Business

ફળો ઉપર હાનિકારક દવાનો છંટકાવ સ્વાસ્થ્ય માટે જોખમી

ઉનાળાની કાળઝાળ ગરમીની શરૂઆત થઇ ગઇ છે. પાણીદાર ફળો તડબૂચ, દ્રાક્ષ, ટેટી વગેરે બજારમાં ઉભરાયા છે અને ટૂંક સમયમાં ફળોનો રાજા કેરી પણ બજારમાં ઠલવાશે અને આ બધાં ફળો ઉનાળામાં ખાવા ખૂબ જ ફાયદાકારક છે અને લોકો હોંશે હોંશે આ ફળોની મજા પણ માણે છે. પરંતુ હમણાં સોશ્યલ મિડીયામાં એક મેસેજ ફરતો થયો છે કે હાલ ખાંસી (ઉધરસ)ના પેશન્ટમાં ખૂબ વધારો થયો છે. કદાચ વાતાવરણ બદલવાના કારણે આવું હોય, પરંતુ બીજું એક કારણ એમાં એ જણાવ્યું છે કે દ્રાક્ષની ઉપર ખેડૂતો પેસ્ટીસાઇડ વાપરે છે. તેને કારણે ખાંસી અને નળીમાં કફ જેવી સમસ્યા હમણાં વધી છે. આવાં તો અનેક ફળોને જલદી પકવવા માટે હાનિકારક પાવડર અને દવાનો ઉપયોગ થતો હોય છે.

જેથી આ ફાયદાકારક ફળો આપણા સ્વાસ્થ્યને નુકસાનકર્તા બની જાય છે. ડોકટરો આપણને ઋતુ અનુસાર દરેક ફળો ખાવાની સલાહ આપતા હોય છે અને એ જરૂરી પણ છે. કુદરતે દરેક ઋતુને અનુરૂપ જ ફળોની વ્યવસ્થા કરી છે. પરંતુ કુદરતી વસ્તુમાં છેડછાડ કરનાર મનુષ્ય પોતે જ પોતાના સ્વાસ્થ્યને હાનિ પહોંચાડે છે. આ કારણે આપણે વર્ષમાં એક વાર આવતા સિઝનલ અને ફાયદાકારક ફળો ખાવા પહેલાં તેને પાણીથી બરાબર ધોયા પછી જ ઉપયોગમાં લઇએ.
અમરોલી – પાયલ વી. પટેલ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

નબળાં બાંધકામોમાં જવાબદારી નક્કી કરો
આપણે ત્યાં ખાનગી અને જાહેર બાંધકામોની ક્ષતિઓ અંગે વારંવાર અખબારોમાં અહેવાલો વાંચવા મળે છે. તાજેતરમાં સૈયદપરામાં જર્જરિત મકાનનો પહેલો માળ તૂટતાં સાસુ અને વહુ દબાયાં હતાં. કતારગામનું આદિનાથ એપાર્ટમેન્ટ જર્જરિત થતાં સત્તાધીશોએ તે બિલ્ડીંગને ઉતારી પાડવા નોટિસ આપી. તેના પરિણામે ઘણાં કુટુમ્બો મકાન ખાલી કરી ગયાં અને કેટલાંક બાકી રહ્યાં તેને ખાલી કરવા તાકીદ કરી. ભુજનો રૂા. 22 કરોડને ખર્ચે તૈયાર કરાયેલા રસ્તો એક જ વર્ષમાં તૂટતાં આટલી રકમ પાણીમાં ગઈ.

અગાઉ એક લો કોસ્ટ આવાસની અને થોડા સમય પહેલાં સિવિલ હોસ્પિટલની છતમાંથી પોપડા ખરી પડવાના અહેવાલો હતા. વળી મોરબીનો મચ્છુ નદી પરનો પૂલ તૂટતા તો મોટી જાનહાનિ થઈ હતી. આટલાં બધાં બાંધકામોમાં ક્ષતિઓ જણાઈ હોવા છતાં મોરબીના પુલ સિવાય બાકીનાં બાંધકામો માટે જવાબદારી નક્કી થયાનું જાણમાં નથી. તેથી હવે પછી જે કોઈ જાહેર કે ખાનગી બાંધકામોમાં ક્ષતિ થાય તો તે માટે જવાબદારી નક્કી કરીને કોન્ટ્રાકટર અને સુપરવાઈઝીંગ સ્ટાફને આકરો દંડ કરવો જોઈએ અને ભવિષ્યમાં થનારાં બાંધકામો માટે ટકાઉપણાની ગેરંટી લેવી જોઈએ.
સુરત     – વિ.કે. માદલિયા– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top