કોલંબો: શ્રીલંકન નેવીએ (Sri Lankan Navy) ઉત્તર જાફનામાં (Jaffna) 19 ભારતીય માછીમારોની (Indian Fishermen) ધરપકડ કરી છે. તેમના પર શ્રીલંકાના પ્રદેશમાં ગેરકાયદે પ્રવેશ કરવાનો આરોપ છે. શ્રીલંકાએ ભારતીય માછીમારોની 2 બોટ પણ જપ્ત કરી છે. આ વર્ષે ફેબ્રુઆરી સુધીમાં અત્યાર સુધીમાં તેણે 88 માછીમારોને પકડ્યા હોવાનો દાવો કર્યો છે.
શ્રીલંકન નેવીએ ઉત્તરી જાફના પ્રાંતમાં ભારતીય માછીમારો સામે મોટી કાર્યવાહી કરી છે. નેવીએ ડેફ્ટ આઇલેન્ડ નજીક તેની જળસીમામાં ગેરકાયદે માછીમારી કરવા બદલ 19 ભારતીય માછીમારોની ધરપકડ કરી છે. તેમજ તેમની બે બોટ પણ જપ્ત કરવામાં આવી છે. શ્રીલંકન નેવીએ ગુરુવારે આ માહિતી આપી. એક મહિનામાં આ બીજી ઘટના છે. થોડા દિવસો પહેલા જ શ્રીલંકન નેવીએ કેટલાક ભારતીય માછીમારોની ગેરકાયદેસર રીતે તેમના ક્ષેત્રમાં પ્રવેશ કરવા બદલ ધરપકડ કરી હતી.
શ્રીલંકાના નૌકાદળે એક નિવેદનમાં જણાવ્યું હતું કે તેણે કોસ્ટ ગાર્ડ સાથે મળીને એક ઓપરેશનમાં બુધવારે શ્રીલંકાની જળસીમામાં ગેરકાયદેસર રીતે માછીમારી કરતા 19 ભારતીય માછીમારોની ધરપકડ કરી હતી અને તેમની બે બોટ જપ્ત કરી હતી. નિવેદન અનુસાર પકડાયેલા માછીમારો અને તેમની બે બોટને કાંકેસંથુરાઈ બંદરે લઈ જવામાં આવી હતી. તેમાં કહેવામાં આવ્યું છે કે આ વર્ષે અત્યાર સુધીમાં શ્રીલંકન નેવીએ 88 ભારતીય માછીમારોની ધરપકડ કરી છે અને 12 ભારતીય બોટ પણ જપ્ત કરી છે. નેવીએ માછીમારોને આગળની કાયદેસરની કાર્યવાહી માટે સત્તાવાળાઓને સોંપી દીધા છે.
વર્ષ 2023માં શ્રીલંકાના નૌકાદળે તેની જળસીમામાં ગેરકાયદે માછીમારીના આરોપમાં 240 ભારતીય માછીમારોની ધરપકડ કરી હતી. આ સિવાય 35 બોટ જપ્ત કરવામાં આવી હતી. આ વર્ષે માત્ર એક મહિનામાં 88 ભારતીય માછીમારોની ધરપકડ કરવામાં આવી છે. માછીમારોની સંખ્યા સતત વધી રહી છે.