ્રેન નં.09435-09436 અમદાવાદ-ઓખા-અમદાવાદ એક્સપ્રેસ જેને પહેલા 26 માર્ચ-2023 સુધી દોડાવવાની જાહેરાત થઈ હતી તે હવે 2 જુલાઈ-2023 સુધી દોડશે. ત્રણેય ટ્રેનનું બુકિંગ 15 માર્ચથી પીઆરએસ કાઉન્ટર અને આઈઆરસીટીસીની વેબસાઇટ પરથી કરી શકાશે.

Most Popular

To Top