વાપી: વાપી (Vapi) રેલવે ફલાય ઓવરબ્રીજની ચાલતી કામગીરીને ધ્યાને લઈ વાપી બસ ડેપોને (Vapi Bus Stand) હંગામી ધોરણે ખસેડી. તેને વાપી કોર્ટ નજીક બલીઠા પાસે નવું બસ સ્ટેન્ડ બનાવાયું છે. ચોમાસા દરમિયાન મુસાફરો તથા બસ ચાલકો કાદવને લઈ તોબા તોબા પોકારી રહ્યા છે. બસ સ્ટેન્ડ પર કોઈ પાકો રોડ બનાવ્યો જ નથી અને ચોમાસા દરમિયાન માર્ગ પર કાદવ પ્રસરી જવાથી ઘણી વખત બસ ફસાઈ જતી હોય છે. ત્યારે શુક્રવારે પણ કાદવમાં બે બસ ફસાયાની (ST Bus Stuck) ઘટના બની હતી. તેને બહાર કાઢવા ક્રેઈનની મદદ તથા મુસાફરોએ ધક્કો મારવાની નોબત આવી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર, શુક્રવારે રાબેતા મુજબ મુસાફરો તથા બસોની અવરજવર થઈ રહી હતી. ગુરુવારે રાત્રીના સમયે વરસાદી માહોલ રહ્યો હતો અને સવારે પણ કયારેક-કયારેક જોરદાર ઝાપટું પડ્યું હતું. જેને પગલે હંગામી ધોરણે બનાવેલા બસ સ્ટેન્ડ પર કાદવ થઈ ગયો હતો. જેના કારણે આ બે બસો કાદવમાં ફસાઈ ગઈ હતી.
- ક્રેઈનની મદદથી અને મુસાફરોએ ધક્કા મારી બંને બસ બહાર કઢાઈ
- વાપીથી નાશિક જતી બસ અને ઊંઝાથી વાપી ડેપોમાં આવતી સ્લીપર કોચ બસ કાદવમાં ફસાઈ હતી
સવારે આઠેક વાગ્યાની આસપાસ વાપીથી નાશિક જતી બસ કાદવમાં ફસાઈ ગઈ હતી. ત્યાર બાદ ઊંઝાથી વાપી ડેપોમાં આવતી સ્લીપર કોચ બસ પણ કાદવમાં ફસાઈ ગઈ હતી. બંને બસ કાદવમાં ફસડાઈ પડતા મુસાફરોની હાલત કફોડી બની ગઈ હતી. બસ કાદવમાં ફસાતાં ડેપોના કર્મચારીઓ તથા બસ ચાલકોમાં પણ દોડધામ મચી ગઈ હતી. જે બાદ ક્રેઈનની મદદ તથા મુસાફરોની મદદથી આશરે દોઢેક કલાકની ભારે જહેમત બાદ કાદવમાં ફસાયેલી બંને બસને બહાર કાઢવામાં આવી હતી.
જાણવા મળ્યું હતું કે, વાપી બસ ડેપોની વિવિધ સમસ્યાઓ અંગે ડેપો મેનેજર દ્વારા ઉચ્ચ અધિકારીઓને વારંવાર પત્ર લખી જાણ પણ કરાઈ હોવા છતાં કોઈ નક્કર પગલા ભરવામાં આવ્યા નથી.