સુરત: આજે ગુરુવારે તા. 25 મે 2023ના રોજ ધો. 10 SSC બોર્ડનું રિઝલ્ટ જાહેર થયું. રાજ્યમાં સૌથી સારું પરિણામ સુરતનું 76.45 ટકા રહ્યું છે. સુરત રાજ્યમાં પ્રથમ રહ્યું છે. A1 ગ્રેડમાં પણ સુરતના વિદ્યાર્થીઓએ બાજી મારી છે. સુરતના 1279 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ મેળવ્યો છે, જે રાજ્યમાં સૌથી વધુ છે. આ સાથે જ સુરતના વિદ્યાર્થીઓના રિઝલ્ટે પણ લોકોને આશ્ચર્યમાં મુક્યા છે.
સુરતના જોડિયા ભાઈઓના રિઝલ્ટ પણ સરખા
સુરતની એક સ્કૂલમાં ભણતા બે જોડિયા ભાઈઓના રિઝલ્ટે પરિવારજનો, સંબંધી અને સ્કૂલના ટીચર-પ્રિન્સીપલને પણ આશ્ચર્યમાં મુકી દીધા છે. આ જોડિયા ભાઈઓનું રિઝલ્ટ સરખું આવ્યું છે. માર્કસ સરખા જ આવ્યા છે. તેઓના પરિણામની બધે ચર્ચા થઈ રહી છે. આ જોડિયા ભાઈઓના નામ છે શેખ હનાન અને શેખ મનાન. તેઓ ભક્તિ ઈન્ટરનેશનલ સ્કૂલમાં ભણે છે. બંને ભાઈઓએ 99.24 PR મેળવ્યા છે. બંને ભાઈઓએ સાયન્સ ફિલ્ડમાં આગળ વધવાનું મન બનાવ્યું છે.
PCR વાનના ડ્રાઈવરની દીકરીએ 93 ટકા મેળવ્યા
આ ઉપરાંત સુરતમાં ગરીબ માતા-પિતાના બાળકોએ પણ સારા પરિણામ મેળવ્યા છે. સુરતના પીસીઆર વાનના ડ્રાઈવરની દીકરી જાનવી દેસાઈએ 93 ટકા મળવ્યા છે. તેણીને ઈસરોમાં વૈજ્ઞાનિક બનવાની ઈચ્છા છે. સામાન્ય મજૂરી કામ કરતા પરિવારની દીકરી પ્રાચી દેસાઈએ 95 ટકા મેળવ્યા છે. તેણીને UPSC ક્લીયર કરવું છે.
હોસ્પિટલમાં કેરટેકર તરીકે નોકરી કરતા પિતાની દીકરી ખુશી ભાવસારે 92.05 ટકા મેળવ્યા છે. તેની માતા સિલાઈ કામ કરે છે. આર્થિક મુશ્કેલી વચ્ચે ખુશીએ 92.05 ટકા મેળવ્યા છે. તેણી ડોક્ટર બનવા માગે છે. ભાડાના મકાનમાં રહેતી ક્રિષ્ણા નાકરાણીએ 95.61 ટકા મેળવ્યા છે. તેના પિતા જિન્સની ફેક્ટરીમાં કામ કરે છે. રત્નકલાકાર સુરેશ સતાણીના દીકરા વ્રજે 95.33 ટકા મેળવ્યા છે. વ્રજના માતા પિતા દિવ્યાંગ છે. આર્થિક સ્થિતિ કમજોર છે, ત્યારે વ્રજે સારું પરિણામ મેળવી પરિવારનું નામ રોશન કર્યું છે.