Sports

શ્રીલંકા સામે મેચ વિનિંગ ઇનિંગ રમીને અબ્દુલ્લા શફીકે રેકોર્ડ બૂકમાં કેટલાક રેકોર્ડમાં નામ સામેલ કર્યું

નવી દિલ્હી: શ્રીલંકા (SriLanka) સામેની પહેલી ટેસ્ટમાં મેચ (Test Match) વિનિંગ ઇનિંગ રમનાર અબ્દુલ્લા શફીકે રેકોર્ડ બૂકમાં (Record Book) કેટલાક રેકોર્ડમાં પોતાનું નામ સામેલ કરાવ્યું હતું અને સાથે જ તે ચોથા દાવમાં 400 કે તેનાથી વધુ બોલનો સામનો કરીને સુનિલ ગાવસ્કરની સ્પેશિયલ ક્લબમાં (Special Club) સામેલ થયો હતો. શફીકે અત્યાર સુધીમાં કુલ છ ટેસ્ટ રમી છે અને તેમાં તેણે 80ની એવરેજથી 720 રન બનાવીને પાકિસ્તાની દિગ્ગજ જાવેદ મિયાંદાદને ઓવરટેક કરી ગયો છે. મિયાંદાદે છ ટેસ્ટમાં કુલ 652 રન બનાવ્યા હતા. છ ટેસ્ટ પછી સર્વાધિક રન કરવા મામલે ઓવરઓલ શફીક પાંચમા સ્થાને રહ્યો છે. પહેલા સ્થાને 912 રન સાથે ભારતીય દિગ્ગજ સુનિલ ગાવસ્કરનો નંબર આવે છે. ચોથા દાવમાં 400થી વધુ બોલ રમીને તે સુનિલ ગાવસ્કર, માઇકલ આથર્ટન, હર્બર્ટ સટક્લિફ અને બાબર આઝમ સાથે સ્પેશિયલ ક્લબમાં સામેલ થયો છે.

એશિયામાં સફળ રનચેઝમાં શફીકનો સ્કોર ત્રીજો સૌથી મોટો વ્યક્તિગત સ્કોર
એશિયામાં રમાયેલી ટેસ્ટમાં ચોથા દાવના સફળ રનચેઝમાં શફીકની 160 રનની નોટઆઉટ ઇનિંગ ત્રીજો સૌથી મોટો વ્યક્તિગત સ્કોર રહ્યો છે. એશિયામાં સફળ રનચેઝમાં વેસ્ટઇન્ડિઝના કાઇલ માયર્સનો નોટઆઉટ 210 રનનો રેકોર્ડ છે, જે તેણે બાંગ્લાદેશ સામે બનાવ્યો હતો. બીજા ક્રમે પાકિસ્તાનનો યૂનુસ ખાન છે જેણે શ્રીલંકા સામે ચોથા દાવમાં નોટઆઉટ 171 રનની ઇનિંગ રમી હતી.

300+નો રન ચેઝ કર્યા પછી નોટઆઉટ પરત ફરનારો શફીક માત્ર બીજો ઓપનર
શ્રીલંકા સામેની ગોલ ટેસ્ટમાં 342 રનના સ્કોરને સફળતાપૂર્વક ચેઝ કર્યા પછી 160 રન બનાવીને નોટઆઉટ રહેલો પાકિસ્તાનનો અબ્દુલ્લા શફીક વિશ્વ ક્રિકેટમાં માત્ર બીજો ઓપનર રહ્યો છે. અત્યાર સુધી વેસ્ટઇન્ડિઝનો ગોર્ડન ગ્રીનીજ જ આમ કરી શક્યો હતો. ગ્રીનીજે ઇંગ્લેન્ડ સામેની 1984માં રમાયેલી ટેસ્ટમાં વેસ્ટઇન્ડિઝની 9 વિકેટની જીતમાં 214 રનની નોટઆઉટ ઇનિંગ રમી હતી.

અબ્દુલ્લા શફીકે ક્રિઝ પર સર્વાધિક સમય સુધી રહેવાનો અરવિંદ ડિ સિલ્વાનો રેકોર્ડ તોડ્યો
ગોલ ટેસ્ટમાં પાકિસ્તાની બેટ્સમેન અબ્દુલ્લા શફીકે પોતાની 408 બોલમાં 160 રનની ઇનિંગ દરમિયાન કુલ 8 કલાકથી વધુ સમય ગાળ્યો હતો અને ટેસ્ટ ક્રિકેટમાં સફળ રનચેઝ દરમિયાન સર્વાધિક સમય ક્રિઝ પર ટકી રહેવાનો શ્રીલંકાના અરવિંદ ડિ સિલ્વાનો રેકોર્ડ તેણે તોડ્યો હતો. ડિ સિલ્વાએ ઝિમ્બાબ્વે સામેની ટેસ્ટ દરમિયાન ક્રિઝ પર 7 કલાક અને 40 મિનીટનો સમય ગાળ્યો હતો. જ્યારે શફીકે 8 કલાક અને 44 મિનીટનો સમય ગાળ્યો છે.

Most Popular

To Top