Sports

કાઉન્ટી ક્રિકેટમાં ચેતેશ્વર પુજારાએ વધુ એક બેવડી સદી ફટકારી

લંડન: કાઉન્ટી ક્રિકેટમાં (Cricket) ભારતીય ખેલાડીઓ (Indian Player) ઝળહળી રહ્યા છે. જેમાં સસેક્સ વતી ચેતેશ્વર પુજારાએ વધુ એક બેવડી સદી ફટકારીને રેકોર્ડ (Record) બનાવ્યો છે. પુજારાની આ સિઝનની આ ત્રીજી બેવડી સદી રહી છે અને 108 વર્ષ પછી સસેક્સ વતી સિઝનમાં ત્રણ બેવડી સદી ફટકારનારો તે પહેલો ખેલાડી બન્યો છે. જ્યારે કાઉન્ટી ક્રિકેટમાં ડેબ્યુ કરનારા અન્ય બે ખેલાડીઓમાં લેન્કેશર વતી વોશિંગ્ટન સુંદરે 5 અને કેન્ટ વતી નવદીપ સૈનીએ 5 વિકેટ ઉપાડી અસરકારક શરૂઆત કરી છે.

પુજારાએ સસેક્સ વતી રમતા આ સિઝનમાં કુલ 7 મેચમાં 850થી વધુ રન બનાવ્યા છે. મિડલસેક્સ સામેની મેચમાં તેણે 403 બોલનો સામનો કરીને 21 ચોગ્ગા અને 3 છગ્ગાની મદદથી 231 રન બનાવ્યા હતા અને તેની ઇનિંગને કારણે સસેક્સની ટીમ 523 રનના સ્કોર સુધી પહોંચી હતી. આ પહેલા તે નોટઆઉટ 201 અને 203 રનની ઇનિંગ રમી ચુક્યો છે. આ તરફ ભારતીય ઓલરાઉન્ડર વોશિંગ્ટન સુંદરે લેન્કેશર કાઉન્ટી વતી ડેબ્યુ કરીને નોર્ધમ્પ્ટનશર સામેની મેચમાં 76 રન આપીને 5 વિકેટ ઉપાડી છે. જો કે બેટીંગમાં તે માત્ર 2 રન કરીને આઉટ થચો હતો. નવદીપ સૈનીએ કેન્ટ વતી ડેબ્યુ કરીને વોરિવિકશર સામેની મેચમાં 72 રનમાં 5 વિકેટ ઉપાડી હતી. બેટીંગમાં તે શૂન્ય રને આઉટ થયો હતો.

પુજારા લોર્ડસના ઐતિહાસિક મેદાન પર બેવડી સદી ફટકારનાર પહેલો ભારતીય ખેલાડી
ચેતેશ્વર પુજારાએ સસેક્સ વતી મિડલસેકસ સામેની મેચમાં પોતાની કાઉન્ટી કેરિયરની ત્રીજી બેવડી સદી ફટકારી હતી અને તે લોર્ડસના મેદાન પર બેવડી સદી ફટકારનારો પહેલો ભારતીય ખેલાડી બન્યો હતો. ભલે આ કાઉન્ટી મેચ હતી પણ કોઇ ભારતીય હજુ સુધી લોર્ડસ પર બેવડી સદી ફટકારી શક્યો નથી. આ મેદાન પર વિનુ માંકડે 1952માં 184 રનની ઇનિંગ રમી હતી. જે કોઇ ભારતીયનો આ મેદાન પર સૌથી મોટો સ્કોર રહ્યો છે. આ મેદાન પર દિલીપ વેંગસરકરે 1982માં 157 રનની ઇનિંગ રમી હતી, જે આ યાદીમાં બીજા ક્રમે આવે છે અને તે પછી ત્રીજા ક્રમે સૌરવ ગાંગુલી છે જેણે 131 રનની ઇનિંગ રમી હતી.

Most Popular

To Top