SURAT

PMના કાર્યક્રમ માટે 700 બસ માંગનાર સુરત મનપા સમક્ષ STએ એવી શરત મુકી કે હવા ટાઈટ થઈ ગઈ

સુરત (Surat) : 29 સપ્ટેમ્બરના રોજ સુરત આવી રહેલા વડાપ્રધાન મોદીનો (PMModi) કાર્યક્રમ લિંબાયત નીલગીરી ગ્રાઉન્ડ પર છે. જ્યાં બે લાખ લોકો ભેગા કરવાનો ટાર્ગેટ રાખવામાં આવ્યો છે. જેની જવાબદારી સુરત મનપાને (SMC) થોપી દેવાઇ છે. મનપા તંત્ર દ્વારા 700 જેટલી બસ ભાડા (Bus Rent) પર લેવાનો ઠરાવ પણ કરી દેવાયો છે. જેમાં એસટીની (ST) બસની મનપા દ્વારા માગંણી કરવામાં આવતા એસટી વિભાગે બસની સુવિધા માટે મનપાને બે કરોડ રૂપિયાની ડિપોઝિટ (Deposit) ભરવાનું કહેતા મનપાનું તંત્ર દોડતું થઇ ગયું છે.

  • વડાપ્રધાનના કાર્યક્રમમાં બસ મુકવા એસ.ટી. નિગમે 2 કરોડની ડિપોઝિટ માંગી
  • ડિપોઝિટ જમા થયા બાદ જ બસ ફાળવવાના એસટીના નિર્ણયથી મનપાનું તંત્ર મુંઝવણમાં મુકાઇ ગયું

સુરત મનપાના શાસકોએ વડાપ્રધાનના કાર્યક્રમ માટે જુદા જુદા કામો મળી 12 કરોડ રૂપિયાના ટેન્ડરો મંજુર કરી દીધા છે. જેમાં રાજ્ય અને કેન્દ્ર સરકારની જુદી જુદી યોજનાના લાભાર્થીઓને સભા સ્થળે લાવવા માટે 700 બસ મુકવા 60 લાખ સુધીનો ખર્ચ થશે તેમ માની ઠરાવ કરી દેવાયો છે. જો કે જીએસઆરટીસી (એસટી) બસ માટે મનપાએ માંગણી કરી કે તુરંત એસટી વિભાગે સરકારી કાર્યક્રમોના જુના અનુભવો ધ્યાને લઇને મનપા પાસે બે કરોડ રૂપિયાની ડિપોઝિટ ભરી દેવા જણાવ્યું છે. આ ડિપોઝિટ આપ્યા બાદ જ બસ ફાળવવાનો નિર્ણય કરવામાં આવશે. એસટીના આ વલણથી મનપાનું તંત્ર મુંઝણવણમાં મુકાઇ ગયું છે.

વડાપ્રધાન મોદી લિંબાયતમાં અઢી કિ.મી.નો રોડ શો કરશે, 20 સ્થળે સ્વાગત કરાશે
આગામી 29મી તારીખે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુરત આવી રહ્યાં છે. લિંબાયતના નીલગીરી ગ્રાઉન્ડ ખાતે તેમની જાહેરસભા છે. તેમજ 3900 કરોડના પ્રોજેકટના ખાતમૃર્હુત અને લોકાપર્ણ પણ થનાર છે. આ કાર્યક્રમ માટે સુરત મનપા દ્વારા તડામાર તૈયારીઓ ચાલુ કરી દેવાઇ છે. દરમિયાન વડાપ્રધાનના કાર્યક્રમને વધુમાં વધુ ભવ્ય બનાવી વિધાનસભાની ચૂંટણી પ્રચારનો ટેમ્પો જમાવી દેવા ભાજપના નેતાઓ પણ આતુર હોય, હેલિપેડથી સભાસ્થળ સુધી વડાપ્રધાનનો રોડ શો પણ યોજાવાનો છે. જેમાં 20 જગ્યાએ સ્ટેજ ગોઠવી જુદા જુદા સમાજ અને સંસ્થાઓ દ્વારા સ્વાગતનું આયોજન પણ કરાયું છે.

વડાપ્રધાન લિંબાયતમાં મર્હષી આસ્તિક સ્કુલના ગ્રાઉન્ડ ખાતે બનાવાયેલા હેલિપેડ પર ઉતરાણ કરશે. ત્યાથી મિડલ રિંગ રોડ પર થઇને સભાસ્થળ સુધી જશે આ રસ્તા પર રોડ શોનું આયોજન કરાયું છે. તેમજ ઠેક ઠેકાણે સ્ટેજ ઉભા કરી મોદીનું સ્વાગત કરાશે. ઉપરાંત મનપા દ્વારા મહત્વના પ્રોજેકટના કટ આઉટ બનાવી રસ્તા પર ગોઠવવામાં આવશે અને વડાપ્રધાનના ધ્યાન પર મનપાના વિકાસના કામો દેખાય તેવું આયોજન કરાશે.

30મી તારીખે વડાપ્રધાનના હસ્તે આવાસ યોજનાના સાડા ત્રણ હજાર આવાસોનો વર્ચ્યુઅલ ડ્રો
વડાપ્રધાન નરેન્દ્ર મોદી 29મી તારીખે સુરતમાં લિંબાયતમાં જાહેર સભા અને 3900 કરોડના પ્રોજેકટના લોકાપર્ણ-ખાતમૃહુર્ત કરશે જયારે 30મી તારીખે અંબાજી ખાતે મોદીનો કાર્યક્રમ છે, ત્યાંથી આખા રાજયના આવાસ યોજનાના ડ્રો થવાનો હોય, સુરત મનપાની પ્રધાનમંત્રી આવાસના 4000 જેટલા આવાસોનો પણ ડ્રો આ દિવસે થશે, આ કાર્યક્રમ પણ લિંબાયતમાં નીલગીરી ખાતે જ યોજાશે તેમજ મનપા દ્વારા અહીં 10 હજાર જેટલા લાભાર્થીઓને ત્યા લઇ જવા માટે વાહનોની વ્યવસ્થા કરવામાં આવશે.

Most Popular

To Top